Abtak Media Google News

૧૭ વર્ષ બાદ જાહેર થયેલા નાણાવટી-મહેતા પંચના રિપોર્ટમાં રાજયની તત્કાલીન મોદી સરકારના ત્રણ મંત્રીઓને પણ કલીનચીટ અપાઈ; ત્રણ આઈપીએસ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ ગણાવીને કાર્યવાહી કરવા ભલામણ કરાય

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડ બાદ રાજયભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા આ તોફાનોમાં ૧,૦૨૫ નાગરિકોની હત્યા થઈ હતી. આ કોમી રમખાણો પાછળના જવાબદાર કારણોની તપાસ કરવા રાજયની તત્કાલીન મોદી સરકારે નિવૃત જસ્ટીસ જી.ટી.નાણાવટી અને અક્ષય મહેતાની આગેવાનીમાં એક તપાસ પંચ રચના કરી હતી. આ સમિતિએ તેનો પાંચ વર્ષ પહેલા સોપેલા રિપોર્ટનો બીજો ભાગ ગઈકાલે રાજય સરકારે વિધાનસભામાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં પંચે જેમની સામે આ કોમી રમખાણો વખતે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં ઢીલાશ રાખવાના જેમની સામે આક્ષેપો થતા તે નરેન્દ્રભાઈ મોદીને બાઈજજત બરી કર્યા છે તેમના તત્કાલીન ત્રણ મંત્રીઓને કલીનચીટ આપવામાં આવી છે. જયારે આ બનાવમાં તે સમયે ફરજ બજાવતા ત્રણ આઈપીએસ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ ગણાવવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં આખરે ૧૭ વર્ષ બાદ ગઈકાલે ગોધરાકાંડ પાર્ટ-૨નો રિપોર્ટ રજુ કરાયો હતો. ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નં. એસ-૬માં આગ લગાડવાની બનેલી હિચકારી ઘટનામાં ૫૮ કારસેવકો મૃત્યુ પામ્યા હતા જ્યારે ૪૦થી વધારે લોકોને ગંભીર ઇજા થઇ હતી અને ત્યાર બાદ રાજ્યભરમાં જે તોફાનો ફાટી નીકળ્યા હતા તે કોઇ પૂર્વ આયોજિત કાવતરૂ નહોતું એવો સ્પષ્ટ ઉલ્લેખ જસ્ટિસ નાણાંવટી-મહેતા તપાસ પંચે તેમના રિપોર્ટમાં કર્યો છે. એટલું જ નહીં તપાસ પંચે તે સમયના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સદસ્ય પૂર્વ ગૃહપ્રધાન સ્વ.હરેન પંડયા, પૂર્વ પ્રધાન ભરત બારોટ અને પૂર્વ પ્રધાન સ્વ. અશોક ભટ્ટને ક્લીનચીટ આપી છે. તો સાથે ત્રણ આઈપીએસ અધિકારીઓ આર.બી.શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા નકારાત્મક હોવાની અને તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે.

ગુજરાત વિધાનસભાગૃહમાં ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ કર્યા બાદ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ ંહતું કે, નાણાંવટી કમિશને ગોધરા ખાતે ટ્રેનના ડબ્બા સળગાવવા બાબતની ઘટના પૂર્વઆયોજિત હોવાનો સ્પષ્ટપણે ઉલ્લેખ વર્ષ ૨૦૦૮માં રજૂ કરેલા રિપોર્ટમાં કર્યો હતો ત્યારબાદ વિપક્ષ તેમજ કેટલીક એન.જી.ઓ. દ્વારા નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટના સભ્યોની છબી ખરડાય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા જેથી તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાની તપાસ માટે જસ્ટિસ જી.ટી.નાણાંવટી અને જસ્ટીસ અક્ષય એચ.મહેતાનું તપાસ પંચ રચનાનો નિર્ણય કર્યો હતો. તપાસપંચ દ્વારા ૯ ભાગમાં ૨૫૦૦થી વધુ પાનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ૪૪,૪૪૫ સોગંદનામાનો સાર આપવામાં આવ્યો છે. તપાસ પંચના અહેવાલમાં અપાયેલા તારણોમાં ગોધરાકાંડ બાદના તોફાનોમાં કોઇ રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની કોઇ સંડોવણી જોવા મળી નથી. તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સંદર્ભે ઉલ્લેખ થયો હતો કે, વહીવટી તંત્રને જાણ કર્યા વગર તેઓ રહસ્યમય રીતે ગોધરા ગયા હતા.

તપાસમાં માલુમ પડયું છે કે, તત્કાલિન મુખ્યપ્રધાનનું ગોધરા જવુ એ ખાનગી મુલાકાત ન હતી. આ અંગે તેમના પ્રવાસની વ્યવસ્થા કરનાર અધિકારીઓથી લઇને તંત્રને જાણ હતી. ગોધરા બનાવના પુરાવા એવા બળી ગયેલા કોચમાં મુખ્યપ્રધાનના અનઅધિકૃત પ્રવેશના આક્ષેપમાં પંચે સ્પષ્ટ કર્યુ છે કે, તત્કાલિન મુખ્યપ્રધાન મોદીનો હેતુ પુરાવાનો નાશ કરવાનો ન હતો પરંતુ ઘટના કેવી રીતે બની હતી તેની માહિતી મેળવવાનો હતો. તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કોઇ સંડોવણી જણાતી નથી. તપાસપંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક જણાઇ છે જેમાં તત્કાલિન આઇ.પી.એસ. અધિકારી આર.બી, શ્રીકુમાર, રાહલ શર્મા અને સંજીવ ભટ્ટનો સમાવેશ થાય છે. તેમ જણાવીને  જાડેજાએ ઉમેર્યુ કે, અમદાવાદ શહેરમાં થયેલા તોફાનો સંદર્ભે પણ તપાસપંચ દ્વારા પૂર્વ ગૃહપ્રધાન સ્વ.હરેન પંડયા, પૂર્વ પ્રધાન ભરત બારોટ અને પૂર્વ પ્રધાન સ્વ.અશોક ભટ્ટને ક્લીનચીટ આપવામાં આવી છે. ૫૮ લોકોનું પોસ્ટમોર્ટમ થયું હતું તે સંદર્ભે એ વખતના આરોગ્યપ્રધાન સ્વ. અશોક ભટ્ટ સામે આક્ષેપ થયા હતા જે અંગે પંચે નોંધ્યું છે કે, સ્થાનિક’ અધિકારીના કહેવા પર રેલવે યાર્ડમાં ક્વોલિફાઇડ ડોકટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ ંહતું. સ્વ.હરેન પંડયા સામે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના દ્વારા મુસ્લીમેના મકાનો પર હુમલો કરવા માટે ટોળાને ઉશ્કેરણી કરવામાં આવી હતી. આ આક્ષેપ એફ.આઇ.આર./સ્ટેટમેન્ટ આપ્યા બાદ બે માસ પછી કરવામાં આવ્યો હતો. આ આક્ષેપ આધારભૂત માહિતી અને વિગતોવગરનો હોઇ તપાસપંચે સ્વીકારેલ નથી.’ તે જ રીતે ગુલબર્ગકાંડમાં પણ કોંગ્રેસના પૂર્વ સાસંદ સ્વ.અહેસાન જાફરી કેસમાં થયેલા આક્ષેપો સંદર્ભે તપાસપંચ દ્વારા અપાયેલા અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, ગુજરાત પોલીસે અને સરકારે સ્વ.જાફરી તેમજ સોસાયટીના રહીશોને સુરક્ષા પુરી પાડી હતી અને સરકારનું કોઇપણ પગલું પૂર્વગ્રહભર્યુ ન હતું.

તેમ જણાવીને જાડેજાએ ઉમેર્યું હતું કે, જસ્ટીસ નાણાંવટી અને મહેતા પંચ દ્વારા તપાસના અંતે કેટલીક ભલામણો પણ કરાઇ છે. ખાસ કરીને સમાજની નબળાઇ દૂર કરવા માટે સરકારે પગલા ઉઠાવવા જોઇએ તેવી ભલામણ રિપોર્ટમાં કરાઇ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે, પરંતુ પોલીસ પણ પોલીસનું સંખ્યાબળ ઓછું હોવાના કારણે કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી. પોલીસના સંખ્યાબળ અંગે સ્વયં સમીક્ષા થવી જોઇએ અને પોલીસની સંખ્યાબળ પણ વધારવું જોઇએ.પોલીસને કોમી રમખાણોને કાબૂમાં લેવા’ માટે તાલીમ આપવી જોઇએ. કેટલીક જગ્યાએ રમખાણો દરમિયાન પોલીસ પાસે સાધનો ઓછા હોવાનો પણ ઉલ્લેખ રિપોર્ટમાં કરાયો છે. રાજ્યસરકારના દરેક પોલીસ સ્ટેશનોમાં પુરતું સંખ્યાબળ અને જરૂરી તમામ સાધનો હોવા જોઇએ. તે ન હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાનું નિરીક્ષણ આ અહેવાલમાં સામે આવ્યું છે. તેમ જણાવીને જાડેજાએ અંતમાં ઉમેર્યું હતું કે, આ કોમી રમખાણો વખતે નકારાત્મક ભૂમિકા ભજવનારા ત્રણેય આઈપીએસ અધિકારીઓ સામે પગલા લેવા તત્કાલિન રીપોર્ટમાં ભલામણ થઈ હોય ટુંક સમયમાં રાજય સરકાર આ ભલામણ અંગે કાયદાકીય માર્ગદર્શન લઇને કાર્યવાહી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.