ગોંડલમાંથી કુખ્યાત તસ્કર ત્રિપુટીને ઝડપી લેતી એલસીબી: ૨૮ ચોરીનો ભેદ ઉકેલાયો

રાજકોટ શહેરમાં ૨૧, ગોંડલમાં ૬, ચોટીલામાં ૩ અને જૂનાગઢમાં ૧ સ્થળેથી ચોરી કર્યાની કબૂલાત: ૪ બાઈક, ૭ મોબાઈલ, રાજશાહીયુગના સિક્કા અને એલઈડી મળી રૂ.૧.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે

આંતર જીલ્લામાં તરખાટ મચાવનાર તસ્કર ત્રિપુટીને ગોંડલ શહેરના વોરા કોટડા રોડ આવાસ કવાર્ટરમાંથી એલ.સી.બી. ના સ્ટાફે ઝડપી લઇ સાત બાઇક ચોરી, બે દુકાન અને ૧૯ મકાનમાં હાથ ફેરો કર્યાની કબુલાત આપતા પોલીસે ચાર બાઇક, સાત મોબાઇલ, એલ.ઇ.ડી. ટીવી, કપડા અન રાજાશાહી યુગના ચલણી ૩ર સિકકા મળી રૂા ૧.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કયો છે.

ઝડપાયેલી ત્રિપુટીએ રાજકોટ શહેરની બે દુકાન મળી ર૧ સ્થળેથી ગોંડલ શહેરમાં છ સ્થળે, જુનાગઢમાં એક અને ચોટીલામાં ત્રણ મકાનમાં તસ્કરો કરી છે. પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લામાં વધતા જતા ચોરીના બનાવોને અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેલ ઉકેલવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી. ના પી.આઇ. એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ગોંડલ શહેરમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતો આનંદગીરી હરીગીરી ગૌસ્વામી, જેતપુરના પેઢલા ગામની મુકેશ અરજણ ગુજરાતી અને રાજકોટનો અર્જુન જેન્તી સોલંકી  નામના શખ્સો ચોરીના મુદ્દા માલની ભાગ બટાઇ કરતા હોવાની હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી અને જયેન્દ્રસિંહ વાઘેલાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.

દરોડા દરમ્યાન પોલીસે આનંદગીરી ગોસ્વામી, અર્જુન સોલંકી અને મુકેશ ગુજરાતીના અટકાયત કરી આકરી પુછપરછ કરતા ગોંડલ શહેરના પાંચ મકાનના તાળા તોડી રૂા ૩ લાખના ધરેણા, રોકડ અને એલ.ઇ.ડી. ની તેમજ ચેક બાઇક ની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

જયારે રાજકોટ શહેરના થોરાળા, ભકિતનગર, બી ડીવીઝન અને પ્ર.નગર પોલીસ મથકના વિસ્તાર મળી ૧૪ મકાનો, એક જવલર્સ અને પાનની દુકાનના તાળા તોડી રોકડ, સોનાના ધરેણા અને ઇલેકટ્રીક ઉપકરણોની ચોરી કર્યાની કબુલાત આપી છે.

જયારે ચોટીલાના ચામુંડા નગર વિસ્તારમાં ત્રણ મકાનના તાળા તોડી રોકડ અને સોનાના ધરેણાની ચોરી કર્યા છે. તેમજ જુનાગઢ જીલ્લા પંચાયતના પાકીંગમાંથી બાઇકની ચોરી કરી છે.

એલ.સી.બી. રાજકોટ, જુનાગઢ અને સુરેન્દ્રનગર સહીતના સ્થળેથી સાત બાઇક, બે દુકાન અને ૧૯ મકાનોમાઁ થયેલી ચોરીનો ભેલ ઉકેલી મોટી સફળતા મળી છે.

પોલીસે ચાર બાઇક, સાત મોબાઇલ, રાજાશાહી યુગના ૩૫ ચલણી સિકકા, એલ.ઇ.ડી. ટીવી, ચોરી કરવાના સાધનો મળી રૂા ૧.૫૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલો અર્જુન જેન્તી સોલંકી જુનાગઢ શહેરની બે ચોરીના ગુનામાં નાશતો ફરે છે. એલ.સી.બી. એ ઝડપાયેલી ત્રિપુટી પાસેથી મુદામાલ કબજે કરવા તેમજ વધુ તપાસ માટે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Loading...