Abtak Media Google News

કોઈપણ રાજયમાં કે રાષ્ટ્રમાં જાસૂસી એજન્સીઓ અને ગુપ્તચર તંત્ર તમામ રીતે મજબૂત અને પૂરેપૂરા કાર્ય કુશળ હોવા જ જોઈએ. જે દેશમાં પૂરેપૂરૂં સક્ષમ જાસૂસી તંત્ર ન હોય એના ઉપર અધ:પતનનું જોખમ રહે છે. એવી લાલબત્તી આપણા દેશના મહામુત્સદ્દી અને ચાતુરીમાં જબરૂં પ્રાવિણ્ય ધરાવતા વિષ્ણુગુપ્ત ચાણકયે તેમના દેશકાળ વખતે આપી હતી.

મગધના ઉદંડ અને તુમાખી પ્રકૃતિ ધરાવતા નંદ રાજાનું પાણી ઉતારવા તેમણે પોતાના લાંબા વાળને ખૂલ્લા મૂકીને એવી પ્રતિજ્ઞા લીધી હતી કે આ નિરંકુશ રાજાને પરાજીત કરીને એના કુશાસનનો અંત ન આણું ત્યાં સુધી આ વાળની જયાને ફરી નહિ જ બાંધું !….

પોતાની આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવામાં જાસુસી તંત્રનો સારી પેઠે ઉપયોગ કર્યો હતો.

આજના દેશકાળમાં પર સ્વાતંત્ર્યની રક્ષા માટે અને મૂકત પ્રજાતંત્ર માટ પાયાની જે બાબતો છે તેમાંની એક મજબૂત અને સક્ષમ જાસૂસી તંત્ર છે. આપણો દેશઆ અતિ મહત્વની અને પાયાની, જરૂરતની ખોટ છે એ જુદા જુદા સનસનીખહેજ અને ચોંકાવનારા બનાવો ઉપરથી ખૂલ્લુ થતું રહ્યું છે ! ગુજરાત પણ આનાંથી મૂકત નથી.

દરમ્યાન ગાંધીનગરનો એક સનસનીખેજ દર્શાવે છેકે ગુજરાતમાં ચાર ખૂંખાર આતંકીઓએ ઘૂસણખોરી કરીને સન્નાટો સજર્યો છે.

ગુપ્તચર વિભાગે આપેલા હાઈએલર્ટ બાદ બનાસકાંઠાના અમીરગઢ સ્થિત ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઈ છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ૩ એસઆરપી જવાન, ૧૫ પોલીસ જવાન અને જીઆરડીના જવાનો તૈનાત કરવામા આવ્યા છે. અમીરગઢ ચેકપોસ્ટ ખાતે વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠામાં અમીરગઢ બોર્ડર, પાથાવાડા બોર્ડર, ખોડા બોર્ડર, સરહદી છાપરી બોર્ડર પર વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત હરહંમેશ આતંકીઓના નિશાને રહ્યું છે. ત્યારે વધુ એક વખત ગુજરાત પોલીસને આતંકી હુમલાનું ઈનપુટ અપાયું છે. ચાર શકમંદ શખ્સો ઘૂસ્યા હોવાના ઈનપુટ મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઈ છે.

અહી એટલી જ ચોંકાવનારી રાજકોટની ઘટના દર્શાવે છે કે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ એવું જણાવ્યુંં છે કે, આવું કાંઈ બન્યુંં જ નથી. ભારતભરમાં ૧૫ ઓગષ્ટને લઈ આતંકી હુમલાને લઈને ઈનપુટ આપવામા આવ્યા હતા. ત્યારે હવે ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે. ચાર આતંકી ઘુસ્યા હોવાના ઈનપુટ મળી રહ્યા છે. જેમાંથી એક અફઘાન આતંકીનો સ્કેચ ગુજરાત એટીએસ રાજયભરની પોલીસને મોકલ્યો છે. બીજી તરફ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે આવી વાત કોઈ રેકર્ડ પર નથી મીડીયામાં આવી રહ્યું છે તે વધુ પડતુ છે. ગુજરાત એટીએસ અને મુખ્યમંત્રીની વાતમાં મતભેદ જોવા મળી રહ્યો છે. જો ખુદ મુખ્યમંત્રી એવું કહેતા હોય કે રેકર્ડ પર આવી કોઈ વાત નથી. તો એટીએસએ અફઘાની આતંકીનો સ્કેચ કંઈ રીતે રાજયભરની પોલીસને મોકલ્યો.

સોમનાથ દર્શન કરવા આવેલા વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતુ કે, પોલીસ એકટક્ષવલી અને પ્રો એકટીવલી કામ કરી રહી છે. મીડીયામાં ચાલી રહ્યું છે કે આતંકી હુમલાને કારણે પોલીસ સર્ચ કરી રહી છે. તે વધુ પડતુ છે. ગુજરાતમાં તાત્કાલીક હુમલાની કોઈ વાત રેકોર્ડ પર નથી એક તરફ આઈબી સ્કેચ જાહેર કરી ગુજરાત એટીએસને મોકલે છે તે રાજયભરમાં ફોટા સાથે ફેકસ કરે છે તો બીજી તરફ ખૂદ સીએમ આ વાતને વધારે પડતી માની રહ્યા છે. એક તરફ આઈબી એલર્ટ આપે છે અને ગુજરાત એટીએસ આતંકીનો સ્કેચ સુધ્ધ રાજયભરની પોલીસને મોકલે છે. છતા રાજયનાં મુખ્યમંત્રી આને ગંભીર ગણતા નથી અને કહે છેકે, આવી કોઈ વાત રેકોર્ડ પર નથી આ ગંભીરતાથી સીએમ અજાણ છે કે પછી ગુજરાત એટીએસ અને મુખ્યમંત્રી વચ્ચે કોમ્યુનિકેશનનો અભાવ જોવા મળી રહ્યો છે.

આ બધું એમ માનવા પ્રેરે છે કે, ગુજરાતમાં સ્ફોટક અને સંવેદનશીલ માહિતીઓની આપલેમા લોલેલોલ પ્રવર્તે છે.

સંબંધીત એજન્સી એવો રહસ્યસ્ફોટ કરે છે કે ગુજરાતમાં ચાર આતંકીઓએ સનસનીખેજ ઘૂસણખોરી કરી છે અને એનાં અનુસંધાનમાં એલર્ટ ઘોષિત કરવામાં આવેલ છે અને ઘટતી તૈયારીઓ યુધ્ધનાં ધોરણે કરી લેવામાં આવી છે.

તા.૧૫મી ઓગષ્ટ, સ્વાતંત્ર્ય-દિનના અવસર વખતે ગુપ્તચર તંત્રએ આ બાબતનો ઘટસ્ફોટ કર્યો હતો અને તે જન્માષ્ટમીના પર્વ સુધી ચાલુ રહેશે એમ અભ્યાસીઓ અને જાણકાર વર્તુળોએ દર્શાવ્યું હતુ.

આ વાત એટલી હદે દર્શાવાઈ છે કે ઉપરોકત બાતમીને પગલે ગુજરાતની સરહદ નજીક વધુ સૈનિક જવાનોને તૈનાત કરી દેવાયા છે.

આટલું બધુ બની ગયા પછી રાજયના મુખ્યમંત્રી બેધડક કહીદે કે, ‘આવું કાંઈ જ બન્યું નથી’ ત્યારે શું સમજવું? તેઓ એટલે સુધી કહી દે કે આવું કશું જ રેકોર્ડ ઉપર નથી તો ગુપ્તચર તંત્રની બાતમીને લગતો રિપોર્ટ કેમ મુખ્ય મંત્રીના સ્તરે ન પહોચ્યો? અથવા જે એજન્સીએ યુધ્ધનાં ધોરણે પગલાં લીધા તેણે કયાં આધારે પગલા લીધા?

સંવાદનશીલ માહિતીનાં સવેળા આદાનપ્રદાનમાં ઉણપ અને ‘લોલેલોલ’ની સ્થિતિ જ આમાં ગુનાહિતરીતે ખૂલ્લી થઈ હોવી જોઈએ.

આ બધાનો સારાંશ એજ કે, આપણા ગુપ્તચર તંત્ર અને જાસૂસી તંત્રની ક્ષમતામાં કહેવાપણું હોઈ શકે!

ગુજરાત-સૌરાષ્ટ્રની પૂજા ધાર્મિક છે. શ્રાવણ મહિનાની પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓ વેગ પકડી રહી છે. સોમનાથ, દ્વારકા, રાજકોટ, અમદાવાદ સહિતના શિવમંદિરો અને હરિમંદિરો દર્શનાર્થીઓની ભીડથી ઉભરાય છે. નાના-મોટા અપરાધો પણ પ્રકાશમાં આવી રહ્યા છે. કયારે, શુ બનશે, તે કહી શકાય તેમ નથી.

જન્માષ્ટમીના તહેવારની ઉજવણીની જોરદાર તૈયારીઓ ગતિમાં છે.

આ બધા ઉત્સવોને ધ્યાનમાં લેતા આતંકીઓની ભેદી ઘૂસપેઠ પ્રતિ એલર્ટ રહેવું જ પડશે. જાસૂસી અને ગુપ્તચર એજન્સીઓ માટે આગામી દિવસો આકરી પરીક્ષાના બની શકે છે!

ગુજરાતનાં નર-નારીઓ પણ આવી સંભાવનાઓ સામે સાવધાન રહે એ ડહાપણભર્યું લેખાશે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.