Abtak Media Google News

હનુમાન મઢી ચોકમાં બોલાવી આઠ શખ્સો બોલેરોમાં યુનિવર્સિટી રોડ પર લઇ જઇ માર માર્યો

શહેરના રૈયા રોડ પર આવેલા જીવનગરના યુવાને મહિલાના મોબાઇલમાં મેસેજ કરતો હોવાની શંકા સાથે હનુમાન મઢી ચોકમાંથી બોલેરોમાં આઠ જેટલા શખ્સોએ અપહરણ કરી બેફામ માર મારી યુનિવર્સિટી રોડ પર છોડી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદનોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત મુજબ જીવનનગર શેરી ૩-૭ના ખૂણે રહેતા અને સ્ટાર પ્લાઝામાં મોબાઇલ સીમ કાર્ડનો વ્યવસાય કરતા ધર્મેશ પ્રવિણભાઇ પરમાર નામના ૪૦ વર્ષના યુવાનનું હનુમાન મઢી ચોકમાંથી વિમલનગરના દેવુભા ગોહિલ સહિતના આઠેક શખ્સોએ જી.જે.૩કેસી. ૨૮૧ નંબરની બોલેરોમાં અપહરણ કરી યુનિવર્સિટી રોડ પર લઇ જઇ ઢોર માર માર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ગઇકાલે સાંજે ધર્મેશ પરમાર પોતાના ઘરે હતો ત્યારે દેવુભા ગોહિલ નામની વ્યક્તિનો તેના મોબાઇલમાં વાત કરી તું કેમ મહિલાઓના મોબાઇલમાં મેસેજ મોકલે છે કહી હનુમાન મઢી ચોકમાં મળવા માટે બોલાવ્યો હતો.

ધર્મેશ પરમાર હનુમાન મઢી ચોકમાં જતાં દેવુભા ગોહિલ સહિતના શખ્સોએ માર મારી જી.જે.૩કેસી. ૨૮૧ નંબરની બોલેરોમાં બેસાડી દીધો હતો. બોલેરોમાં પણ લાકડીથી માર મારી મહિલાના મોબાઇલમાં મેસેજ મોકલે છે તેમ કહી યુનિવર્સિટી રોડ લઇ ગયા હતા ત્યાં વધુ માર મારી જે.કે.ચોક નજીક મુકી ભાગી ગયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા ધર્મેશ પરમારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ગાંધીગ્રામ પી.આઇ. એચ.આર.ભાટુ અને રાઇટર ભાનુભાઇ મિયાત્રા સહિતના સ્ટાફે દેવુભા ગોહિલ સહિતના શખ્સોની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.