Abtak Media Google News

યુનિવર્સિટીના ૧૭૦ કાયમી કર્મચારીઓના રૂ.૭ લાખ અને યુનિવર્સિટી વિકાસ  ફંડમાંથી રૂ.૭ લાખ અપાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમ તો કરોડોના તાયફા કરવામાં જાણીતી છે પરંતુ કોરોનાને લઈ મુખ્યમંત્રી રાહત ફંડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માત્ર રૂા.૧૪ લાખ જ આપશે. કોરોના કહેર વચ્ચે પિડીતોને સારવાર અને ગરીબ લોકોને સેવા માટે મુખ્યમંત્રી દ્વારા દાનની અપીલ કરાઈ હતી. ત્યારબાદ રાજ્યભરમાંથી કરોડો રૂપિયાના દાનની સરવાણી ફૂટી નીકળી હતી. સૌપ્રથમ તો રાજ્યમાં જીટીયુએ માતબર રકમનું દાન મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મોડે મોડેથી જાગી તો ખરા પરંતુ મુખ્યમંત્રી રાહત ફંડમાં માત્ર રૂ.૧૪ લાખ જમા કરાવવાનું નક્કી કર્યું છે જે ખુબજ દયનીય કહેવાય.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો થતા હોય છે. જેમાં લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા ઉડાવી દેવામાં આવતા હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે કે જે ૩૦૦ કરોડ જેટલું ભંડોળ ધરાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બિલ્ડીંગો ખડકી દેવાયા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ૧૦-૧૦ કરોડ રૂપિયા સ્વીમીંગ પુલો તેમજ દર વર્ષે થતો યુવક મહોત્સવ તેમજ છેલ્લા બે વર્ષથી થતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બુકફેર કે જેમાં કરોડો રૂપિયા ઉડાવી દેવામાં આવે છે. ત્યારે આવી મહામારીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં માત્ર રૂા.૧૪ લાખ જમા કરાવવામાં આવશે !

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૭૦ કર્મચારીઓનો એક દિવસનો પગાર કુલ અંદાજીત રૂા.૭ લાખ અને અન્ય ૭ લાખ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી વિકાસ ફંડમાંથી એકઠા કરી રૂા.૧૪ લાખ મુખ્યમંત્રી રાહતફંડમાં આપવામાં આવશે. ગુજરાતની એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જે, સૌથી સદ્ધર યુનિવર્સિટી છે ત્યારે દેશમાં ચાલી રહેલ કોરોના કહેર વચ્ચે મુખ્યમંત્રીએ દાનની સરવાણી કરવાની અપીલ કરી હતી. જો કે, અન્ય યુનિવર્સિટીઓ અને કોલેજો દ્વારા માતબર રકમમાં દાન કરવામાં આવ્યું છે. ત્યારે ૩૦૦ કરોડનું સૌથી વધુ ભંડોળ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માત્ર ૧૪ લાખ જેટલી રકમ રાહતફંડમાં જમા કરાવશે તે વાતથી શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.