Abtak Media Google News

દરેક વિધાનસભા વાઈઝ પાંચ મળી કુલ ૩૫ વીવીપેટ મશીનના મત ઈવીએમ સાથે સરખાવવામાં આવશે

કણકોટ એન્જિનિયરીંગ કોલેજ ખાતે સવારે ૮ વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ

પ્રથમ પોસ્ટલ બેલેટ અને ઈટીપીબીએસ બાદમાં ઈવીએમ મશીનના મત ગણાશે

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થનાર છે જેના લઈ રાજકીય આગેવાનો તેમજ જનતામાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. રાજકોટ બેઠક ઉપર ભાજપના મોહનભાઈ કુંડારીયા અને કોંગ્રેસના લલીતભાઈ કગથરામાંથી કોણ દિલ્હી જાય છે તે તરફ સૌ કોઈએ મીટ માંડી છે. આવતીકાલે કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે સવારે ૮:૦૦ વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થનાર છે. જેમાં પ્રથમ પોસ્ટલ બેલેટ અને ઈટીપીબીએસ બાદમાં ઈવીએમ મશીનના મત ગણવામાં આવનાર છે. ઉપરાંત દરેક વિધાનસભા વાઈઝ પાંચ મળી કુલ ૩૫ વીવીપેટ મશીનના મત ઈવીએમ સાથે સરખાવવામાં આવશે.

રાજકોટ સહિત સમગ્ર રાજયની ૨૬ લોકસભા બેઠકની ચૂંટણીમાં ગત તા.૨૩ એપ્રીલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બાદમાં એક મહિના પછી આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. રાજકોટ સંસદીયિવિસ્તારમાં ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય અને જસદણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ સાતેય વિધાનસભા બેઠકમાં કુલ ૨૦૫૦ મતદાન મથકો આવેલા હતા. આ મતદાન મથકોમાં મતદાન બાદ તેના ઈવીએમ અને વીવીપેટને કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે આવેલ સ્ટ્રોગરૂમમાં સુરક્ષીત રીતે રાખી દેવામાં આવ્યા હતા.

આવતીકાલે કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે સીલ કરાયેલા ઈવીએમ અને વીવીપેટને ખોલીને મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. સવારે ૮:૦૦ કલાકથી મત ગણતરી શરૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ પોસ્ટલ બેલેટ અને ઈટીપીબીએસની મત ગણના કરાશે. ત્યારબાદ ૮:૩૦ કલાકથી ઈવીએમ મશીનના મત કાઉન્ટ કરવાનું શરૂ કરવામાં આવશે.

મત ગણતરી કેન્દ્ર ખાતે ૧૪ ટેબલ રાખવામાં આવ્યા છે. જેમાં ૬૬ ટંકારાની ૨૨, ૬૭ વાંકાનેરની ૨૩, ૬૮ રાજકોટ પૂર્વની ૧૯, ૬૯ રાજકોટ પશ્ચિમની ૨૩, ૭૦ રાજકોટ દક્ષિણની ૧૭, ૭૧ રાજકોટ ગ્રામ્યની ૨૬ અને ૭૨ જસદણની ૧૯ રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવનાર છે.

આ ઉપરાંત ચૂંટણીપંચના આદેશ મુજબ સૌપ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં દરેક વિધાનસભા બેઠક વાઈઝ રેન્ડમલી પાંચ-પાંચ વીવીપેટ સીલેકટ કરીને તેના મત ઈવીએમ સાથે સરખાવવામાં આવશે. આમ રાજકોટ લોકસભા બેઠકમાં ૩૫ વીવીપેટના મતની સરખામણી કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા અને કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરા વચ્ચે સીધો જંગ હતો. આ બન્ને ઉમેદવારોમાંથી કોણ દિલ્હી દરબારમાં જશે તે આવતીકાલે જાહેર થવાનું છે.

૩૫ બુથના મતો વીવીપેટ સાથે સરખાવવાથી પરિણામ અઢી કલાક મોડુ જાહેર થશે

ચૂંટણીપંચના આદેશ મુજબ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની મત ગણતરી વખતે દરેક વિધાનસભા બેઠક વાઈઝ પાંચ-પાંચ વીવીપેટના મતને ઈવીએમ સાથે સરખાવવામાં આવનાર છે. અગાઉ ઈવીએમ ઉપર ઉઠેલા અનેક સવાલોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દરેક લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે સવારે ૮:૦૦ વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ ૧૨:૩૦ આસપાસ પૂરી થઈ જતી હોય છે પરંતુ આ વખતે ૩૫ વીવીપેટ મશીનના મતોની સરખામણી કરવામાં આવનાર હોવાથી મત ગણતરીની પ્રક્રિયા બપોરે ૩:૦૦ વાગ્યાના અરસામાં પુરી થશે તેવો અંદાજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કાઢવામાં આવ્યો છે. આમ દર લોકસભાની ચૂંટણી કરતા આ વખતે અઢી કલાક પરિણામ મોડુ જાહેર થવાનું છે.

૭૧ રાજકોટ ગ્રામ્ય બેઠકની મત ગણતરી સૌથી લાંબી ચાલશે

૭૧ રાજકોટ ગ્રામ્ય બેઠકની મત ગણતરી સૌથી લાંબી ચાલવાની છે. આ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ ૩૬૩ બુથ હોવાથી તેની મત ગણતરી ૨૬ રાઉન્ડમાં થવાની છે. ઉપરાંત ૭૦ રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકમાં સૌથી ઓછા ૨૮૮ બુથ હોવાથી તેની મત ગણતરી સૌથી ટૂંકી ચાલવાની છે. દક્ષિણ બેઠકની મત ગણતરી ૧૭ રાઉન્ડમાં જ પૂર્ણ થઈ જવાની છે.

૨૯૪ કર્મચારીઓ મત ગણના કરશે: ૧૦ ટકા સ્ટાફ રીઝર્વ રખાયો

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તાજેતરમાં મત ગણતરી માટે સ્ટાફની નિમણૂંક કરવામાં આવી હતી. કુલ ૫૪૬ કર્મચારીઓને મત ગણતરીની તાલીમ આપવામાં આવી હતી. આમાંથી ૨૯૪ કર્મચારીઓને મત ગણના માટે રોકવામાં આવ્યા છે. ઉપરાંત ૧૦ ટકા સ્ટાફને રીઝર્વમાં પણ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે જિલ્લા કલેકટર કચેરી ખાતે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા સ્ટાફનું રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કયાં કર્મચારીને કઈ વિધાનસભા બેઠકની મત ગણતરી કરવા ફરજ નિભાવવાની છે તે નકકી થયું હતું.

મત ગણતરી કેન્દ્રને અભેદ સુરક્ષા કવચ: ૧૧૪૨ જવાનો રહેશે તૈનાત

કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતેના મત ગણતરી કેન્દ્રમાં આવતીકાલે મત ગણતરીની પ્રક્રિયા યોજાવાની છે. જેથી આ વેળાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખીને અભેદ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. મત ગણના વખતે ૧૧૪૨ જવાનોનો કાફલો તૈનાત રહેવાનો છે. કેન્દ્ર ખાતે ૩૦ સીએપીએફ, ૫૦ એસઆરપી જવાનો તેમજ સ્થાનિક પોલીસના બન્ને ડીસીપી, ૫ એસીપી, ૧૫ પીઆઈ, ૬૪ પીએસઆઈ, ૫૬૭ પોલીસ જવાનો, ૯૧ મહિલા પોલીસ, ૭૨ હોમગાર્ડ, ૪ ઘોડે શ્વાર તેમજ ટ્રાફિક બિગ્રેડ સહિતના બંદોબસ્તમાં તૈનાત રહેવાના છે.

રાજકોટ લોકસભાની ૭ બેઠકોમાં કુલ ૧૧.૮૯ લાખ મતો પડયા’તા

રાજકોટ લોકસભાની બેઠક માટે ગત તા.૨૩ એપ્રીલના રોજ મતદાન યોજાયું હતું. જેમાં ૧૧૮૯૪૨૨ મતદારોએ મતદાન કર્યું હતું. વિધાનસભા વાઈઝ આંકડા જોઈએ તો ૬૬ ટંકારામાં ૧૫૫૯૫૪, ૬૭ વાંકાનેરમાં ૧૬૮૨૩૦, ૬૮ રાજકોટ પૂર્વમાં ૧૭૨૫૨૧, ૬૯ રાજકોટ પશ્ચિમમાં ૨૧૩૧૬૬, ૭૦ રાજકોટ દક્ષિણમાં ૧૫૬૮૮૮, ૭૧ રાજકોટ ગ્રામ્યમાં ૧૯૪૮૭૦ અને ૭૨ જસદણમાં ૧૨૭૭૯૩ મતો પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.