Abtak Media Google News

ઘણા સમયથી દારૂના વકરી રહેલા દુષણ સામે પોલીસની લાલ આંખથી સર્જાયું ધમાસણ: બુટલેગરને પકડવા ગયેલા પોલીસકર્મી ઉપર હુમલો કરનાર ૯ શખ્સોના ટોળા સામે રાયોટિંગ અને ફરજમાં રૂકાવટનો નોંધાતો ગુનો

પડધરીમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી આવતી દારૂની બદિને ડામવાની પોલીસની સઘન ઝુંબેશથી ધમાસણ સર્જાઇ રહ્યું છે. તેમ છતાં પોલિસે મક્કમતાથી આ ઝુંબેશ યથાવત રાખી છે. ઝુંબેશમાં પોલીસે બુટલેગરો ઉપર રીતસર ધોસ બોલાવી દીધી છે. ત્યારે એક બુટલેગરને પકડવા ગયેલા પોલીસકર્મી ઉપર ટોળાએ હુમલો કર્યાની ઘટના પણ સામે આવી છે.આ બનાવમા પોલીસે ૯ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પડધરી પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ગત તા. ૯ના રોજ રાત્રીના સમયે પોલીસ દ્વારા દિગ્વિજય ઉર્ફે દિગો ઉમેદ ડોડિયા નામના બુટલેગરને પીધેલી હાલતમાં પકડી પાડવામાં આવ્યો હતો. જો કે આ શખ્સ પોલીસની પકડમાંથી નાશી છૂટ્યો હતો. બાદમાં તેને પકડવા માટે ગયેલા પોલીસ જવાન પુષ્પરાજસિંહ બળવંતસિંહ રાણા ઉપર ટોળાએ ધોકા અને ધારીયા વડે હુમલો કરીને શખ્સને ભગાડવામાં મદદ કરી હતી. આ હુમલામાં ઘાયલ થયેલા પોલીસ જવાન હાલ રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરીને પોલીસ જવાન પુષ્પરાજસિંહ બળવંતસિંહ રાણાની ફરિયાદના આધારે દિગ્વિજય ઉર્ફે દિગો ઉમેદ ડોડિયા, પારસ માવજી ગોહિલ, ભરત ગોહેલ, ઉમેદ રામજી ડોડિયા, મુકેશ રણજીત ગોહેલ, માવજી ગોહેલ, રાજેશ કાંતિ ડોડિયા, કાર્તિક કલ્પેશ ડોડિયા અને ગૌરવ કાળું ઉર્ફે મનું દેશાણી સામે રાયોટિંગ અને ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20

ઉલ્લેખનિય છે કે પડધરી પંથકમાં દારૂની બદી ખૂબ વકરી હતી. ત્યારે પીએસઆઈ જે.વી. વાઢીયા અને તેની ટીમે દારૂની બદી સામે રીતસરની ઝુંબેશ છેડતા હાલ પરિસ્થિતિ બદલાઈ રહી છે. પરંતુ પોલીસ ટીમની કડક કાર્યવાહીથી દારૂના વેપલા કરતા તત્વોના પેટમાં તેલ રેડાયું હોવાથી પોલીસ અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા તત્વો સામે ધમાસણ સર્જાઈ રહ્યું છે. જો કે આ ધમાસણ વચ્ચે પોલીસ ઉપર ભલામણના ફોન સતત રણકતા રહે છે ઉપરાંત રાજકીય પ્રેસર પણ બનતું રહે છે તેમ છતાં પોલીસે મક્કમતાથી આ ઝુંબેશ યથાવત રાખતા વેપારી આલમ શાંતિપૂર્ણ વાતાવરણમા રહી શકે છે.

કોઈ પણ સંજોગોમાં દારૂની બદીને ડામવાની કાર્યવાહી ચાલુ જ રહેશે : જે.વી. વાઢીયા

પડધરી પીએસઆઇ જે.વી.વાઢીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પડધરીમાં જે દારૂની બદી સામેની કાર્યવાહી થઈ રહી છે. તે કોઈ પણ સંજોગોમાં ચાલુ જ રહેશે. પોલીસકર્મી ઉપર હુમલાના બનાવમાં જે લોકો સંડોવાયેલા છે તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે હાલ દારૂની બદી ફેલાવતા તત્વો સમાજનો સહારો લઈને ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પરંતુ આવા તત્વોને કાયદા મુજબ પાઠ ભણાવવામાં પોલીસ ક્યારેય પાછીપાની નહિ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.