વઢવાણ પાસે રીક્ષા કેનાલમાં ખાબકી: ચારને બચાયા, એક હજુ લાપતા

35

ખેરાળી, માળોદ રોડ પરની ઘટના: રીક્ષાનું ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવ્યો અને રીક્ષા કેનાલમાં ગરક થઇ

સુરેન્દ્રનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણ તાલુકાના ખેરાળી-માળોદ રોડ પર રીક્ષાનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા પલટી મારી કેનાલમાં ખાબકતાં દોડધામ મચી જવા પામી હતી.

વઢવાણ તાલુકાના ખેરાળી-માળોદ રોડ પર પેસેન્જરો ભરી જઈ રહેલ સીએનજી રીક્ષાનું અચાનક ટાયર ફાટતાં રીક્ષાચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં રીક્ષા અંદાજે પાંચ પેસેન્જરો સહિત ત્યાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં ખાબકી હતી જે અંગેની જાણ આસપાસથી પસાર થતાં લોકો સહિત વાહનચાલકોને થતાં બચાવ કામગીરી હાથધરી હતી અને આ અંગે સ્થાનિક તંત્ર સહિત પાલિકાની ફાયર ફાયટર ટીમ તેમજ પોલીસને પણ જાણ કરી હતી આથી ગ્રામજનો સહિત ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કેનાલમાંથી રીક્ષા સહિત ચાર વ્યક્તિને સહિ સલામત બચાવી લેવામાં આવ્યાં હતાં. જ્યારે એક મહિલાની સવાર સુધી શોધખોળ હાથધરવામાં આવી હતી પરંતુ કોઈ જ પત્તો લાગ્યો નહોતો ત્યારે પ્રાથમિક તપાસમાં રીક્ષામાં સવાર લોકો દર્શનાર્થે જઈ રહ્યાં હોવાનું બહાર આવ્યું હતું.

Loading...