કપાસ ખરીદીમાં અન્યાય મુદ્દે કિસાન સંઘનું વિરોધ પ્રદર્શન: ૨૨ વ્યક્તિની અટકાયત

સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીમાં ૩૦ ખેડૂતો સાથે અન્યાય થયાની રાવ: કલેકટર કચેરીમાં કાર્યકરો પ્રવેશે તે પૂર્વે જ ઉપાડી લેવાયા

સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીમાં ૩૦ ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો હોવાની રાવ સાથે કિસાન સંઘ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કિસાન સંઘના કાર્યકરો કપાસની ભારી લઈ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જો કે, તેઓ કચેરીની અંદર પ્રવેશે તે પૂર્વે જ પોલીસે ૨૨ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ચાલુ વર્ષે કપાસની સીસીઆઈની ખરીદી દરેક તાલુકાના નક્કી કરેલા જીનોની અંદર ચાલુ હતી. રાજકોટ તાલુકાની સી.કે.ઈન્ડસ્ટ્રી-વાંકાનેર નામની કપાસની જીન કુવાડવા ચોકડી પાસે આવેલ છે તે જીનમાં તાલુકાના ખેડૂતોને દરરોજ સીસીઆઈના પ્રતિનિધિઓ દ્વારા ટેલીફોનિક જાણ કરી બોલાવવામાં આવતા હતા. આવી જ રીતે ૩૦ ખેડૂતોને બોલાવીને સીસીઆઈના ધારા-ધોરણ મુજબ પ્રતિનિધિઓએ કપાસ ખરીદ્યા બાદ પેમેન્ટ આપવાની ના પાડી દીધી છે તો તાત્કાલીક ધોરણે આ ખેડૂતોનું પેમેન્ટ સીસીઆઈ દ્વારા નિયત ભાવ મુજબ કરવામાં આવે તેવી માંગ છે.

આ રજૂઆત કરવા કિસાન સંઘના આગેવાનો કપાસની ભારી લઈ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પોલીસે ૨૨ આગેવાનોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

Loading...