Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે કટીબદ્ધ કેન્દ્ર સરકારે રાજ્યની આર્થિક ઉન્નતિ માટે ખાસ પેકેજ લાવી લોન વ્યાજદરમાં રાહતની કરી જાહેરાત

આઝાદીકાળથી ગુંચવાયેલા કાશ્મીર મામલાને ઉકેલવામાં અભૂતપૂર્વ રીતે સફળ થયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર દાયકાઓથી વિકાસથી વંચિત રહેલા જમ્મુ-કાશ્મીરના વિકાસને હવે કોઈ પ્રકારની ઉણપ ન રહે તે માટે યુધ્ધના ધોરણે કામે લાગી ગયા છે. આજે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને મોટી ભેટ આપી હોય તેમ મોટા પેકેજ સાથે વીજળી-પાણી પર અડધો અડધ રાહતની જાહેરાત કરી છે.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા પછી મનોજ સિંહાએ આજે રાજ્ય માટે અનેક જાહેરાતો કરી છે. ઉપ રાજ્યપાલ મનોજ સિંહાએ શનિવારે રાજ્ય માટે કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કરી. તેમણે સંકટનો સામનો કરી રહેલા જમ્મુ-કાશ્મીરના ઉદ્યોગપતિઓ માટે ૧,૩૫૦ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી.

આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ માટે એક વર્ષ માટે ૫૦ ટકા પાણી અને વીજળીનું બિલ માફ કરાયું. આ જાહેરાત કરતા મનોજ સિંહાએ જણાવ્યું હતું કે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા રાજ્યના ઉદ્યોગપતિઓ માટે ૧,૩૫૦ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની ઘોષણા કરતા મને ખુશી થઇ રહી છે. આ આત્મનિર્ભર ભારતના ફાયદાઓ અને વેપારીઓને સુવિધા માટેના અન્ય પગલા ઉપરાંત છે. ચાલો આપને જણાવીએ કે જમ્મુ-કાશ્મીર માટે જાહેર કરાયેલા આ પેકેજમાં શું-શું છે?

ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ એક વર્ષ માટે વીજળી અને પાણીના બીલો પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી. જમ્મુ-કાશ્મીરમાં એક વર્ષ માટે વીજળી અને પાણીના બીલોમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના તમામ લોનધારકોના કિસ્સામાં સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ માર્ચ ૨૦૨૧ સુધી આપવામાં આવી છે. સારા મૂલ્ય નિર્ધારણ પુનર્ભુગતાન વિકલ્પોની સાથે પર્યટન ક્ષેત્રમાં લોકોને નાણાંકીય સહાયતા માટે જમ્મુ અને કાશ્મીર બેન્ક દ્વારા હેલ્થ-ટુરિઝમ યોજનાની સ્થાપના કરાશે.

હાલના નાણાકીય વર્ષમાં છ મહિના માટે વ્યવસાયિક સમુદાયના દરેક લોનધારકને બિનશરતી ૫% વ્યાજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલે કહ્યું કે આ એક મોટી રાહત થશે અને રાજ્યમાં રોજગાર પેદા કરવામાં મદદ મળશે.

ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ હેન્ડલૂમ અને હસ્તકલા ઉદ્યોગમાં કામ કરતા લોકોને ૭ ટકા સબવેંશન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત અમે હેન્ડલૂમ અને હસ્તકલા ઉદ્યોગમાં કામ કરતા લોકોની મહત્તમ મર્યાદા એક લાખથી વધારીને બે લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. તેમને પાંચ ટકા વ્યાજ સબવેંશન (આર્થિક સહાય) પણ આપવામાં આવશે.

નિવેદન મુજબ આ યોજનામાં લગભગ ૯૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ નાણાકીય વર્ષમાં તે આગામી છ મહિના માટે ઉપલબ્ધ રહેશે. ૧ ઓક્ટોબરથી જમ્મુ-કાશ્મીર બેંક યુવાનો અને મહિલા સાહસો માટે વિશેષ ડેસ્ક શરૂ કરશે. જેમાં યુવક અને મહિલા ઉદ્યોગ સાહસિકોને કાઉન્સિલિંગ કરાશે. આ જાહેરાતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વનિર્ભર ભારત અભિયાનને આગળ વધારવાની પહેલ ગણાવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.