બાજરી, ડાંગર, સોયાબીન, અડદ પણ ટેકાના ભાવે ખરીદાશે : કૃષિમંત્રી

ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૨.૮૦ લાખ ખેડૂતોનું રજિસ્ટ્રેશન: ૩૧ ઓકટો. સુધી નોંધણી થઈ શકશે :કેબિનેટ બેઠકમાં થયેલી મહત્વની ચર્ચાઓ અંગેની વિગતો જાહેર કરતા કૃષિ મંત્રી આર.સી.ફળદુ

આજરોજ ગાંધીનગર ખાતે અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા, કૃષિ મંત્રી આર.સી.ફળદુ વગેરેની ઉપસ્થિતિમાં કેબીનેટની મહત્વપૂર્ણ બેઠક મળી હતી.

આ બેઠક બાદ મીડિયાને સંબોધતા આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતલક્ષી કામ કરતી આવી છે. ખેત ઉત્પાદનના ટેકાના ભાવમાં સરકાર સતત વધારો કરી રહી છે. આ વર્ષે પણ પુરવઠા નિગમ દ્વારા ૧૩ લાખ ૬૬ હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવનાર છે. આ ઉપરાંત નાફેડના માધ્યમથી બાજરી, સોયાબીન, અડદ, ડાંગર, મકાઈ, મગ વગેરેની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે. વિવિધ જણસીના ટેકાના ભાવ પણ આજરોજ જાહેર કરાયા છે. જેમાં બાજરી રૂા.૨૧૫૦ પ્રતિ ક્વિન્ટલ, સોયાબીન રૂા.૩૮૮૦ પ્રતિ ક્વિન્ટલ, મગ રૂા.૭૧૯૬, મકાઈ રૂા.૧૮૫૦, અડદ રૂા.૬૦૦૦ પ્રતિ ક્ટિન્ટલ ડાંગર રૂા.૧૮૬૮ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયા છે.

વિવિધ જણસીની ટેકાના ભાવે ખરીદી માટે અમુક સેન્ટર નક્કી કરાયા છે. જેમાં ડાંગર માટે ૯૨ સેન્ટર, મકાઈ માટે ૬૧ સેન્ટર, બાજરી માટે ૫૭ તો મગ માટે ૭૧ સેન્ટર, અડદ માટે ૮૦, સોયાબીન માટે ૬૦ સેન્ટર ફાળવવામાં આવ્યા છે.

ઉપરોક્ત તમામ જણસીની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી તારીખ જાહેર કરવામાં આવી છે. આ અંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, ડાંગર, મકાઈ અને બાજરીની ઓનલાઈન નોંધણી તા.૧/૧૦ થી ૨૯/૧૦ સુધી તેમજ મગ, અડદ, સોયાબીનની નોંધણી તા.૧૨/૧૦ થી ૩૧/૧૦ સુધી ગ્રામ્ય કક્ષાએ અથવા જે તે જિલ્લા/તાલુકા લેવલના માર્કેટીંગ યાર્ડ ખાતેથી થઈ શકશે. ડાંગર, મકાઈ અને બાજરીની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા તા.૧૬/૧૦ થી ૩૧.૧૨ દરમિયાન કરવામાં આવશે.

હાલ ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે તે અંગે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આજરોજ સાત દિવસ સુધીમાં ૨.૮૦ લાખ ખેડૂતોએ મગફળીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે જે હજુ આગામી ૨૦મી સુધી ચાલશે. તેમજ રાજ્યનો કોઈપણ ખેડૂત નોંધણીથી વંચિત ન રહે તેનું પુરેપૂરું ધ્યાન રખાશે તેમ અંતમાં જણાવ્યું હતું.

Loading...