Abtak Media Google News

Table of Contents

જેમના માતા પિતા ભણેલા ગણેલા ન હોય એમનાં સંતાનોના ભવિષ્ય ભગવાન ભરોસે ! શહેરો, ગામડાઓ અને નગર-નગર ભણ્યા ગણ્યા વગરનું કોઈ ન રહે અને કેજરીવાલ-પધ્ધતિ પ્રસરતી રહે એ આજના યુગની માંગ: માનવ-મૂલ્યોના મુદે સંકુચિત રાજકીય ખેલ ખેલવાની ચેષ્ટાઓને જાકારો આપ્યાવિના હવે નહિ જ ચાલે !

નકલખોરીએ આપણા દેશના તમામ ક્ષેત્રોમાં શ્રીકૃષ્ણ-ચાણકયના દેશકાળની સાંસ્કૃતિક અસલીઅતનો લોપ કર્યો છે, એના ઉપરનાં જડબેસલ્લાક બની ચૂકેલા કાટને પૂરેપૂરો કાઢી નાખ્યે જ છૂટકો છે, પછી ભલે એને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અન્ય વચનબધ્ધ રાજકીય પક્ષ કે સંભવિત નાગરિક સમિતિ કે પ્રજાપક્ષ કાઠે ! ઘેર-ઘેર અને ડેલીએ-ડેલીએ યુગલક્ષી કેળવણીના ચિરંજીવ દીપ પ્રગટવા જોઈએ: બાલમંદિરથી છેક યુનિવર્સિટીઓ સુધી !

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારની ગુજરાત-યુપી સહિત આપણા દેશની મુલાકાતે આપણા દેશમાં તેમજ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રવાહોમાં જબરી નવાજૂનીઓ સર્જાવાની હવા ઉભી કરી છે.

ટ્રમ્પ-મોદીના પરંપરાગત સંયુકત નિવેદનમાં એવો પડઘો પડયો છે કે, અમેરિકા અનેભારત હવે કદાપિ ન તૂટે કે જરીકે ઢીલી ન પડે એવી દોસ્તીનાં દોરે બંધાશે અને અમેરિકા ભારતને તમામ સ્વ‚પની આવશ્યક સહાય આપશે.

મોદીના શબ્દોમાં કહીએ તો અમેરિકા ભારતને હજારો-લાખો ડોલરની સહાય આપશે, જબરી લશ્કરી સાય આપશે, પાકિસ્તાની આતંકવાદ સામેના યુધ્ધમાં આરપારની લડાઈ લડીને તેનો સંપૂર્ણ ખાત્મો કરી આપશે.

ટ્રમ્પ-પરિવારનાં સ્વાગતનું કદ જોતા અને ઉત્સાહ-ઉષ્મા જોતાં તથા ટ્રમ્પનાં વિધાનો જોતા ટ્રમ્પ હવે ભારત ઉપર ફિદા થવામાં કશું જ બાકી નહિ રાખે ! અમેરિકાની શાસન પધ્ધતિ આવી સહાયની આપ-લેમાં અને વચનોનાં અમલમાં કેટલો વિલંબ થશે એ જોવાનું રહેશે, પણ અમેરિકાની આગામી ચૂંટણીમાં અમેરિકન ગુજરાતી પ્રજાના મત મેળવવા ટ્રમ્પ શાસન ઢીલાશ નહિ રાખે એ સમજી શકાય એવું છે.

આ ઉપરાંત, અમેરિકા પાછા ફર્ય પછી ત્યાં ટ્રમ્પ શું શું કહે છે એ પણ જોવાનું રહેશે.

પાકિસ્તાન વિષે ટ્રમ્પે જે કાંઈ કહ્યું છે તેના પ્રત્યાઘાત સંભવત: ચીન અને અમુક અન્ય દેશોમાં પણ પડી શકે છે, જો કે અમેરિકી લશ્કરી સહાય અને ડોલરના જંગી ઢગલા સામે આ રાષ્ટ્રો બહુ ઉંચાનીચા થઈ શકે એમ નથી લાગતું.

અહીં એવી ટકોર થઈ શકે છે કે, અમેરિકાનાં આંતરિક રાજકીય પ્રવાહો પ્રતિ પણ આંતરરાષ્ટ્રીય રાજદ્વારીઓની મીટ રહેશે.

ભારતની આર્થિક કમજોરીમાં અમેરિકાની સહાય અને થોડું કે ઝાઝું બળ આપી શકે, તો પણ મૂળભૂત વાત એમની નિયતની છે.

મૂડીવાદી માનસ ઘણે ભાગે એવું જ હોય છે કે, તે જેને કાંઈ પણ આપે તેની બરાબરી જેટલો બદલો માગે ને માગે જ ! પગારદાર નોકરો કે કર્મચારીઓ પાસે તે પગાર જેટલી કિંમતનું કામ માગે જ.હજાર ‚પિયાના પગાર-વેતનની સામે તેઓ એટલા પ્રમાણમાં કામગીરીનું વળતર માગે જ !… અમેરિકા કે કોઈ પણ દેશને આ વાત લાગુ પહે જ. ટ્રમ્પ અને અમેરિકાની સંભવિત સહાય મેળવતી વખતે ભારતે તેનું મૂલ્યાકન આવા રાજદ્વારી બદલામાં કરવું જોઈશે એ ભૂલવા જેવું નથી.

ભારતમાં જેમના માતાપિતા ભણેલા ગણેલા નથી હોતા એમનાં ભવિષ્ય ભગવાન ભરોસે થઈ જાય છે. ભારતીય સમાજની આ બહુ મોટી કમનશીબી છે. એમાં યુગલક્ષી બદલાવ અનિવાર્ય હોવાની અને તેને લગતી શિક્ષણ પધ્ધતિ અપનાવવી જોઈએ એવી માંગ ઘણા વખતથી પ્રવર્તે છે. પણ તે બહેરા કાને જ રહેવાની બૂમ ઉઠે છે.

હવે ટ્રમ્પ-અમેરિકાની જંગી નાણાંકીય સહાયનો આને લગતી કામગીરીમાં ઉપયોગ થઈ શકે, અને કરવો જ જોઈએ.

શહેરો, ગામડાઓ અને નગરનગરમાં ભણ્યા ગણ્યા વગરનું કોઈ ન રહે અને કેજરીવાલ પધ્ધતિ પ્રમાણિક પણે તથા જોમ જુસ્સા પૂર્વક પ્રસરતી રહે એ આજના યુગની માંગ બની રહી છે. વળી, માનવમૂલ્યોના મુદે સંકુચિત રાજકીય ખેલ ખેલવાની ચેષ્ટા કરનારાઓને સામાજીક સ્તરે તથા રાજકીય સ્તરે જાકારો આપવો જોઈએ. એમ કર્યા વિના હવે નહિ જ ચાલે !

અહીં એ વાતની નોંધ લેવી ઘટે કે, નકલખોરીએ આપણા દેશના તમામ ક્ષેત્રોમાં શ્રી કૃષ્ણ-ચાણકયના દેશકાળની સાંસ્કૃતિક અસલીઅતનો લોપ કર્યો છે. એના ઉપર જડબેસલ્લાક કાટ ચડી ચૂકયો છે. એને પૂરેપૂરો કાઢી નાખીને નવો ચળકાટ લાવ્યે જ છૂટકો છે. પછી ભલે એને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, પ્રજાપક્ષ, સંભવિત નાગરિક સમિતિ કે વચનબધ્ધ અને સો ટકા ભરોસા પાત્ર હોય તે કાઢી આપે ? જે અનિવાર્ય છે તે ઘેર-ઘેર, ડેલીએ-ડેલીએ, કસ્બે-કસ્બે કેળવણીનાં દીપ પ્રગટવાજ જોઈએ. બાલમંદિરથી યુનિવર્સિટીઓ સુધી…

ટ્રમ્પ અને તેમનું અમેરિકા અત્યારે ધનવાન છે, તે પહેલા તે વિદ્યાવાન બન્યું હતુ. આપણે વિદ્યાવાન બન્યાવિના નહિ ચાલે, સંરક્ષણને મજબૂત ભલે કરીએ, પણ વિદ્યાવાન નહિ બની શકાય તો ટ્રમ્પ-અમેરિકાની સહાયના ડોલરના ઢગલે ઢગલા વેડફાયા લેખાશે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.