Abtak Media Google News

મોબાઇલ ટાવરથી ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડિએશનનો ખતરો હોવાની સુપ્રીમની કબુલાત છતા ગુજરાતમાં ગંભીર બેદરકારી રાખતી સરકાર

મોબાઇલ ટાવરોથી લોકોના આરોગ્ય જોખમાતા હોવાની દલીલ ઘણા સમયથી થઇ રહી છે. ટાવરમાંથી નિકળતા ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડિએશન કેન્સર માટે જવાબદાર છે. આ મામલે ન્યાયીક લડત પણ ચાલુ છે. વડી અદાલતે પણ મોબાઇલ ટાવરો લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું સ્વીકાર્યુ છે ત્યારે ગુજરાતમાં આ મામલે ખુબજ બેદરકારી સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે. છેલ્લા ૩ વર્ષના સમયગાળામાં ગુજરાત હાઇકોર્ટમાં એકમાત્ર અરજી મોબાઇલ ટાવરથી થતા નુકશાન અંગે થઇ છે. સરકાર લોકોના હિત માટે સ્વેચ્છાએ મોબાઇલ ટાવરના જોખમી પરિણામો અંગે ચિંતીત જણાતી નથી.

તાજેતરમાં ગ્વાલિયરના ૪ર વર્ષીય યુવાન દ્વારા સુપ્રિમ કોર્ટમાં મોબાઇલ ટાવરથી થતા નુકશાન અંગે લડત ચલાવવામાં આવી હતી જેમાં તેમને બહોળી સફળતા હાંસલ થઇ હતી. આ વ્યક્તિએ દેશમાં જોખમી મોબાઇલ ટાવરો ઉપર પ્રતિબંધ લગાવવા વડી અદાલતને મનાવી હતી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન તથા એટીસી ટેલિકોમ ટાવર્સ કોર્પોરેશન લી.ને ગુલબાઇ ટેકરા ખાતે મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કરવા મામલે નોટિસ ફટકારી હતી. આ ટાવરનું ઇન્સ્ટોલેશન પબ્લીક ગાર્ડન અને રેસિડેન્શ્યલ એરિયાની એકદમ નજીક થવાનું હતું.  અલબત આ ચુકાદા બાદ પણ સરકારે પોતાની રીતે મોબાઇલ ટાવરોને પરવાનગી આપવાનું બંધ કર્યુ નથી.

વર્ષ ર૦૧૫-જાન્યુઆરી થી ૨૦૧૬-ઓકટોબર દરમ્યાન એકલી અમદાવાદ મ્યુનિસીપાલ્ટીને રેડિએશનની ગંભીર અસરો અંગે ૩૩ થી વધુ ફરિયાદો મળી હતી. આ ફરિયાદોમાં લોકોને ૩જી-૪જી ટાવર ઇન્સ્ટોલ કર્યા બાદ ગંભીર બિમારીઓ થઇ હોવાનું કહ્યું હતું. વર્ષ ૨૦૧૪માં એક સરકારી શાળા પાસે ટાવર બાંધવાની કામગીરીને રોક લગાવવામાં આવી હતી. સરકારે આવા ગણ્યાંગાંઠ્યા નિર્ણયોથી લોકોને ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડિએશનના ગંભીર પરિણામોથી બચાવવાની કામગીરી કરી છે જે પૂરતી નથી. સરકાર આ મામલે વ્હેલી તકે જાગે તે લોકોના આરોગ્યના હિતમાં છે. એક તરફ દેશની સર્વોચ્ચ અદાલત પણ ટાવરથી થતા નુકશાન અંગે ચિંતા વ્યક્ત કરી ચુકી છે ત્યારે બીજી તરફ ગુજરાત સરકાર આ મામલે કોની લાજ કાઢી રહી છે તે મોટો પ્રશ્ર્ન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.