Abtak Media Google News

જામનગર મહાનગરપાલિકા દ્વારા કેટલીક વિચિત્ર શરતો અને શંકાસ્પદ પ્રક્રિયાના કારણે હોર્ડીંગ્સ-કિયોસ્કમાં કોઈ રસ લેતું નહીં હોવાથી કરોડોની વાર્ષિક  ખોટ જાય છે, તો બીજી તરફ દર્શન પબ્લિસિટી સાથે થયેલા કરારમાં પાછળથી એક શબ્દમાં સુધારો કરતા પાર્ટીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મહેતા પબ્લિસિટીના લાખો રૂપિયા વસૂલવાના  બાકી હોવાથી તેને બ્લેકલીસ્ટ કરવાનો મામલો પણ ચર્ચાસ્પદ બન્યો છે.

જામનગર મહાપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી હોર્ડીંગ્સ અને કિયોસ્ક બોર્ડ માટે બહાર પાડવામાં આવતા ટેન્ડરોમાં યોગ્ય મુદ્દાઓને અભાવે આ ટેન્ડરોમાં જાણે જામનગરની કોઈપણ પાર્ટી રસ દાખવતી ના હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

થોડા સમય પૂર્વે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના ઝોન પાડી અને તેમાં હોર્ડીંગ્સ અને કિયોસ્ક બોર્ડ માટેના ટેન્ડરીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાંથી દર્શન પબ્લિસિટીને બે ઝોનના ટેન્ડરો લાગ્યા હતાં, પણ તેમાં પણ એક શબ્દ કરાર સમયે વધારી દેવામાં આવતા આ મામલો હાઈકોર્ટમાં છે.

અન્ય ત્રણ ઝોનમાં કોઈપણ પાર્ટીએ રસ ના દાખવતા રીટેન્ડર કરવાની ફરજ પડી હતી. બીજી વખત મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે માત્ર હોર્ડીંગ્સને લગત એક પાર્ટી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું જ્યારે કિયોસ્ક બોર્ડમાં કોઈ રસ ના દાખવતા મનપાના હાથ હેઠા પડી ગયા, જ્યારે પહેલી વખત બહાર પાડવામાં આવેલ ટેન્ડરમાં માત્ર એક શબ્દને લઈને મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળે છે.

બીજી તરફ જામનગર મહાનગરપાલિકાની તિજોરીઓ તળિયા ઝાટક છે. એવામાં અધુરામાં પૂરૃં હોય તેમ મનપાની શરતો હોર્ડીંગ્સ અને કિયોસ્ક બોર્ડ ભાડે લેનાર પાર્ટીઓનું સંકલન કોઈ ’ચોક્કસ’ કારણને લઈને શક્ય બનતું નથી અને મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો તો બહાર પાડવામાં આવે છે, પરંતુ વારંવાર રીટેન્ડર કરવા બાબતને લઈને હોર્ડીંગ્સ બોર્ડ અને કિયોસ્કને લઈને મનપાને વાર્ષિક  કરોડો રૂપિયાની રકમ ગુમાવવાનો વારો આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

જામનગર શહેરમાં અગાઉ હોર્ડીંગ્સનું ટેન્ડર રાખનાર મહેતા પબ્લિસિટી પાસે હોર્ડીંગ્સ અને કિયોસ્ક બોર્ડના ભાડા અને પેનલ્ટી પેટેની રૂપિયા ૩૧ લાખની વસૂલાત અંદાજે દોઢ વર્ષથી બાકી ચાલી આવે છે પણ સામાનય અરજદારો પર શૂરવીર બનતી મહાનગરપાલિકાને આ રકમ વસૂલવામાં કોની શરમ નડે છે. મહેતા પબ્લિસિટીને બ્લેકલીસ્ટ કરવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટેન્ડીંગ કમિટીને દરખાસ્ત પણ મોકલવામાં આવી હતી. જે પછી કમિટી એ મામલે લીગલ અભિપ્રાય માંગ્યો હતો અને હવે જ્યારે સ્ટેન્ડીંગ કમિટીનો ઠરાવ થયા પછી મહેતા પબ્લિસિટીને બ્લેકલીસ્ટ કરી અને તેની પાસેથી રૂપિયા ૭૬ લાખની રકમ વસૂલાત કરાશે? તેવો સવાલ પણ ઊઠી રહ્યો છે.

મનપાએ કરાર થયા પછી હોર્ડીંગ્સમાંથી યુનીપોલ કરી નાખતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે કારણ કે જે પાર્ટીને ટેન્ડર ઈસ્યુ કરવામાં આવ્યું તેને જે તે સમયે ’હોર્ડીંગ્સ’ એવા નામથી ટેન્ડર બહાર પાડવામાં આવતા પાર્ટીએ ટેન્ડર ભર્યું હતું, પણ જેવી તેની સાથે કરાર કરવાની વાત આવી ત્યારે મનપા દ્વારા જે જગ્યા પર ’હોર્ડીંગ્સ’ કોમ્પ્યુટરાઈઝડ ટાઈપ કરેલ હતું, તેને બદલે ત્યાં બોલપેનથી સુધારો કરી અને ’યુનીપોલ’ કરી નાખવામાં આવતા જે પાર્ટીને આ ટેન્ડર લાગ્યું  હતું તે પાર્ટી દર્શન પબ્લિસિટી દ્વારા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ભૂલ અંગે પોતાને થતી નુક્સાની બાબત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

આથી આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને ’સીધે રસ્તે કી થયે ટેઢી ચાલ હૈ, ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ’ જેવા કટાક્ષો સંભળાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.