દર્દી અને ડોનર બન્નેનું બ્લડ-ગ્રુપ ન મળે તો પણ કિડની-ટ્રાન્સપ્લાન્ટ શક્ય

573
kidney-transplant-is-possible-even-if-blood-group-is-not-available-for-both-patient-and-donor
kidney-transplant-is-possible-even-if-blood-group-is-not-available-for-both-patient-and-donor

ગયા અઠવાડિયે મુંબઈની એક હોટેલમાં એક નાટક ભજવાયું, જેમાં ફક્ત બાર વર્ષના છોકરાનો પર્ફોર્મન્સ જોઈને લોકો દંગ રહી ગયા હતા. આ છોકરો એટલે મુલુંડમાં રહેતો કેદાર પલણ. આજે તેને જોઈને કોઈ સમજી ન શકે, પરંતુ આ બાળકે બાર વર્ષમાં ઘણું ભોગવી લીધું છે. તે જન્મ્યો ત્યારે જન્મથી જ તેને મૂત્રાશયમાં બ્લોકેજ હતું. આ પ્રકારના પ્રોબ્લેમ્સ સોનોગ્રાફીમાં પકડાઈ જાય છે, પરંતુ ડોક્ટરની ભૂલને કારણે એ પકડાયું નહીં. એથી તકલીફ એ થઈ કે જન્મ પછી બાળક દૂધ પીએ પછી સતત ઊલટી કરતું અને તેનું વજન બિલકુલ વધતું જ નહીં. એટલે તપાસ કરાવી ત્યારે ખબર પડી. એક મહિનાના બાળકનું ઑપરેશન થયું અને એ ઑપરેશન પછી પણ એકદમ ઠીક થવા માટે તેનાં બીજાં ત્રણેક ઑપરેશન થયાં. જન્મ પહેલાંથી જ મૂત્રાશયમાં જે ખામી હતી અને એ જન્મ પછી પણ એક મહિનો રહી એને લીધે તેની કિડની પહેલેથી જ ડેમેજ્ડ હતી. એ ડેમેજ્ડ કિડની ઉંમર વધવાની સાથે વધુ ને વધુ ડેમેજ થતી ચાલી. લગભગ દોઢ વર્ષ તે ડાયાલિસિસ પર રહ્યો. ત્યાર પછી પણ પ્રોબ્લેમ એ હતો કે તેનો ગ્રોથ જ અટકી ગયો હતો. ડોક્ટરે સજેસ્ટ કર્યું કે બાળકને કિડની-ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. પહેલાં તો છોકરાના દાદા કિડની દેવા તૈયાર હતા, પરંતુ તેમની ઉંમર અને અમુક ઉંમરલાયક રોગોને લીધે ડોક્ટરે ના પાડી. છોકરાની મમ્મી અને પિતાએ નિર્ણય લીધો કે મમ્મી પોતે જ કિડની આપશે. જોકે તકલીફ એ પડી કે મમ્મી અને દિકરાનું બ્લડ-ગ્રુપ અલગ-અલગ હતું, પરંતુ ડોક્ટરે બાંહેધરી આપી કે બ્લડ-ગ્રુપ અલગ હોવા છતાં ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે અને એમાં કોઈ તકલીફ પડશે નહીં. ૨૦૧૪માં કેદારનું ટ્રાન્સપ્લાન્ટ થયું અને આજે છોકરો સ્કૂલ જાય છે, ડ્રામા શીખે છે અને લગભગ નોર્મલ કહી શકાય એવી લાઇફ જીવે છે. ભાગ્યે જ લોકો જાણે છે કે ડોનર અને દરદી બન્નેનું બ્લડ-ગ્રુપ અલગ હોય તો પણ કિડની ડોનેટ થઈ શકે છે. કેદારના કિસ્સામાં એવું જ બન્યું હતું. આજે જાણીએ એ કઈ રીતે શક્ય છે.

સૌપ્રથમ સમજીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિની કિડની ફેલ થાય અને તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે ત્યારે બે પ્રકારે તેનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને છે. કોઈ મૃત વ્યક્તિ તેને કિડની ડોનેટ કરે ત્યારે અથવા તો એ વ્યક્તિનાં સગાંસંબંધીમાંથી કોઈ જીવિત વ્યક્તિ તેને કિડની આપે ત્યારે. કોઈ પણ કિડની મળે ત્યારે એને મેચ કરવાની પણ એક પ્રક્રિયા છે, જેમાં મુખ્યત્વે બે પરિબળો જોવામાં આવે છે. નર્મદા કિડની ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને ગ્લોબલ હોસ્પિટલ, પરેલના નેફ્રોલોજિસ્ટ ડોકટર કહે છે, એક છે ટિશ્યુ-મેચિંગ. એક જ મા-બાપનાં સંતાનોમાં ટિશ્યુ મેચ થવાની શક્યતા વધુ રહે છે. એટલે કે દરદીને પોતાનાં ભાઈ-બહેનની કિડની મળે તો એ મેચ થવાની શક્યતા વધુ રહે છે. એમાં પણ જો જોવા જઈએ તો પચીસ ટકા ભાઈ-બહેનોના ટિશ્યુ ૧૦૦ ટકા મેચ થતા હોય છે, જ્યારે પચાસ ટકા ભાઈ-બહેનોના ટિશ્યુ મેચ થવાની શક્યતા પચાસ ટકા જ રહેલી છે. બાકીના બચેલા પચીસ ટકા ભાઈ-બહેનોના ટિશ્યુ બિલકુલ મેચ થતા નથી. આમ એવું જરૂરી નથી કે ભાઈ-બહેન હોય તો ટિશ્યુ મેચ થાય જ. ટિશ્યુ મેચ થવાનો ફાયદો એ છે કે ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ ઘણું સારું આવે છે, પરંતુ જો ટિશ્યુ મેચ ન થાય તો પણ ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે જેમાં ટ્રાન્સપ્લાન્ટ પછી ઇમ્યુનોસપ્રેશન્ટ દવાઓ આપવામાં આવે છે. એથી ઇન્ફેક્શનનું રિસ્ક ઘટી જાય છે. જોકે ક્યારેક કોઈ કેસમાં એવું બને કે ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ ન જાય, પણ એ શક્યતા તો કોઈ પણ કેસમાં રહેલી છે જ.

Loading...