Abtak Media Google News

સરકાર દ્વારા જિલ્લા કલેકટરો સાથે યોજાય વિડીયો કોન્ફરન્સ: વેકસીન પ્રથમ આરોગ્ય કર્મચારીઓને અને ત્યારબાદ પોલીસ કર્મચારીઓને પુરી પાડવાની વિચારણા

કોરોનાની વેકસીન આવ્યા બાદ તેને ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે કરવી તે અંગેનો તખ્તો તંત્ર દ્વારા અત્યારથી ગોઠવવામાં આવી રહ્યો છે જેના આયોજન સંદર્ભે આજે સરકાર દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને કલેકટરોના અભિપ્રાયો લઈને જરૂરી સુચનો પણ આપવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર વેકસીન પ્રથમ આરોગ્ય કર્મચારીઓને અને ત્યારબાદ પોલીસ કર્મચારીઓને પુરી પાડવામાં આવે તેવી વિચારણા ચાલી કરી રહી છે.

કોરોનાની વેકસીન આવ્યા બાદ તેને લોકો સુધી પહોંચાડવી તંત્ર માટે મોટો પડકાર છે માટે તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે જોકે તમામ લોકો સુધી નિયત સમય મર્યાદામાં આ વેકસીન પહોંચાડવી હાલ તો અશકય જેવું જ લાગી રહ્યું છે ત્યારે વેકસીન ડિસ્ટ્રીબ્યુશન અંગે સરકાર દ્વારા આજે કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ વિડીયો કોન્ફરન્સ અંગે મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ડેટા બેઝ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. જે સંદર્ભે જિલ્લાઓમાં મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સ્વીપર, ખાનગી હોસ્પિટલનો સ્ટાફ, હેલ્થ વર્કરો સહિતનાં  આરોગ્ય કર્મચારીઓનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં ૧૦ હજાર કર્મચારીઓને આ યાદીમાં સમાવવામાં આવ્યા છે. હાલ આ કર્મચારીઓને કોરોનાની વેકસીન આવ્યે વિતરણમાં અગ્રતા આપવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે ત્યારબાદ પોલીસ કર્મચારીઓને વેકસીનના ડોઝ આપવામાં આવશે તેવી વિચારણા ચાલી રહી છે.

આ અંગે આજે વિડીયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લા કલેકટરોને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી સાથે તેઓ પાસેથી અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા.

ઉધોગોને તાલીમબઘ્ધ કર્મચારીઓ મળી રહે તે માટે ખાસ તાલીમ વર્ગો શરૂ કરાશે

નહેરૂ યુવા કેન્દ્રની બેઠક મળી હતી જેમાં રોજગાર કચેરી, જિલ્લા ઉધોગ કેન્દ્ર અને યુથ કલબનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્કીલ ડેવલોપમેન્ટના ટોપીક ઉપર દર ત્રણ મહિને યોજાતી આ બેઠકમાં અધિકારીઓ દ્વારા મહત્વની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને ઉધોગોમાં કૌશલ્ય ધરાવતા સ્ટાફની ભારે અછત હોય તે પ્રશ્ર્નને નિવારવા માટે તંત્ર દ્વારા ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા સ્કીલ ડેવલોપમેન્ટનો ખાસ કોર્સ તેયાર કરી કામદારોને ત્રણ માસની તાલીમ આપવાનું આયોજન કરાયું છે. જેથી હવે ત્રણ માસના કોર્સ બાદ ઉધોગોને સ્કીલ ધરાવતા કામદારો મળી રહેશે.

સંભવિત ધિરાણ યોજના આ વર્ષે અધધ રૂપિયા ૧૬,૧૯૦ કરોડની

રાજકોટ જિલ્લાની સંભવિત ધિરાણ યોજના (પ્રોટેકશન લીંક ક્રેડીટ પ્લાન) ૧૬,૧૯૦ કરોડની છે. આ સંદર્ભે નાબાર્ડના જિલ્લા અધિકારી મહેશ પટોરે અને જિલ્લા ઉધોગ કેન્દ્રના અધિકારીઓ સાથે કલેકટરની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં આ વર્ષની વ્યુહરચના ઘડવામાં આવી હતી. ગત વર્ષે આ યોજનામાં ૧૧,૦૪૦ કરોડની ફાળવણી થઈ હતી. આ વર્ષે ૪૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દર વર્ષે સામાન્ય રીતે ૪ થી ૫ ટકાનો વધારો થતો હોય છે પરંતુ આ વર્ષે ધરખમ વધારા પાછળનું કારણ એ છે કે સરકારે એમએસએમઈ અને એકસપોર્ટ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ યોજનામાં એગ્રીકલ્ચર, એમએસએમઈ, હાઉસીંગ, એકસપોર્ટ અને શિક્ષણ ક્ષેત્રને લોન આપવામાં આવે છે.

નિયમ વિરૂઘ્ધ તમાકુ અને ગુટખા વેચતા દુકાનદારો ઉપર નશામુકત ભારત અભિયાન હેઠળ બોલાવાશે ધોસ

૨૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી રાજકોટમાં નશામુકત ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, જિલ્લા પંચાયત, આઈસીડીએસ અને કલેકટર તંત્રના સંયુકત ઉપક્રમે કાર્યક્રમોની વણઝાર થવાની છે. આ અભિયાનમાં પોલીસ અને પ્રાંત-મામલતદારની ટીમો બનાવવામાં આવશે અને નિયમ વિરુઘ્ધ ગુટખા તથા તમાકુ વેચતા દુકાનદારો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીને ધ્યાને લઈ નશામુકત ભારત અભિયાનની ઉજવણીમાં કોઈપણ પ્રકારની રેલી કે જાહેર કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.