કચ્છ જિલ્લા કોંગ્રેસની આજે કારોબારી બેઠક અબડાસા બેઠક માટે રણનીતિ ઘડાશે

ગ્રાસરૂટ લેવલ સુધીની કામગીરીની સમીક્ષા કરાશે

માતાના મઢ ખાતે મળનારી કચ્છ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં અબડાસા વિધાનસભા બેઠકની ચુંટણી માટે રણનીતિ ઘડાશે તેમ કચ્છ જિલ્લા કોંગ્રેસે જણાવ્યું છે. અબડાસા વિધાનસભા પેટા ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષના પ્રદેશથી જિલ્લા સ્તરનાં આગેવાનો ગામે ગામ ખુંદીને કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ સરસાઇ મળે અને ભાજપનો કારમો પરાજય થાય તેવા પ્રચાર-પ્રસાર કરી પાયાના કાર્યકરોમાં જોમ ભરી રહ્યા છે.

તા.૬ ને ગુરુવારે માતાના મઢ હોટલ રીવા મઘ્યે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાનાં નેતૃત્ય તળે જિલ્લાની વિસ્તૃત કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી, કાર્યકારી અઘ્યક્ષ હાર્દિક પટેલ હાજરી આપી રણનીતિ તથા વ્યુહરચના સમજાવશે. ઉ૫રાંત પ્રજાલક્ષી વિવિધ ઠરાવો કરી રણનીતિ ઘડાશે.

ઉપરાંત પ્રદેશ નેતાઓ દ્વારઅ અબડાસા વિધાનસભામાં ગ્રાસરૂટ લેવલ સુધીની સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા ઉપરાંત સંગઠનાત્મક શકિત દ્વારા ભારતીય જનતા પાર્ટીની પ્રજાવિરોધી વિચારધારાને મ્હાત કરવાનું આયોજન કરાશે.પાર્ટીના સંગઠનને કારોબારીમાં બુથસ્તર સુધી લઇ જવા માટે પણ ખાસ માર્ગદર્શન તથા કામગીરીના લેખાજોખા આ બેઠકમાં થશે આ બેઠકમાં પ્રદેશ, જિલ્લા, તાલુકા, શહેર, સેલ પાંખના હોદેદારો સંયોજકોને ઉ૫સ્થિત રહેવા જિલ્લા કોંગ્રેસ પ્રવકતા ગનીભાઇ કુંભારે અનુરોધ કર્યો છે.

Loading...