Abtak Media Google News

ગુરૂદેવના શ્રીમુખેથી ત્રણ નૂતન દિક્ષિત મહાસતીજીઓને વડી દિક્ષાના દાન દેવાયાં

હે પ્રભુ! તેં જે કર્યું તે હું કરી શકું અને તારા સમાન બની શકું તેવા ઉત્કૃષ્ટ ભાવ સાથે પંચ મહાવ્રતરૂપી ચરિત્ર ધર્મમાં હું પ્રતિષ્ઠિત થાઉં છું’ તેવી ભાવના સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ  મહારાજ સાહેબના શ્રીમુખેથી ગત સોમવારે, પરમાત્મા મહાવીર દ્વારા દર્શાવેલા પાંચ ચારિત્રમાંથી સામાયિક ચારિત્ર અંગિકાર કરનારા પૂજ્ય પરમ નમસ્વીજી મહાસતીજી, પૂજ્ય પરમ સહ્જતાજી મહાસતીજી અને પૂજ્ય પરમ આત્મિયતાજી મહાસતીજીને ગ્રહણ કર્યા બાદ, છેદોપસ્થાનીય ચરિત્રમાં ઉપસ્થાપિત કરવા સ્વરૂપ વડી દીક્ષાથી પ્રતિબદ્ધ કરવામાં આવેલ.

જૈન દર્શનમાં સમગ્ર સંસારનો ત્યાગ કરનાર આત્માને સામાયિક ચારિત્ર ધર્મમાં સ્થાપિત કરવા સ્વરૂપ દીક્ષાના દાન આપ્યા બાદ છ મહિનાના  નવદીક્ષિત કાળ દરમિયાન પાંચ મહાવ્રતો સ્વરૂપ છેદોસ્થાપનિય ચરિત્રથી પ્રતિબધ્ધ  કરાવીને સંયમ  ધર્મમાં સ્થિર કરવાની વિધિ દર્શાવેલ છે.

જૈન દર્શનના આ સિદ્ધાંતને અનુસરીને, ગત સોમવારેપરમ ગુરૂદેવના શ્રીમુખેથી દીક્ષિત થયેલ ત્રણ નૂતન દીક્ષિત મહાસતીજીઓને વડીદીક્ષા અર્પણ કરવાના આ અવસરે સમસ્ત કોલકાતા સ્થાનકવાસી જૈન સંઘો, તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોની સાક્ષીએ હાવડા સ્થિત કાંકરીયા પરિવારની અંબિકા જ્યૂટ મીલ્સ ખાતે ગંગાનદીના કિનારે સંયમ ધર્મમાં પ્રસ્થાપિત ઉપસ્થાપિત  કરવામાં આવ્યા હતા.

આ અવસરે પરમ ગુરુદેવે વડીદીક્ષાની સમજ આપતા કહ્યું કે, જેવી રીતે કોઈ કંપની કે મિલિટરીમાં જોડાવા માટે તેના નીતિ-નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે, એવી જ રીતે જિનશાસનમાં સંયમી રૂપી યોદ્ધા તરીકે જોડાવા માટે તેના દરેક વિધિ-વિધાનની પ્રતિજ્ઞા ગ્રહણ કરવી પડે છે. જિનશાસન તે સામાન્ય શાસન નથી પરંતુ પ્રભુએ દર્શાવેલા નીતિ-નિયમો પર ચાલી રહ્યું છે. જેમ કોઇ બાળક પોતાના પિતાના પગલે પગ મૂકી ચાલવાનો પ્રયત્ન કરતો હોય એમ પ્રભુના ચરણ સાથે પોતાના ચરણ મેળવવાનો પ્રયત્ન જિનશાસનનો દરેક સેનાની કરતો હોય છે. જિનશાસનનો શ્રેષ્ઠ સિદ્ધાંત એ જીવોની જતના હોય છે અને જે જીવ તે જાણે છે તે જ જતનાનું જીવન જીવી જાણે છે.

Photo 2019 11 24 19 33 29 7

પરમ ગુરુદેવે ફરમાવેલી આ અનન્ય સમજણના ભાવ સાથે જ, નૂતન દીક્ષિત મહાસતીજીઓને પંચમહાવ્રતોની આરોપણાં સ્વરૂપ છેદોપસ્થાનીય ચારિત્રમાં સ્થાપિત-ઉપસ્થાપિત કરવાની વિધિ કરવામાં આવતા નૂતનદીક્ષિત મહાસતીજીઓ  પંચ મહાવ્રતધારી સાધ્વી રૂપે સંયમ ધર્મમાં સ્થાપિત થયેલ.

અવંતિભાઈ કાંકરીયા પરિવાર દ્વારા આ અવસરે નૂતન દીક્ષિત મહાસતીજીઓના કરકમલમાં આગમપોથી અર્પણ કરવામાં આવી હતી અને પૂજ્ય નવદીક્ષિત મહાસતીજીઓએ  પરમ ગુરુદેવના કરકમલમાં વડીદીક્ષાની યાચના ભાવ સાથે આગમપોથી અર્પણ કરી હતી.

પૂજય નવદીક્ષિત મહાસતીજીઓને શાલ અર્પણ કરીને  એમના સંયમ ધર્મમાં પ્રવેશ વધામણા કરવાનો લાભ અનેક ભાવિકોએ આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરીને,એક વર્ષ સુધી રાત્રિ ભોજનનો ત્યાગ કરીને તેમજ, દિવસમાં આઠ કોલથી વધારે કોલ ન કરવાના ત્યાગ સાથે પ્રતિજ્ઞા લેતા મહાત્યાગીઓનું સન્માન ત્યાગથી કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.