Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીને પત્ર લખી કરી રજૂઆત: બંને ચોકની ટ્રાફિક સમસ્યાથી રાજકોટ જ નહી પરંતુ સૌરાષ્ટ્રવાસીઓ પરેશાન

Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ડો. દિનેશ ચોવટીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીને એક પત્ર લખી રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના વાહન ચાલકોને સ્પર્શતી ટ્રાફીક સમસ્યા બાબતે રજૂઆત કરી છે. તેમણે રાજકોટની માધાપર ચોકડી અને ગોંડલ રોડ ચોકડીએ યુધ્ધના ધોરણે ઓવરબ્રીજનું કાર્ય શરુ કરાવવા વિનંતી કરી છે.

તેમણે કહ્યું છે કે અમદાવાદથી જામનગર તેમજ જામનગરથી અમદાવાદ અને મોરબી તરફના વાહન ચાલકો માધાપર ચોકડીએથી પસાર થાય છે. વધુમાં આસપાસના વિસ્તારોમાં અનેક હોસ્પિટલો, રેસીડેન્સીયલ કોમ્પ્લેક્ષ, મંદિર અને ક્રિકેટ સ્ટેડિયમ હોવાથી આ ચોકડીએ સતત ટ્રાફીક જોવા મળે છે. દરરોજ હજારો વાહનો આ ચોકડીએથી પસાર થાય છે. અને વારંવાર ટ્રાફીક જામની સમસ્યા ઉભી થાય છે.

માધાપર ચોકડીએ અમદાવાદથી જામનગર તરફ જવાના રસ્તે જો ઓવરબ્રીજ બનાવવામાં આવે તો ટ્રાફીકની ઘણીખરી સમસ્યાનો અંતે આવી શકે તેમ છે.તેથી આ ઓવરબ્રીજનું કાર્ય તાત્કાલીક હાથ ધરવું જોઈએ તેવી રજૂઆત આ પત્રમાં કરવામાં આવી છે.

ડો. દિનેશ ચોવટીયાએ માધાપર ચોકડી ઉપરાંત ગોંડલ રોડ ચોકડી ક્રિશ્ર્નાપાર્ક પાસે પણ ઓવરબ્રીજ બનાવવાની તાતી જરુરીયાત હોવા ઉપર ભાર મૂકયો છે. તેમણે જણાવ્યું છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રના હેવી ઈન્ડસ્ટ્રીઝ ઝોન શાપર વેરાવળ હોવાથી રાજકોટ આવતા જતા લોકોને ભયંકર સમસ્યા થાય છે. તેમજ ગોંડલ તરફથી આવતા અને જતા વાહનો આ ચોકડીએ ભેગા થતા હોવાથી સતત ટ્રાફીક સમસ્યા છવાયેલી રહે છે. આ રસ્તા ઉપરથી હેવી વાહનો પણ પસાર થતા હોવાથી વાહન ચાલકોને ઘણી સમસ્યાનો સામનોકરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ ચોકડીએ ઓવરબ્રીજ બનાવવામા આવે તો ટ્રાફીકની ઘણી સમસ્યા હલ થઈ શકે તેમ છે. તેમણે જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલીકાએ આ બંને ચોકડીએ ઓવરબ્રીજ બનાવવાની ઈચ્છા વ્યકત કરી છે. પરંતુ હજુ સુધી તે દિશામાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જો રાજય સરકાર આ પ્રશ્ર્નને પ્રાણપ્રશ્ર્ન માનીને દરમિયાનગીરી કરે અને ઓવરબ્રીજનું કામ ઝડપભેર શરુ કરાવે તો તે હજારો વાહન ચાલકોના લાભમાં રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.