Abtak Media Google News

બે કર્મચારીની હકાલપટ્ટીવલસાડ પોલીસની તપાસમાં મોરબી પાલિકામાં ચાલતું જન્મ મરણના ખોટા દાખલા કાઢી આપવાનું કૌભાંડ બહાર આવ્યું : ડેથ સર્ટી. સાથે વૃદ્ધાનું બોગસ  આધાર કાર્ડ, રેશનકાર્ડ પણ મોરબીમાં જ બન્યું

મોરબી પાલિકાના બોગસ ડેથ સર્ટિફિકેટના આધારે વલસાડમાં જમીન કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે.આ જમીન કૌભાંડની વલસાડ પોલીસે તપાસ કરતા મોરબી પાલિકામાં ચાલતા ખોટા જન્મ મરણના દાખલા કાઢવાનું કૌભાંડ પણ બહાર આવ્યું હતું. વલસાડ પોલીસે પાલિકાના બે કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવ્યા બાદ પાલિકાએ બંને કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા હતા.

કૌભાંડ અંગે મળતી વિગતો અનુસાર મુંબઇ રહેતાં પારસી કમીએચરશા મહેતા ઉ.વ.૮૩ નામના વૃદ્ધાની વલસાડના ઓઝર ગામે આવેલી કિંમતી જમીન પચાવી પાડવા માટે મોરબીની એક મહિલા સહિત બે અને વલસાડના ૩ તેમજ જામનગરના એક મળી કુલ છ શખ્સોએ કારસો રચ્યો હતો  જીવીત હોવા છતાં તેને મૃત દર્શાવીને મોરબી પાલિકા માથી વૃદ્ધાનું બોગસ ડેડ સર્ટિ કઢાવી લીધું હતું.આ ડેડ સર્ટી અને બીજા ડોક્યુમેન્ટના આધારે વૃદ્ધાની વલસાડના ઓઝર ગામ ની જમીન પચાવી પાડી હતી. આ બાબતની મૂળ માલિકને ખબર પડતાં આ જમીન કૌભાંડ બહાર આવ્યું હતું જેની તપાસ કરી રહેલી વલસાડ પોલીસની તપાસમાં મોરબી પાલિકામાં ખોટા જન્મ મરણના દાખલા કાઢી આપવાનું કૌભાંડ ચાલતું હોવાનું ખુલ્યું હતું.

વલસાડ પોલીસે ખોટા જન્મ મરણનો દાખલો કાઢી આપનાર મોરબી પાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા કર્મચારી ફાલ્ગુની ભટ્ટ અને કાર્તિક ઉર્ફે કર્તવ્ય ભટ્ટને પૂછપરછ માટે બોલાવ્યા હતા ત્યારે મોરબી પાલિકા તંત્રે તાત્કાલિક પગલાં લઈને આ બંને કર્મચારીઓની હકાલપટ્ટી કરી નાખી હતી. જોકે મોરબી પાલિકામાં ખોટા જન્મ-મરણ સહિતના દાખલા પૈસાના જોરે નીકળતા હોવાની અનેક ફરિયાદો ઊઠી છે ત્યારે ખરેખર પાલિકાના જવાબદાર કર્મચારીઓ બેદરકારી દાખવી છે કે જાણી જોઈને વહીવટ કરીને જન્મ મરણના ખોટા દાખલા કાઢી આપે છે તે અંગે તટસ્થ તપાસ થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠી છે.

જમીન કૌભાંડના મોટા ભાગના બોગસ ડોક્યુમેન્ટ મોરબીમાં જ બન્યા

વલસાડના જમીન કૌભાંડની પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે વલસાડના જમીન કૌભાંડમાં વપરાયેલા મોટાભાગના ડોક્યુમેન્ટ મોરબીમાં જ બન્યા હોવાનું ખુલ્યું છે મુંબઈની વૃદ્ધા જીવીત હોવા છતાં તેનો મરણનો દાખલો પાલિકામાંથી કઢાવી લેવાનું તેમજ મુંબઇના વૃદ્ધાને મોરબી તાલુકાના અમરાપર, નાગરપરના રહેવાસી ગણાવીને તેના બોગસ રેશનકાર્ડને આધાર કાર્ડ કઢાવી લેવાયા હતા આ બોગસ ડોક્યુમેન્ટ કૌભાંડ વલસાડ પોલીસની તપાસમાં ખુલ્યુ હતું. જોકે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના ખોટા ડોક્યુમેન્ટનો બનાવીને જમીન કૌભાંડ આચરવામાં આવે છે.જો આ બાબતની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તો અનેકના નામ સામે આવે એમ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.