Abtak Media Google News

ટિકિટ ફાળવણીના મુદ્દે મહારાષ્ટ્ર કોંગ્રેસમાં સંજય નિરૂપમ અને હરિયાણા કોંગ્રેસમાં અશોક તંવર બળવાના મુડમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ મુકત ભારત અભિયાનને જાણેકે કુદરતી રીતે સાથ મળતો હોય તેમ એક પછી એક રાજયમાં એકયા બીજા કારણે કોંગ્રેસની રાજકીય બાજી સંકેલાતી જતી હોય તેમ પક્ષની યાદવાસ્થળી અને આંતરીક મતભેદના કારણે વિધાનસભાની ચૂંટણી સમયે જ હરિયાણા અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની રાજકીય પીછેહઠના ‘વાવડ’ મળી રહ્યા છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનાં બ્યુગલ ફૂંકાયા છે તે જ સમયે એક જમાનાના સૌથી મોટા પક્ષ કોંગ્રેસ ટીકીટ વહેંચણીના કારણે આંતરીક કલહને લઈને મોટી મુશ્કેલીમાં મુકાય ગયો છે.

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ૨૧મી ઓકટોબરે વિધાનસભા માટે મતદાન યોજાવવાનું છે. ત્યારે ગઈકાલે બંને રાજયોમાં કોંગ્રેસમાં ધમાસાણ શરૂ થઈ ગયો છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના બે ટોચના નેતા ખૂલેઆમ પક્ષમાં ટીકીટ વહેંચણીના મુદે જાહેરમાં પક્ષ વિરૂધ્ધ નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ અને હરિયાણાના અશોક તંવાર વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદે ખૂલ્લેઆમ પક્ષ સામે નારાજગી વ્યકત કરી હતી મહારાષ્ટ્રમાં સંજય નિરૂપમે ચૂંટણી માટે પક્ષના પ્રચારમાં નહિ જોડાય તેવી જાહેરાત કરીને ખળભળાટ મચાવ્યા હતો જયારે હરિયાણામાં અશોક તંવરે પક્ષના પાયાના કાર્યકરો કે જે પાંચ વર્ષથી પક્ષ માટે અથાગ મહેનત કરી રહ્યા છે.તેમની અવગણના આક્ષેપ કરીને નારાજગી વ્યકત કરી છે.

સંજય નિરૂપમ દ્વારા ચૂંટણીમાં પ્રચારથી પોતાની જાતને અળગા રાખવાની જાહેરાત સાથે પાર્ટીની નેતાગીરી સામે નારાજગીના પગલે પક્ષત્યાગ સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હરિયાણામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક તંવરે તો પત્રકાર પરિષદ યોજીને ટીકીટ વહેચણીમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી હોવાનું જાહેર કર્યું છે. તેમણે પક્ષના અધ્યક્ષ સોનીયા ગાંધીને પાઠવેલા પત્રમાં તંવરે જણાવ્યું છે કે પોતે હરિયાણાની ચૂંટણીને લઈને બનાવેલી વિવિધ સમિતિઓમાંથી તબકકાવાર હટી જશે. પરંતુ તે પક્ષના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે.

હુ આ પત્ર મારી વેદના પક્ષ સુધી પહોચાડવા માટે લખુ છું મારી પાસે જવાબદાર પદવીઓ પરથી રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. હું પદ ત્યાગ કરૂ છું પરંતુ પક્ષ ત્યાગ કરતો નથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી સંબંધી સમિતિઓનાં હોદા છોડુ છુ તેમ તંવરે ગાંધીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે હરિયાણામાં પક્ષ હુંડા કોંગ્રેસ બનીને રહી ગઈ છે. જે લોકોએ પાંચ વર્ષ સુધી સતત પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. તેમને પ્રોત્સાહન આપવામા આવ્યું છે. અને જે લોકોએ પક્ષ માટે કામ કર્યું છે. તેમની અવગણના થઈ રહી છે. પક્ષની આંતરીક હુસાતુસીની બબાલ છેક ગાંધી પરિવારના ઉંબરા સુધી પહોચી ગઈ હતી. જયારે બુધવારે તંવરે અને તેમના ટેકેદારોએ ૧૦ જનપથ સામે ટિકિટ વહેચણીમા મોટાપાયે હરિયાણામાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરી દેખાવો કર્યા હતા.

તંવરે કહ્યું હતુ કે પક્ષના કાર્યકરો ટિકિટ વહેંચણીમાં મોટાપાયે ભ્રષ્ટાચારથયા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે જોકે તેમણ ફોડપાડીને વિગતો જાહેર કરી નહતી. પરંતુ જો જરૂર પડશે તો તેઓ પક્ષ પ્રમુખને આ મુદે જરૂરી પૂરાવા આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતુ.

બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ સંજય નિરૂપમે ખૂલ્લો બળવો કર્યો હોય તેમ તેમણે ટવીટ કરીને જણાવ્યુંહ તુકે મને દેખાય છે કે હવે કોંગ્રેસને મારી સેવાની વધારે જરૂર નથી મેં માત્ર મુંબઈની એક બેઠક માટે નામ સુચવ્યું હતુ તે પણ પક્ષે મંજૂર રાખ્યું નથી આ મુદે મેં પક્ષને અગાઉ જ જણાવી દીધું હતુ કે હું ચૂંટણી પ્રચારમાં ભાગ લેવાનો નથી અને તે નિર્ણય મારો આખરી નિર્ણય છે.

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાય ગયા છેત્યારે પક્ષની આંતરીક હુસાતુસીએ મોવડીઓની નિંદર ઉડાડી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.