Abtak Media Google News

પાર્કિંગ માટેનાં અનામત પ્લોટમાં મહાપાલિકાએ હોકર્સ ઝોન બનાવવાનું કામ શરૂ કરતાં લતાવાસીઓમાં ભારે રોષ: પ્લોટમાં રાતોરાત વૃક્ષારોપણ કરી દીધું: વિજિલન્સ પોલીસ દોડી

શહેરનાં વોર્ડ નં.10માં જે.કે.ચોક પાસે આવેલા એક પ્લોટમાં કોર્પોરેશન દ્વારા હોકર્સ ઝોન બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિક લતાવાસીઓમાં ભારે વિરોધ વંટોળ ફાટી નિકળ્યો છે. રોષે ભરાયેલા લતાવાસીઓએ પ્લોટમાં રાતોરાત વૃક્ષારોપણ કરી દીધું હતું. આજે સવારે 200 થી 250 લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. પરીણામે કોર્પોરેશને હાલ હોકર્સ ઝોન બનાવવાનું કામ અટકાવી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાઈકોર્ટનાં આદેશ પ્રમાણે એક પણ રાજમાર્ગ પર હોકર્સ ઝોન બનાવવાની છુટછાટ આપવામાં આવતી નથી. શહેરનાં વોર્ડ નં.10માં આવેલા શહિદ ભગતસિંહ ગાર્ડન નજીકનાં હોકર્સ ઝોનનું જે.કે.ચોક પાછળ પાર્કિંગ હેતુનાં અનામત પ્લોટમાં સ્થળાંતર કરવા માટે કોર્પોરેશન દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે. આ પ્લોટનું લેવલીંગ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હોકર્સ ઝોન શરૂ થાય તે પૂર્વે જ સ્થાનિક લતાવાસીઓમાં ભારે વિરોધ વંટોળ ફાટી નિકળ્યો છે. પાર્કિંગ હેતુનાં આ પ્લોટમાં ગાર્ડન બનાવવામાં આવે તેવી માંગણી લતાવાસીઓ દ્વારા કરવામાં આવી છે. આજે સવારે કોંગ્રેસનાં કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાની આગેવાનીમાં 200 થી 250 લોકોનું ટોળું અહીં પ્લોટ પર એકત્ર થઈ ગયું હતું અને હોકર્સ ઝોન સામે વ્યાપક વિરોધ દર્શાવ્યો હતો. લતાવાસીઓ દ્વારા અહીં રાતોરાત વૃક્ષારોપણ કરી દેવામાં આવ્યું હોવાની જાણ થતાં સવારે વોર્ડનાં ડેપ્યુટી ઈજનેર અને બાંધકામ શાખાનાં અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રોપા તથા છોડવા કાઢી નાખવાની તજવીજ શરૂ કરતાં લતાવાસીઓ વધુ ઉગ્ર બન્યા હતા. મામલો વધુ બિચકે તે પહેલા કોર્પોરેશનની વિજિલન્સ શાખા ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ પુરતું કોર્પોરેશન દ્વારા આ પ્લોટ પર હોકર્સ ઝોન બનાવવાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોર્પોરેશનનાં અધિકારીઓ એવો દાવો કરી રહ્યા છે કે આ પ્લોટ પાઘડી પન્નાનો હોવાનાં કારણે અહીં કશું થઈ શકે તેમ નથી અને આ પ્લોટ વેચી શકાય તેમ નથી. આવામાં શહિદ ભગતસિંહ ગાર્ડન પાસેનાં હોકર્સ ઝોનનાં કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય હોકર્સ ઝોનનું સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્લોટમાં હોકર્સ ઝોનનું સ્થળાંતર કરવામાં આવનાર છે ત્યાં આજુબાજુ એકપણ રહેણાંક વિસ્તાર નથી. ફલેટ આવેલા છે તેનાથી આ પ્લોટ ઘણો દુર છે છતાં લતાવાસીઓ વિરોધ કરી રહ્યા છે.

બીજી તરફ લતાવાસીઓનું એવું માનવું છે કે, અહીં રહેણાંક વિસ્તારમાં જો હોકર્સ ઝોન બનાવવામાં આવશે તો અનેક ન્યુસન્સ ઉભા થશે જો કોર્પોરેશન આ પ્લોટમાં ગાર્ડન બનાવે તો તેનો તમામ ખર્ચ ઉપાડવા અને મેન્ટનન્સની જવાબદારી પણ ઉપાડવા માટે સ્થાનિકો તૈયાર છે પરંતુ અહીં હોકર્સ ઝોન બનાવવામાં ન આવે. એક તરફ મહાપાલિકાએ હોકર્સ ઝોનનાં સ્થળાંતર માટેની કાર્યવાહી શરૂ કરી છે તો બીજી તરફ હોકર્સ ઝોનનાં કારણે ઉભા થતા ન્યુસન્સની લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.