સોમનાથ મંદિરે મહાશિવરાત્રીએ ગોઠવાશે પોલીસનો લોખંડી બંદોબસ્ત

74

ત્રણેય દિવસ ઘોડેસવાર પોલીસ રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે: દરિયામાં મરીન પોલીસ શસ્ત્રો સાથે બોટ વડે પેટ્રોલીંગ કરશે: સુરક્ષા વ્યવસ્થાનું ડીવાયએસપીએ હાથ ધર્યું નિરીક્ષણ

વિશ્ર્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવ મંદિરે તા.૨૦ ફેબ્રુઆરીથી ૨૨ ફેબ્રુઆરી સુધી ભગવાન શિવના મહાઅવતરણ મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષક એમ.ડી. ઉપાધ્યાય સહિત ગૃહ વિભાગે સોમનાથ મંદિર ખાતે યાત્રિક સલામતી અને વ્યવસ્થા અંગે લોખંડી બંદોબસ્ત ગોઠવેલ છે. જેમાં ૧૨૫ જીઆરડી, ૩૯ પોલીસ જેમાં ૨૦ મહિલા પોલીસ, ૨ પીઆઈ, ૧ ડીવાયએસપી, ૩ પીએસઆઈ રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત જાળવશે.

સોમનાથ મંદિરમાં પ્રવેશતા એન્ટ્રી ગેટને રંગરોગાન કરી નવા બોર્ડ બનાવી યાત્રિકોને મંદિરમાં કઈ વસ્તુઓ લઈ ન જવી તેના હિન્દી-અંગ્રેજી, ગુજરાતી ભાષામાં બોર્ડ લગાવાયા છે. સોમનાથ મંદિરને ફરતે બે શીફટમાં રાઉન્ડ ધ કલોક ઘોડે સવાર પોલીસ ટુકડી પેટ્રોલીંગ કરતી રહેશે. ઉપરાંત વેરાવળ બંદર જેટીથી સોમનાથ મંદિર આસપાસ દરિયામાં શસ્ત્ર મરીન પોલીસનું સઘન પેટ્રોલીંગ રહેશે જે દરિયાઈ સીમામાં બાજ નજર રાખશે અને કોઈ અજાણી બોટો કે શંકાસ્પદ વ્યકિત પ્રવેશે નહીં તેની ચાંપતી નજર રાખશે. મંદિર પરિસરમાં એનાઉસમેન્ટ માઈક સિસ્ટમ રાખવામાં આવી છે જેથી કોઈ ખોવાઈ જાય કે ભુલુ પડી જાય તેનું એનાઉસમેન્ટ યાત્રિ સહાયતા કેન્દ્ર ખાતેથી થતું રહેશે અને જયાં પોલીસની જરૂર પડયે ત્યાં તાકિદે મદદગાર બનશે.

સોમનાથ મંદિર ખાતે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડના પોલીસ જવાનો વાહન તેમજ સાધનો સાથે સજજ રહેશે. એન્ટ્રી ગેટમાં પોલીસનો વિશેષ બંદોબસ્ત સાથે જેન્ટસ, મહિલાઓ માટે અલગ અલગ કતારોમાં સંપૂર્ણ તલાશી બાદ પ્રવેશ આપવામાં આવશે. શિવરાત્રી દરમિયાન વીવીઆઈપી મહાનુભાવોના આગમન અને સુરક્ષા અને સલામતી પોલીસ તંત્ર નિયમાનુસાર વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. શિવરાત્રી પૂર્વે નાયબ પોલીસ અધિક્ષક સોમનાથ મંદિર સુરક્ષા એમ.ડી.ઉપાધ્યાયે સમગ્ર મંદિરના વિસ્તારમાં નિરીક્ષણ કરી વ્યવસ્થા અને સુરક્ષાને આખરી ઓપ આપેલ છે.

Loading...