Abtak Media Google News

છેલ્લા 3 દિવસથી મહેસાણા જિલ્લામાં ત્રાટકેલા તીડ શનિવારે રાત્રે વિજાપુરના ખરોડ ગામની સીમમાં ધામા નાખ્યા હતા. જેને રવિવારે વહેલી સવારે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે દવાનો છંટકાવ કરી 25 લાખ જેટલા તીડનો ખાત્મો બોલાવી નાખ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના બહુચરાજી, જોટાણા, મહેસાણા, વિસનગર અને વિજાપુર તાલુકાના ગામોમાં આતંક મચાવનાર તીડનું મોટું ઝુંડ શનિવારે રાત્રે વિજાપુર તાલુકાના ખરોડ ગામની સીમમાં સ્થિર થયું હતું.

જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમ રવિવારે વહેલી સવારે જિલ્લા પંચાયતના જેટિંગ મશીન સાથે ખરોડ પહોંચી હતી. જ્યાં દવાનો સ્પ્રે કરી તીડના ઝુંડ પર છંટકાવ કરાયો હતો. જેમાં 25 લાખ જેટલા તીડનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ, અન્ય એક તીડનું ઝુંડ વિજાપુર તાલુકાના રામપુરા કોટ ગામમાં થઈને સાબરકાંઠાના ઇડર તાલુકાના એકલારા અને દેશોતર ગામ તરફ ફંટાયું હતું.

જેને લઈ મહેસાણા ખેતીવાડી વિભાગે સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગને એલર્ટ કરી તીડના ઝુંડ વિશે માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.