Abtak Media Google News

એક મલ્ટીનેશનલ કંપનીના ઇન્ટરવ્યૂ દરમ્યાન  યુવાનને પૂછવામાં આવ્યું કે, ’તમારી દ્રષ્ટિએ કયું એક ફેક્ટર છે જે કોઈપણ ક્ષેત્રે આગળ આવવા માણસમાં આવશ્યક છે?? ’ યુવાને એક સેકન્ડના વિલંબ વગર જવાબ આપ્યો કે “નીતિમત્તા”. બીજું એક દ્રષ્ટાંત લઈએ તો એક એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે , ’એવું કોઈ મશીન બનાવવું હોય કે જેનાથી સમગ્ર દેશને દરેક ક્ષેત્રે ફાયદો થાય ,તો કયું મશીન બનાવવાનો તને વિચાર આવે?’ વિદ્યાર્થીએ તરતજ ઉત્તર આપ્યો, “માણસમાં રહેલી અનીતિનું પ્રમાણ માપવાનું અને એ પછી નીતિના વાયરસ ફિટ કરવાનું” આ બન્ને દ્રષ્ટાંત પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે અનિતિનો રોગ મહા ભયાનક રીતે વકર્યો છે.

સ્વસ્થ સમાજની રચના માટે ૩ પાસાં આવશ્યક છે. ૧. શિક્ષણ ૨. સ્વાસ્થ્ય અને ૩. સંસ્કાર. કોઈપણ ક્ષેત્રે આ ત્રણ પાસાં જેમના મજબૂત છે એ ક્યારેય પાછળ નથી રહેતા.એક સમય હતો કે જ્યારે ટેક્નોલોજીની બોલબાલા ન હતી. દેશનો ૮૦% વર્ગ માનવશક્તિના ઉપયોગથી જ પોતાનું ગુજરાન ચલાવતો અને સતત વ્યસ્ત રહેવાને લઈને આંટીઘૂટી કે આડ રસ્તાઓ વિચારવાનો સમય ન હતો.

સાથોસાથ એ સમયે શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર ધ્યાન અપાતું અને એટલે જ કદાચ બાળકના પાયામાં જ સાચું બોલવું, મહેનત કરવી, વ્યસનથી દૂર રહેવું, નીતિના માર્ગે ચાલવું -આ બધાજ સંસ્કાર હતા. પહેલાનાં સમયમાં સંયુક્ત કુટુંબપ્રથાને લીધે સરેરાશ એક બાળક પર બે વડીલો રહેતા જેના પરિણામ સ્વરૂપ બાળક નાનપણથીજ સંસ્કારી બનતું.

ટેકનોલોજીનો વિકાસ થયો, વિભક્ત કુટુંબપ્રથા અમલમાં આવી અને ’નાનું કુટુંબ સુખી કુટુંબ’ના સૂત્રને આગળ રાખી એકજ બાળકનો કોન્સેપ્ટ અમલમાં આવ્યો ત્યારથી બાળકમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર એ ત્રણે પાસાં નબળા પડ્યા.આજે કોઇપણ ક્ષેત્રે અનીતિ અને ભ્રષ્ટાચારે એવો પગદંડો જમાવ્યો છે કે દર ૧૦૦ એ ૨ માણસ પણ નિતિવાન નથી મળતો.

એ સાચું છે કે આની માઠી અસર જે -તે કાર્યક્ષેત્રને તો પડે જ છે પણ આવી વ્યક્તિ પોતે અંદરથી ખોખલી થઈ જાય છે. માણસ જ્યારે નીતિવાન હોય છે ત્યારે કદાચ આવડત ઓછી હોય તો પણ એ માથું ઊંચું કરીને જીવી શકે છે. ગુલામીમાં પણ ખુમારી હોય છે જ્યારે અત્યારે મોટામાં મોટો હોદ્દો લઈને બેઠેલાઓએ પણ ક્યાંક હાથ જોડવા પડતા હોય છે.

આ બધાની સૌથી મોટી અને ખરાબ અસર દેશના રાજકારણ ક્ષેત્રે થઈ રહી છે. રાજકારણમાં ચાલતો ભ્રષ્ટાચાર,અનીતિ અને ઉઘાડી લૂંટ જોતા એમ થાય કે દેશના ગુનેગારો જે ’વોન્ટેડ’ લિસ્ટમાં છે એનાથી સહેજ પણ ઉતરતો અત્યારનો કોઈ રાજકારણી નથી.

કોઈપણ ક્ષેત્રે વિકાસ માટે સમય સાથે બદલાવ જરૂરી છે. દરેક ક્ષેત્રમાં મેજમેન્ટ ટીમમાં અનુભવીઓ અને આધુનિક કેળવણી મેળવેલા યુવાનોનો સમાવેશ ૫૦-૫૦ કે ૪૦-૬૦ નો હોવો જોઈએ ત્યારે જ દરેક ક્ષેત્રે આધુનિક શિક્ષણનો લાભ મેળવી વિકાસને વેગ આપી શકાય અને લગભગ દરેક ક્ષેત્રમાં એ શક્ય છે. દેશનું સૌથી મહત્વનું અંગ કે જે દેશની કરોડરજ્જુ છે એવું કોઈ ક્ષેત્ર હોય તો એ છે રાજકારણ.

આજે રાજકારણની છબી એટલી ખરડાયેલી છે કે ખરેખર દેશમાં બદલાવ લાવવા ઇચ્છતું  યુવાધન રાજકારણથી દૂર ભાગી રહ્યું છે. આજના યુવાન પાસે પરફેક્ટ વિઝન છે, દેશના વિકાસ માટેની યોજનાઓ છે, પ્રમાણિકતાથી કામ કઢાવી શકવાની આવડત છે અને શારીરિક, માનસિક, અને શૈક્ષિણીક એમ તમામ ક્ષમતા છે કે જેની પાસેથી દેશના વિકાસના કામ યોગ્ય રીતે લઇ શકાય પરંતુ રાજકારણ ગુંડા, માફિયા અને ’ભૂખ્યા’ઓ નો અડ્ડો મનાતું હોઈ, એકપણ સારો માણસ આમાં પ્રવેશવા રાજી નથી. જો કે એનો પ્રવેશ શક્ય પણ નથી અને કદાચ પ્રવેશ મેળવી પણ લે તો પણ બહુ ટૂંકા સમયમાં કાં તો એને ’મૂંગો’ કરી દેવાય અને કાં એ સામેથી ક્ષેત્ર સન્યાસ લઈ લે.

ખાનગી કંપની હોય કે સરકારી, પ્રાથમિક શાળાથી લઈને દેશ જેના ટેકે ઉભો છે એવી મલ્ટીનેશનલ કોર્પોરેટ કંપનીઓ પણ ભ્રષ્ટાચારથી મુક્ત નથી.ક્યારેક વિચાર આવે કે  સમગ્ર દેશને ભ્રષ્ટાચારનો લૂણો લાગ્યો ક્યાંથી? એવું કયું ફેક્ટર કામ કરે છે કે ટકોરાબંધ માણસ શોધ્યો નથી જડતો? આ માટે ક્યાંકને ક્યાંક આપણું કહેવાતું આધુનિક શિક્ષણ, માવતરની પોતાની પ્રાઇવેટ લાઈફની વ્યસ્તતા અને અણઘડપણે થઈ રહેલો મોબાઈલનો ઉપયોગ જવાબદાર છે.

એક બહુ જૂની વાર્તા છે, – એક બાળક નદીમાં નહાવા ગયો. નાહીને ઘરે જતાં ખેતરાઉ રસ્તો આવે બાળક ભીના શરીરે ઘર તરફ આવી રહ્યો હતો અને કોઈના ખેતરમાં પડી ગયો. ખેતરમાં તલ વાઢીને ઢગલો કરેલો અને બાળક ભીના ડીલે હોવાથી તલ ચોંટી ગયા. ઘરે પહોંચતા મા એ જોયું અને એ બાળકના શરીરે તલ જોઈ રાજી થઈ ગઈ બાળક ત્યારે તો કઈ સમજ્યું ન હતું પરંતુ આ આકસ્મિક ઘટનાને પોષી પોષીને માતાએ ભર યુવાનીમાં પોતાને ગુનેગાર અને ચોર  બનાવી દીધો છે એ વાત આ બાળકને જ્યારે યુવાનીમાં મોટા ગુના બદલ જેલ થઈ ત્યારે સમજાયું.

ભ્રષ્ટાચાર એ એક એવી ઉધઈ છે કે જે વ્યક્તિમાં પ્રવેશે છે અને ધીમે ધીમે આખા દેશને ખાવાનું શરૂ કરે છે. પરિવારમાં એક વ્યક્તિ બીમાર હોય તો ઈલાજ શક્ય છે પરંતુ સમગ્ર દેશમાં ફાટી નીકળેલ રોગ માટે બધાજ ઈલાજ નાકામ છે. દેશ બદલાવ માગે છે, સિસ્ટમ બદલાવ માંગે છે અને બધું જ શક્ય પણ છે પરંતુ એ માટે રાજકારણ ક્ષેત્રે યુવાનોની લીડરશીપ અને એની કાર્ય પદ્ધતિને અપનાવવાની જરૂર છે. જ્યાં સુધી રાજકારણમાં પારદર્શિતા નહિ આવે ત્યાં સુધી કશું જ શક્ય નથી.

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ઠાકરે ખરેખર દરેક યુવાનોએ જોવા જેવી છે. મરાઠાઓનું વતન ગણાતાં મુંબઈમાં જ્યારે મરાઠીઓનું અપમાન થતું, એમના હક્કો છીનવાતા અને એમની હાસ્યાસ્પદ અવદશા જોઈ ત્યારે એક સામાન્ય માણસ, સામાન્ય કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરે મરાઠીઓને એમના હક્કો અપાવવા કાર્યરત થાય છે . એક શુભ આશયથી નેક કામ માટે  નીકળેલ એક માણસ જોતજોતામાં એક સંગઠનનો આગેવાન બની જાય છે.

એની હિંમત, મહેનત, અક્કડ અને એ પછીની એની સફળતા આ બધુજ એની નીતિમત્તા અને નેક ઇરાદાને આભારી હતું . હા, આગળ જતાં ગંદા અને ભ્રષ્ટ રાજકારણનો શિકાર બનવાથી બચવા માટે રાજકારણ રમવાની એને પણ ફરજ પડેલી. આજના યુવાનો બાલ ઠાકરેના નામથી પરિચિત કદાચ ન પણ હોય ત્યારે એના સંગઠનમાં આવવાના હેતુ અને કાર્યપધ્ધતિ વિશે તો ન જ જાણતા હોય.

થોડા સમય પહેલાં એક વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે વડાપ્રધાન મોદીને એના અહંકાર બદલ સાફ શબ્દોમાં કહી દીધેલ એ સમાચાર વાઇરલ થયેલા અને એ પછી પત્રકાર પ્રશાંત દયાળે પોતાની પત્રકારત્વની શરૂઆતથી લઈને રાજકારણમાં એની ખુલ્લી ફટકાબાજી સુધીની પોતાની સફરની સાથોસાથ કેટલાય પોલીસ અધિકારી, અગ્રણી પત્રકારો, નામી બિઝનેસમેન તેમજ રાજકારણ આગેવાનોના કાંડ વિશે ય ક્ષયૂતાફાયિ માં તમામ વિગતો લખી છે.

વાત પ્રશાંત દયાળની હોય કે બાલ ઠાકરેની, જે કાંઈ એમણે કહ્યું કે ફિલ્મમાં બતાવ્યું એની સચ્ચાઈને બાજુ પર રાખીને માત્ર એમના જાહેરમાં આવું કહેવા કે કરવા પર જોઈએ તો જે નીતિવાન હોય એ જ આવી હિંમત કરી શકે અને આવા લોકો આજના યુવાનોની પ્રેરણા બને એ અત્યંત જરૂરી છે. ઝાંસીની રાણી કે શિવાજી મહારાજ પર બનતી ફિલ્મો થકી બાળક આપણાં દેશના ભવ્ય ઇતિહાસને જાણે એ જરૂરી છે જ પરંતુ દેશના એવા નીતિવાન રાજકારણી પર પણ ફિલ્મો બનવી જોઈએ અને યુવાનોને એ જોવા પ્રેરવા જોઈએ જેથી કરીને રાજકારણમાં બદલાવ આવે.

બાળકને તમામ આધુનિક સુખ સગવડ આપવા પહેલાં એનો સાચો અને સારો ઉપયોગ કરતાં શીખવવું એ માબાપની પહેલી ફરજ છે. સંસ્કાર વગરનું બાળક દેશ માટે પણ ખતરો છે. શિક્ષણ એ શિક્ષકોની રોજીરોટી છે એ સાચું પણ બાળકના ઘડતરમાં શિક્ષક પણ સરખો જ જવાબદાર છે.

બાળકમાં વિદ્યાર્થી અવસ્થામાં સૌથી વધુ અસર શિક્ષકોની હોય છે માટે શિક્ષકોની જવાબદારી વિદ્યાર્થી તરફ વધી જાય છે. હું માનું છું કે પ્રાથમિક શિક્ષકોના પગારધોરણ ઊંચા હોવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે એ બાળકમાં શિક્ષણનો -જ્ઞાન સાથે સંસ્કારનો પાયો નાખે છે. અનેપાયાની મજબૂતાઈ પર જ ઇમારતની મજબૂતાઈનો આધાર છે.દેશભક્તિ બતાવવા માટે દરેક નાગરિકે સરહદ પર જ જવું જરૂરી નથી. અનીતિ અને ભ્રષ્ટાચારથી દૂર સ્વસ્થ સમાજ અને સ્વસ્થ દેશનું નિર્માણ કરવું એ પણ દેશભક્તિ જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.