Abtak Media Google News

૯૦ વર્ષના દાદીમાનું દર્દ જોઇને શરૂ કરી નિ:શુલ્ક શ્રવણ ટિફિન સેવા

વૃદ્ધાવસ્થામાં સંતાનો દ્વારા તરછોડાયેલા કે પથારીવશ વૃદ્ધોને એક ટાણું જમવાનું પણ નસીબ નથી હોતું. ત્યારે શહેરની કાપોદ્રા વિસ્તારમાં કાર્યરત આનંદ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રવણ ટિફિન સેવા દ્વારા જરૂરિયાતમંદ એવા વૃદ્ધ-વડીલોને રોજ ઘરબેઠા વિનામૂલ્યે શુદ્ધ શાકાહારી અને સાત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે. ૯૦ વર્ષના દાદીમાનું દર્દ જોઇને રોજ એક ટાઇમ ભોજન જમાડીને ભૂખ્યા વૃદ્ધોની આંતરડી ઠારવાનું પ્રેરક કાર્ય છેલ્લાં બે વર્ષથી શરૂ કર્યું છે.

સંસ્થાના સ્વયંસેવકો દ્વારા અવિરતપણે ભુખ્યા લોકોની આંતરડી ઠારવા માટે દર રોજ ખીચડી, લીલા શાકભાજીનું શાક, રોટલા, રોટલી બનાવી તેના પેકેટો તૈયાર કરાય છે. આ પેકેટો સંસ્થાના સ્વયંસેવકો પ્રકાશભાઇ ભાલાણી, જે. એમ. ઠુમર, જયેશ કેવડિયા વિગેરે શહેરના વિવિધ વિસ્તારોમાં જઇ ૧૬૦થી વધુ વૃદ્ધોને પહોંચાડી રહ્યા છે. સ્વયંસેવકો દ્વારા અઠવાડિયામાં શનિ-રવિવારે ફરસાણ અને મીઠાઈ સાથે કઢી-પુલાવ, કઢી-ખીચડી ખવડાવવામાં આવે છે.

જરૂરિયાતવાળા લોકોને સમયસર ભોજન પહોંચાડવા માટે ૧૬૦ જેટલા લોકો સુધી પહોંચવાનું કામ આમ તો અઘરૂં છે, પણ સંસ્થાના સાથી મિત્રો આ પડકારને પહોંચી વળે છે. એ માટે સંસ્થા દ્વારા એક ટુ-વ્હીલર અને એક વાન એમ બે વાહનો રાખ્યા છે. શહેરનો એક સ્ટેશનની બહારનો ભાગ અને એક સ્ટેશનની આ તરફ એટલે કે વરાછા-કતારગામનો ભાગ એમ બે ભાગ પાડી ટીફીનની વહેંચણી શરૂ કરાય છે.  શહેરના કાપોદ્રા વિસ્તારમાં શાંતિનિકેતન સોસાયટીમાં સંસ્થાએ રસોડું બનાવ્યું છે. આ રસોઇઘરમાં આઠ માણસો કામ કરે છે. દરરોજ સવારે ૭:૩૦ કલાકથી રસોઇ બનાવવાનું કામકાજ શરૂ થાય છે જે લગભગ ૧૦:૩૦ સુધીમાં પૂર્ણ થઇ જાય છે. બાદમાં ટીફીન ભરી જરૂરતમંદો સુધી પહોંચાડવાનું કામ શરૂ થાય છે.

શ્રવણ ટિફિન સેવાના સ્વયંસેવક પ્રકાશભાઇ ભાલાણીએ જણાવ્યું હતું કે, એક વાર ફોન આવ્યો કે વેડ રોડ પર એક ૯૦ વર્ષના વિધવા દાદીમા નિ:સંતાન છે. તેમને મળ્યા અને તેની પરિસ્થિતિ જાણી. દાદીમાં રસોઇ બનાવી શકે તેવી સ્થિતિમાં પણ ન હતાં ત્યારબાદ વૃદ્ધોને મા-બાપ સમજીને અમે જમવાની સુવિધા ઊભી કરવા શ્રવણ ટિફિન સેવા શરૂ કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.