ગાંધીનગરમાં મહેસુલી કર્મચારીઓની વિશાળ રેલી

પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે પૂરજોશમાં ચાલતું આંદોલન : રેલીમાં રાજ્યભરના ૮ હજારથી વધુ કર્મચારીઓ જોડાયા

મહેસુલી કર્મચારીઓની હડતાલનો આજે ચોથો દિવસ છે. હડતાલના કારણે વહીવટી કામકાજ ઠપ્પ થઈ ગયા છે. આ દરમિયાન આજે મહેસુલી કર્મચારીઓએ ગાંધીનગર ઉમટી પડી વિશાળ રેલી યોજી હતી. આ વેળાએ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ રેલીમાં રાજ્યભરના ૮ હજારથી વધુ કર્મચારીઓ જોડાયા હતા.મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યું છે. જે મુજબ ચાલી રહેલી હડતાલનો આજે ચોથો દિવસ છે. પરંતુ સરકારે નમતું જોખવાની તૈયારી પણ ન દર્શાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સામે મહેસુલી કર્મચારીઓ પણ પોતાની લડત મક્કમતાથી લડી રહ્યા છે. ગત ત્રણ દિવસથી નાયબ મામલતદાર અને ક્લાર્ક ફરજથી અળગા રહ્યા હોવાથી વહીવટી કામકામ ઠપ્પ થઈ જવા પામ્યું છે. કલેક્ટર, પ્રાંત અને મામલતદાર કચેરીઓના વહીવટ ખોરવાઈ જવા પામ્યા છે. આજે હડતાલના ચોથા દિવસે મહેસુલી કર્મચારીઓએ ગાંધીનગરમા વિશાળ રેલી યોજી હતી. આ રેલીમાં રાજકોટ જિલ્લામાંથી પ્રમુખ કિરીટસિંહ ઝાલાની આગેવાની હેઠળ ૩૦૦ જેટલા કર્મચારીઓ જોડાયા હતા. રાજ્યભરમાંથી કુલ.૮ હજારથી વધુ નાયબ મામલતદારો અને ક્લાર્કએ ઉમટી પડીને સુત્રોચ્ચારો કર્યા હતા.

Loading...