Abtak Media Google News

કોરોના સંક્રમણ વચ્ચે પણ રાજ્ય સરકારે રૂા.૧૨૦૦૦ કરોડના વિકાસ કામો કર્યા

કોરોના સંક્રમણ વચ્ચે પણ રાજ્ય સરકારે રૂ. ૧૨૦૦૦ કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ કર્યા છે. નરેન્દ્રભાઇએ શરૂ કરેલી વિકાસની રાજનીતિના પરિણામે સુરત શહેરનો વિકાસ અવિરતપણે આગળ વધી રહ્યો છે. દુનિયાના આધુનિક શહેરો સાથે સુરત સ્પર્ધા કરી રહ્યુ છે. લોકોને રહેવા લાયક, માણવા લાયક અને જીવવા લાયક શહેરો બને તે માટે સુરત પ્રશાસન કાર્યરત થયું છે. લોકોને થાય કે જીંદગી જીવવી છે તો સુરતમાં જીવવી છે. સુરત સોનાની મુરત બને તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંદાજે રૂ. ૨૦૩ કરોડના ખર્ચે તૈયાર વિવિધ વિકાસ પ્રકલ્પોનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ-લોકાર્પણ કરાયુ હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ કોરીડોરનું કડોદરા સુધી વિસ્તૃતીકરણનું લોકાર્પણ, ગાર્ડન-હેલ્થ સેન્ટર, સ્માર્ટ આંગણવાડી, મોઝેક-ગાર્ડનની અનાવરણવિધિ તેમજ સુરત શહેરી વિકાસ સત્તા મંડળના પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓ અંતર્ગત ૧૨૦૦ આવાસોની તકતીની અનાવરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં વિકાસની પ્રક્રિયા ગુજરાતે સતત ચાલુ રાખી છે. સુરત શહેરે કોરોનામાં સંઘર્ષ કરી કોરોનાને અટકાવવા કામ કર્યું છે. કોરોના હારશે અને ગુજરાત જીતશે તે સંકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે. વિકાસની રાજનિતીના આ નવા યુગમાં સમગ્ર ભારતમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા ક્રમે રહ્યું છે તે બદલ સુરતવાસીઓને અભિનંદન પાઠવું છું.

તેમણે કહ્યું હતું કે, મનને અને આત્માને સંતોષ થાય તે માટે રસ્તા, ગટર, પાણી, વિજળી સહિતની પાયાની બધી જ સુવિધાઓ શહેરીજનોને પ્રાપ્ત થાય તે માટે સુરતનું સમગ્ર વહીવટી તંત્ર કાર્ય કરી રહ્યું છે. રાજ્ય સરકારે હંમેશા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ, પાણી સહિત બધાની ચિંતા કરી છે. ઇંઝ ઓફ ડુઇંગની સાથે સાથે ઇઝ ઓફ લિવંગ માટે પણ સાનુકુળ વાતાવરણ બનાવવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ સુરતની પ્રજાને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, સુરત લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટીનું શહેર છે. ભારતનો સૌથી મોટા બીઆરટીએસ રૂટનું સૌભાગ્ય સુરતને પ્રાપ્ત થયું છે. આવનારા દિવસોમાં મેટ્રો ટ્રેન, રિવરફ્રન્ટ, તાપી નદી શુદ્ધિકરણ અંગે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.