Abtak Media Google News

લોકસભામાં સીટીઝનશીપ બિલ રજૂ થતા કોંગ્રેસ સહિતના વિપક્ષોનો ભારે હોબાળો: બિલમાં ધાર્મિકતાના મુદે શરણાર્થીઓને નાગરિકતા આપવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

સાત મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમા દેશભરમાં ફરી વળેલી મોદી સુનામીમાં ભાજપને ૩૦૩ બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી જેથી પ્રજાના પ્રચંડ જનસર્મથનથી પ્રચંડ આત્મ વિશ્ર્વાસ સાથે સત્તામાં આવેલી મોદી સરકારેદેશને આઝાદીકાળથી પીડતી એક પછી એક સમસ્યાઓને કુનેહપૂર્વક ઉકેલવાનો પ્રારંભ કર્યો છે.જેના ભાગ‚પે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦ને હટાવ્યા બાદ આસામમાં નેશનલ સીટીઝન રજીસ્ટરનો અમલ કરીને ઘુસણખોરોની સમસ્યાને નાબુદ કરવાનો પ્રયસા કર્યો છે.જે બાદ હવે મોદી સરકાર સીટીઝન શીપ બિલ લાવીને પાડોશી દેશમાંથી પીડાઈને આવેલા બિન મુસ્લિમ ધર્મના સરણાર્થીઓને નાગરિકતા આપવા માંગે છે. આ બિલ લાવીને મોદી સરકાર ભાજપના ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા કોમન સિવિલ કોડ લાવવાનો માર્ગ કંડારી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે લોકસભામાં નાગરિકતા સુધારા ખરડો રજૂ કર્યો હતો. જેમાં પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો શિકાર બનેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની વ્યવસ્થાનાં સરળીકરણની જોગવાઈ છે. આ ખરડો પાડોશી ઈસ્લામિક દેશોની લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાની વાત કરતો હોવાથી તેનાં સાંપ્રદાયિક પાસાને ધ્યાને લેતા રાજકીય વિવાદમાં સપડાયેલો છે. આજે સંસદમાં આ મુદ્દે ઘમસાણ નિશ્ચિત દેખાય રહ્યું છે.

લોકસભાની આજની કાર્યસૂચિ અનુસાર બપોરે ગૃહમંત્રી આ વિધેયક રજૂ કરશે અને પછી તેનાં ઉપર ચર્ચા બાદ તેને પસાર કરવામાં આવશે. આ વિધેયકનાં કારણે પૂર્વોત્તરનાં રાજ્યોમાં વ્યાપક પ્રદર્શન થઈ રહ્યા છે. પૂર્વોત્તર રાજ્યોના વિરોધ પાછળ આ ખરડાથી આસામ સમજૂતિ ૧૯૮પની જોગવાઈઓ બેઅસર થઈ જશે તેવુ માનવું છે. જેમાં કોઈપણ પ્રકારનાં ધાર્મિક ભેદભાવ વિના ગેરકાયદેસર ઘૂસણખોરોને પરત મોકલવાની અંતિમ સમયાવધિ ૨૪ માર્ચ ૧૯૭૧ નક્કી કરવામાં આવેલી છે. નાગરિકતા સુધારા ખરડો -૨૦૧૯ અનુસાર પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક યાતનાઓનો ભોગ બનીને ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પૂર્વે ભારત આવી ગયેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયનાં લોકોને ગેરકાયદે ઘૂસણખોર માનવામાં આવશે નહીં અને તેમને ભારતીય નાગરિકત્વ પણ આપવામાં આવશે. મોદી સરકારે પોતાનાં પહેલા કાર્યકાળમાં પણ આ ખરડો લોકસભામાં રજૂ કર્યો હતો અને તેને લોકસભામાં પસાર પણ કરાવી લેવામાં આવ્યો હતો. જો કે પૂર્વોત્તરનાં રાજ્યોમાં સ્થિતિ બેકાબૂ બનવાની આશંકાએ તેને રાજ્યસભામાં પેશ કરવામાં આવ્યો ન હતો અને પછી લોકસભા ભંગ થવાનાં કારણે આ ખરડાને રાજ્યસભામાંથી પસાર કરાવવાનો સમય પણ સમાપ્ત થઈ ગયો હતો.

7537D2F3 6

દરમિયાન કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શશિ થરુરે આ ખરડા મુદ્દે મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, આ ખરડો પસાર થવાનો મતલબ ગાંધીનાં વિચારો ઉપર મોહમ્મદ અલી ઝીણાનાં વિચારોની જીત લેખાશે. ધર્મનાં આધારે નાગરિકતા આપવામાં આવે તો ભારત પાકિસ્તાનની હિન્દુ આવૃત્તિ સમાન બની જશે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું કે નેશનલ રજિસ્ટ્ર ઓફ સિટિઝન્સ અને સિટિઝન એમેન્ડમેન્ટ બિલ એક જ સિક્કાની બે બાજુ છે. તૃણણૂલ કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું કે અમે અંત સુધી આનો વિરોધ કરવાનું ચાલુ રાખીશું. કોલકાતામાં પાર્ટીના એક કાર્યક્રમમાં મમતા બેનરજીએ જણાવ્યું કે કેન્દ્રે આર્થિક મંદી પરથી લોકોનું ધ્યાન બીજીતરફ દોરવવા એનઆરસી અને નાગરિકતા બિલ જેવા મુદ્દા ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે મમતા બેનરજીએ અગાઉ પણ પોતાના ભાષણમાં જણાવ્યું છે કે તેઓ પશ્ચિમ બંગાળમાં એનઆરસીનો અમલ કોઈ કાળે નહીં થવા દે.

મમતા બેનરજીએ વધુમાં જણાવ્યું કે, તમે દરેક સમુદાયને નાગરિકતા આપો છો તો અમે સ્વીકારીશું. પરંતુ જો ધર્મના આધારે તમે ભેદભાવ કરશો તો અમે તેનો વિરોધ કરીશું. લોકસભા અને રાજ્યસભામાં સરકાર પાસે બહુમતિ છે માટે તમે નાગરિકતા બિલ પસાર કરાવી શકશે પરંતુ અમે તેને નહીં સ્વિકારીએ અને છેલ્લે સુધી લડતા રહીશું.

નોંધનીય છે કે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે હવે તેઓ ૨૦૨૪માં મત માંગવા ત્યારે જ આવશે જ્યારે તેઓ સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરી દેશે. કેન્દ્ર સરકારે આસામમાં એનઆરસી લાગુ કર્યું છે અને તેનો અમલ સમગ્ર દેશમાં કરવાની યોજના હોવાનું સરકારના મંત્રીઓ પણ અનેક વખત જાહેરમાં જણાવી રહ્યા છે.

હિન્દુત્વ વિચારધારા સાથે બનેલી પાર્ટી ભાજપ દ્વારા પ્રારંભથી બંધારણની કલમ ૩૭૦ હટાવવાનીતથા દેશમાં કોમન સિવિલ કોડ લાવવા સહિતની પ્રબળ માંગણીઓ કરી રહ્યું છે. ભાજપે આ બંને મુદાઓને પ્રારંભથી જ તેના ચૂંટણી ઢંઢેરામાં સ્થાન અપતુ આવ્યું છે. વડાપ્રધાન મોદીએ બીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ ને કોઈ મોટા વિરોધ વગર કૂનેહપૂર્વક રીતે હટાવી દીધી હતી. જે બાદ આસામમાં એનસીઆરનો અમલ પણ સુલકાઈથી કરાવી દીધો છે. હવે મોદી સરકારનું મુખ્ય ધ્યેય દેશમાં કોમન સિવિલ કોડ લાગુ કરાવવાનો છે. ત્રિપલ તલ્લાકનો પણ કાયદાકીય ગેરલાયક ઠેરવ્યા બાદ દેશભરમાં દરેક નાગરીક માટે એક સરખો કાયદો લાગુ પડે અને મુસ્લિમા સહિતના ધાર્મિક લઘુમતીઓ આ કાયદાનો કોઈ વિરોધ વગર સ્વીકારે તે માટે મોદી-શાહની બેલડીએ કમર કસીને સુવ્યવસ્થિત આયોજન ઘડી કાઢ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.