Abtak Media Google News

મધ્ય ગુજરાત અને કચ્છ વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડતા જળતંગીની ભીતિ.

ચોમાસાની સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ જતા હવે, વરસાદ થવાની કોઈ સંભાવના નહિ.

રાજકોટમાં ચોમાસાની સીઝનમાં સરેરાશ ૭૩૪ મીમી વરસાદની સામે આ વર્ષે માત્ર ૬૧૦ મીમી જ વરસાદ પડયો: જળાશયોમાં અપુરતા પાણી.

નૈઋત્યના ચોમાસાએ વિધિવત વિદાય લઈ લીધી છે. રાજયમાં હજુ ૨૪ ટકા વરસાદની ઘટ હોય ઉનાળો આકરો રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ૧૭ ટકા વરસાદની ઘટ રહી છે. વર્ષ ૧૯૮૮ થી ૨૦૧૭ સુધી ચોમાસાની સીઝનની સરેરાશ જોવામાં આવે તો રાજકોટમાં ૭૩૪ મીમી વરસાદ વરસે છે.

ચાલુ સાલ માત્ર ૬૧૦ મીમી વરસાદ વરસ્યો છે જે સીઝનનો કુલ ૮૩ ટકા જેટલો થવા પામ્યો છે. આમ શહેરમાં ચોમાસાની સીઝનમાં ૧૭ ટકા વરસાદની ઘટ છે. શહેરની જળ જરૂરીયાત સંતોષતા એક પણ જળાશયોમાં સંતોષકારક પાણીની આવક થવા પામી નથી. જો કે રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત ફરી નર્મદાના નીરથી આજી ડેમને ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોય.

રાજકોટવાસીઓને ઉનાળામાં પણ જળ કટોકટીનો સામનો કરવો પડશે નહીં. નૈઋત્યના ચોમાસાએ વિધિવત વિદાય લેતા હવે ભાદરવાના તડકા આકરા બન્યા છે. ચો કે વાતાવરણમાં બેવડી સીઝનનો પણ અનુભવ થઈ રહ્યો છે. બપોરે આકરા તડકાનો અહેસાસ થઈ રહ્યો છે તો વહેલી સવારે અને રાત્રીના સમયે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.

ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતા ચોમાસુ ઋતુ પર તેની ગંભીર અસર વર્તાઈ છે. ચાલુ વર્ષે કેરલ, યુપી સહિતના રાજયોમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિ થતા હાહાકાર મચી ગયો છે તો બીજી તરફ ગુજરાત સહિતના પશ્ર્ચિમી રાજયો અને મધ્યભારતમાં વરસાદની ઘટ રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં મોસમના કુલ વરસાદમાં ૧૦%ની ઘટ નોંધાઈ છે જયારે ગુજરાતમાં ૨૪ ટકાની ઘટ પડી છે. તો હવામાન વિભાગે જણાવ્યું છે કે, શનિવાર સુધીમાં મેઘરાજા વિદાય લે તેવા એંધાણ છે.

ઉલ્લેખનીય છેકે, આ વર્ષે મેઘરાજાએ ૨૯મેના રોજ કેરલથી વરસાદની શરૂઆત કરી હતી કેરલમાં ૧૨ દિવસ સુધી સામાન્ય ઝડપથી વરસાદ નોંધાયો હતો. પરંતુ ત્યારબાદ વરસાદની ગતિ ધીમી પડી ગઈ હતી. જો કે, ત્યારબાદ મેઘકહેર થતા કેરલમાં પૂરની સ્થિતિમાં લાખો લોકો બેઘર બન્યા હતા. દેશના પૂર્વી અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં વરસાદમાં કુલ ૨૪ ટકાની ઘટ પડી હોવાનું નોંધાયું છે. તેમાં પણ સૌથી વધુ ઘટ અરૂણાચલ પ્રદેશમાં ૩૨% નોંધાઈ છે. જયારે ગુજરાતમાં ૨૬ ટકા ઘટ પડી છે તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ મોસમનો ૩૨% વરસાદ ઓછો પડયો હોવાનું જાણવા મળ્યું છે.

વરસાદની ઘટની મુશ્કેલી વચ્ચે હવે, ચોમાસુ વિદાય લેવાના અંતિબ તબકકામાં છે. વરસાદ ઓછો પડતા ગુજરાતનાં ઘણા જિલ્લાઓમાં જળતંગીની પરિસ્થિતિ ઉભી થઈ છે. ગુજરાતની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડયો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, છેલ્લે વર્ષ ૨૦૧૨માં આ પ્રકારે વરસાદની ઘટ વર્તાઈ હતી ૨૦૧૨માં સૌરાષ્ટ્રમાં ૩૧૧ અને કચ્છ વિસ્તારમાં ૬૦૭ મીમી વરસાદ પડયો હતો. જયારે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં ૩૧૬ અને કચ્છમાં ૬૯૫ મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ વિસ્તારમાં નોંધાયો છે.

હાલ ગુજરાત પરથી વરસાદની સિસ્ટમ પસાર થઈ જતા આગામી ટુંક સમયમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

ઓછો વરસાદ નોંધાતા મધ્ય ગુજરાત અને કચ્છ વિસ્તારમાં ખેડુતો તેમજ પશુ પાલકોની હાલત કફોડી બની છે. આગામી સમયમાં પીવાના પાણીની પણ તંગી સર્જાઈ તેવી ભીતિ ઉભી થતા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે.

કયા જિલ્લામાં વરસાદની કેટલી ઘટ

જીલ્લોવરસાદની ઘટ (%)

 

કચ્છ       ૭૩%
સાબરકાંઠા૩૦.૬૬%
બનાસકાંઠા૬૬.૬૦%
ગાંધીનગર૫૧.૯૬%
દાહોદ૨૮.૪૫%
રાજકોટ૪૪.૯૩%
મોરબી૫૬.૩૭%
જામનગર૪૬.૪૬%
દ્વારકા૫૩.૯૭%
અમરેલી૩૯.૩૩%

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.