Abtak Media Google News

દિવાળી પૂર્વે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી મગફળીનાં પાકને નુકસાનની ભીતિ

જુનાગઢ, ભાવનગર, અમરેલી, દીવ અને સુરતમાં આજે વરસાદી માવઠુ પડયું હતું. છેલ્લા બે દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર સહિતનાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. અંતે આજે બપોરનાં સમયે અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પડયા હોવાનાં અહેવાલો મળી રહ્યા છે. આ વરસાદથી અનેક સ્થળોએ રોડ-રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા હતા. જોકે કયાંય પણ વધુ વરસાદ નોંધાયો નથી.

અરબી સમુદ્રમાં સક્રિય લો-પ્રેશર સિસ્ટમનાં કારણે ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર, કચ્છ અને દ્વારકામાં વરસાદ પડવાની શકયતાઓ દેખાઈ રહી છે. છેલ્લા બે થી ત્રણ દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ દરમિયાન દીવમાં આજે સવારે ધીમીધારે વરસાદ પડયો હતો જેનાં કારણે રોડ-રસ્તા પાણી-પાણી થઈ ગયા હતા. આ ઉપરાંત બપોરનાં સમયે જુનાગઢ, કેશોદ, અમરેલી, સાવરકુંડલા, ભાવનગર, મહુવા, તળાજા સહિતનાં અનેકવિધ સ્થળોએ વરસાદી ઝાપટા પડયા હતા. આ વરસાદી ઝાપટાનાં કારણે તમામ સ્થળોએ ઠંડક પ્રસરી ગઈ હતી જોકે વરસાદનાં કારણે ખેડુતોની મહેનત પર પાણી ફરીવળ્યું હોવાનાં પણ અહેવાલો મળી રહ્યા છે.

વરસાદનાં કારણે મગફળીનાં પાત્રાઓ પલળી જવા પામ્યા છે. આ ઉપરાંત માવઠાથી ઉપાડેલી મગફળીનાં પાકને નુકસાન થાય તેવી ખેડુતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ ખેડુતો શિયાળુ પાકની તૈયારીમાં લાગેલા છે ત્યારે મગફળીનાં ઉપાડેલા પાકને નુકસાન જાય તેની ચિંતામાં ખેડુતો ડુબ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચોમાસુ ખેડુતો માટે ભારે રહ્યું છે. અતિવૃષ્ટિનાં કારણે ખેડુતોને અગાઉથી જ ભારે નુકસાન સહન કરવું પડયું છે ત્યારે અનેક પંથકોમાં માવઠાએ પણ નુકસાનમાં વધારો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.