Abtak Media Google News

પ્રસાદ ગ્રહણ કરી ભગવાનને લાડ લડાવશે: મંદિરોમાં રોશ્નીનો શણગાર: દેવસ્થાનોમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટશે તો નાના-મોટા અનેક શહેરોમાં વિશાળ શોભાયાત્રાના આયોજનો: કાલે રવિવારની રજા હોય નગરજનોમાં આનંદ બેવડાયો

વરસો વીતી ગયા છે તો પણ રામનવમીનો ઉત્સવ એકધારા ઉત્સાહ અને પ્રેમપૂર્વક ઉજવાઈ છે. ભારત વર્ષની પ્રજાના હૃદયમાં સૌથી વધારે મહત્વનું સ્થાન જમાવનારા બે મહાપ્રતાપી અવતાર રામ અને કૃષ્ણ બંને લોક હૃદયમાં જીવંત છે. મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામના જન્મદિનના શુભ અવસર પર ચારેકોર આનંદ વર્તાઈ રહ્યો છે. અયોધ્યામાં વર્ષો પહેલા પ્રગટેલા રામને સમસ્ત ભારત વર્ષની પ્રજાએ પોતાના ભગવાન ગણ્યા છે.

ભગવાન શ્રીરામને પ્રજા એક આદર્શ પુત્ર, પતિ, આદર્શ ભ્રાતા અને સખા તેમજ આદર્શ રાજા તરીકે ઓળખે છે. એવું ઋષી વાલ્મિકીએ રચેલું રામાયણ નામનું મહાકાવ્ય લોકજીવનનાં તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવે છે.

ચૈત્ર સુધ નોમના પાવનદિને જેનું પૃથ્વી પર અવતરણ થયેલું એવા ભગવાન શ્રીરામનો કાલે જન્મદિવસ છે. સૌરાષ્ટ્રભરમાં રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થશે. રામ મંદિરોમાં રોશ્નીનો શણગાર, મહાઆરતી, મહાપૂજા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.

મોટા શહેરો રાજકોટ, વાંકાનેર, મોરબી, પોરબંદર, જૂનાગઢ સહિતની જગ્યાએ વિશાળ શોભાયાત્રા નીકળશે. શણગારેલા વાહનો, બાઈક, મોટરકાર સાથે શ્રીરામની શોભાયાત્રા નીકળશે. આ ઉપરાંત આકર્ષિત ફલોટ્સ સામાજિક સંદેશો પુરો પાડશે. રામભક્તો રામનવમીનો ઉપવાસ કરી ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરશે. મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે તેમજ દર્શન, મહાપૂજા, મહાઆરતીનો લ્હાવો લેશે. ખાસ કરીને કાલે રવિવારની રજા હોય ભક્તોમાં રામનવમીનો આનંદ બેવડાયો છે. જેથી હરવા-ફરવાના સ્થળો પર સહેલાણીઓ ઉમટી પડશે.

રામનવમીનો ઉપવાસ કરવાથી એકાગ્રતા અને આત્મબળમાં વધારો થાય છે

ચૈત્ર સુધ નોમને રવિવાર તા.૧૪-૪-૧૯ના દિવસે નોમની તિથિ સાતઘડી અને ૫૯ પળ છે. આમ જયોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે જોતા તિથિ ૬ ઘડી કરતા વધારે હોય તો જ નોમના દિવસે રામનવમી ઉજવવી આમ કાલે રામનવમી ગણાય. રામ નવમીના દિવસે ઉપાસકો અને રામ ભક્તોએ રામ નામનું કિર્તન ભજન અને રામ નામનું લેખન કરવું તથા ભગવાન શ્રીરામચંદ્રનું ફૂલ, અબીલ, ગુલાલ, ચંદન, ચોખા વડે પૂજન કરવું ઉત્તમ ગણવામાં આવે છે. રામનવમીના દિવસે ઉપવાસ કરવાથી એકાગ્રતામાં વધારો થાય છે અને આત્મબળ વધે છે. રામ નામ ઓમકાર સમાન છે. રામ નામનો જપ કરવાથી જીવનમાં કોઈ દિવસ દુ:ખ આવતુ નથી. રામ નામ લેવાથી જપ કરાવાથી ભયંકર અશાંતી પણ દૂર થાય છે. રામ નવમીના દિવસે સવારના ભાગે રવિ પુષ્પામૃત યોગ છે. આ સમય પણ પૂજા, પાઠ જપ માટે ઉત્તમ રહેશે. રામ નવમીના દિવસે બપોરે ૨:૧૨ મીનીટ સૂર્ય મેષ રાશીમાં પ્રવેશ કરશે. આમ આજ દિવસે બપોરે કમુહર્તા મીનારક પૂર્ણ થશે. ત્યારબાદ લગ્ન-વાસ્તુ જેવા શુભકાર્યોની શરૂઆત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.