Abtak Media Google News

‘તમે દેશ માટે ઘણું કામ કર્યું છે ને કરી રહ્યા છો’

રક્ષાબંધન પર્વે સ્વર સામ્રાજ્ઞી લત્તા મંગેશકરે વડાપ્રધાન પાસે માંગ્યું વચન

લત્તા મંગેશકરે સોશિયલ મિડીયા પરત વિડીયો શેર કર્યો

રક્ષાબંધન એ ભાઇ બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઇને રાખડી બાંધી તેના દીર્ધાયુની કામના કરે છે અને પોતાની રક્ષાનું વચન માગે છે. રક્ષાબંધનના પર્વે સ્વર સામ્રાજ્ઞી લત્તા મંગેશકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા સંદેશ પાઠવી એક વચન માગી કહ્યું હતું કે ‘તમે દેશને વધુને વધુ ઉંચે લઇ જશો તેવું વચન આપો.’

લત્તા મંગેશકરે એક વીડિયો શેર કર્યો છે તેમાં લત્તા મંગેશકરે જણાવ્યું છે કે આ વખતે કોરોનાના રોગચાળાને લીધે હું  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી મોકલી શકી નથી, પરંતુ આ પવિત્ર દિવસે હું તેમની પાસે એક વચન જરૂર માગીશ. વડાપ્રધાન અમને એવું વચન આપે કે ‘તેઓ દેશને વધુ ને વધુ ઉંચે લઇ જશે, આગળ જશે’.

લત્તા મંગેશકરે સંદેશામાં જણાવ્યું છે કે આજે રક્ષાબંધનનો તહેવાર છે. આ દિવસે હું આ વખતે આપને રાખડી મોકલી શકી નથી, એનું કારણ આખી દુનિયા જાણે છે. તમે દેશ માટે ઘણું કામ કર્યુ છે અને હજુ પણ ઘણું કરી રહ્યા છો, જે દેશ માટે સારી વાત છે. અમે દેશવાસીઓ તેને ભૂલી શકીશું નહીં. આજના આ પર્વે દેશની અનેક બહેનો તમારી પાસે રાખડી બાંધવા માટે હાથ લંબાવશે. પણ આ વખતે રાખડી બાંધવી શકય નથી જે તમે સમજી શકો છો. જો શકય હોય તો રક્ષાબંધનના દિવસે તમે વચન આપો કે દેશને વધુને વધુ ઉંચે લઇ જશો.

તમને એ જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લત્તા મંગેશકર વચ્ચે સારા સંબંધો છે બંને સોશિયલ મીડિયા પર એકબીજાને જન્મદિવસની શુભેચ્છા આપતા રહે છે અને સારા આરોગ્ય અને સલામતિની કામના કરતા રહે છે.

ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયા શો ‘મન કી બાત’માં જણાવ્યું હતું કે મેં અમેરિકા જતા પહેલા લત્તા મંગેશકરને જન્મદિવસ અગાઉ શુભેચ્છા આપી હતી. વડાપ્રધાને લત્તા મંગેશકર સાથે કરેલા વાતચીતનો ફોન કોલ ‘મન કી વાત’ કાર્યક્રમમાં સંભળાવ્યો હતો. મોદીએ તે વખતે લત્તા મંગેશકરને કહ્યું હતું કે ‘હું જલ્દી તમારા ઘરે આવીને મળીશ અને તમારા હાથે બનાવેલું ગુજરાતી ભોજન લઇશ’. આ ફોન કોલ દરમિયાન વડાપ્રધાન મોદી અને મંગેશકરે જુના સંસ્મરણો પણ યાદ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.