Abtak Media Google News

છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૮ તાલુકામાં મેઘમહેર: ૧૨મીથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારે વરસાદની આગાહી

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયનાં ૧૭૮ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદયપુરમાં ૬ ઈંચ વરસાદ નોંધાયો હતો. ઘણા વિસ્તારોમાં ધોધમાર તો ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદનાં કારણે ખેડુતોમાં ખુશી જોવા મળી હતી. રાજયમાં વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સિઝનનો કુલ ૯૨ ટકા વરસાદ વરસી ચુકયો છે. જયારે સૌરાષ્ટ્રમાં ભગવાને મેઘાકૃપા વરસાદી હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનાં વિવિધ જિલ્લાઓમાં સારો વરસાદ ખાબકયો છે. હજુ વરસાદની સીઝનના બે મહિના બાકી હોય ત્યાં જ સૌરાષ્ટ્રમાં ૯૨ ટકા જેટલો વરસાદ ખાબકી ગયો છે જેમાં સુરેન્દ્રનગરમાં ૬૧ ટકા, રાજકોટમાં ૮૪ ટકા, મોરબીમાં ૮૫ ટકા, જામનગરમાં ૧૧૭.૦૫ ટકા, દેવભૂમિ દ્વારકામાં ૧૯૮.૪૩ ટકા, પોરબંદરમાં ૧૪૬.૨૧ ટકા, જુનાગઢમાં ૯૪.૮ ટકા, ગીર સોમનાથમાં ૮૦.૮૧ ટકા, અમરેલીમાં ૯૮.૮૫ ટકા, ભાવનગરમાં ૫૭.૧૧ ટકા અને બોટાદમાં ૭૮.૭૦ ટકા થઈ કુલ ૯૧.૬૪ ટકા વરસાદ વરસી જવા પામ્યો છે. આ ઉપરાંત નોર્થ ગુજરાતમાં અત્યાર સુધીનો કુલ ૪૨.૪૧ ટકા, ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં અત્યાર સુધીનો ૪૫.૩૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો કુલ ૪૦.૭૫ ટકા વરસાદ થવા પામ્યો છે અને રાજયની વાત કરીએ તો રાજયનો કુલ વરસાદ ૫૬.૬૮ ટકા થવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧૭૮ તાલુકામાં મેઘમહેર થવા પામી છે જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદયપુરમાં ૬ ઈંચ નોંધાયો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાતનાં આણંદ અને નડીયાદમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. ખેડાનાં નડીયાદમાં ૪.૫ ઈંચ, આણંદનાં તારાપુરમાં ૪.૪ ઈંચ અને ખંભાતમાં ૪.૩ ઈંચ વરસાદ નોંધાયો છે. વડોદરાનાં પાદરામાં ૪.૫ ઈંચ વરસાદ, આણંદનાં ખંભાતમાં ૪.૩ ઈંચ વરસાદ, સાબરકાંઠાનાં તલોદ, છોટાઉદયપુરનાં સખેડામાં અને પાટણમાં ૪.૨ ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાનાં વડગામમાં ૩.૫ ઈંચ વરસાદ તેમજ પંચમહાલનાં હાલોલ અને પાટણનાં સિઘ્ધપુરમાં ૩.૩ ઈંચ વરસાદ ખાબકયો છે. લાંબા વિરામ બાદ સાબરકાંઠામાં વરસાદ વરસતા પાકને જીવનદાન મળ્યું છે જેને પગલે ખેડુતોએ રાહતનો શ્ર્વાસ લીધો છે અને આજે વહેલી સવારથી ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદમાં ૨૪ કલાકમાં સરેરાશ ૨.૫ ઈંચ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મોરબીનાં માળીયામિંયાણામાં દોઢ ઈંચ વરસાદ, જુનાગઢનાં કેશોદમાં અડધો ઈંચ, સુરેન્દ્રનગરનાં દસાડામાં અડધો ઈંચ, મોરબીનાં વાંકાનેરમાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાવવા પામ્યો છે. આજે સવારથી સુરેન્દ્રનગરનાં વઢવાણમાં ૬ મીમી, જુનાગઢનાં માંગરોળમાં ૪ મીમી અને માળીયામાં ૩ મીમી વરસાદ નોંધાવવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.