Abtak Media Google News

ગુજરાત સહિતના રાજ્યોમાં અનેક સ્થાનિક પરિબળોના અતિ પ્રભાવી સમીકરણો હોવા છતાં મતદારોએ એક માત્ર નરેન્દ્ર મોદીને ધ્યાને રાખીને ભાજપ તરફી મતદાન કર્યું

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં યોજાયેલી ૧૭મી લોકસભાની ચૂંટણી આ વખતે અનેક રીતે વિશિષ્ટ બની રહી હતી રાજકીય પક્ષો વચ્ચે ગળાકાપ સ્પર્ધા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઇપણ રીતે બીજી ટર્મ માટે સત્તા ઉપર આવતા અટકાવવા માટે ડાબેરી જૂથોના જે છેલ્લા ચાર વર્ષથી થઈ રહેલા પ્રયાસોની ચરમસીમા ચૂંટણીજંગમાં નજરે ચઢી હતી તે જોતા આ વખતે પરિણામ કંઈક અલગ અને અઘરા આવે તેવા નિષ્કર્ષો અને ચર્ચા વચ્ચે ભાજપના જ કેટલાક રાજકીય પંડિતો પણ વર્તમાન સમયમાં ભાજપ માટે જનાધાર માટે કપરાં ચઢાણ હોવાના મતો ચર્ચાઓમાં વ્યક્ત કરતા થઈ ગયા હતા.

ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિવસથી લઈને સાત તબક્કાના  મતદાન દરમિયાન દેશના રાજકીય મંચ પર એક તરફ રામ અને એક તરફ આખુ ગામની જેમ ભાજપ સિવાયના તમામ રાજકીય પક્ષો જેમાં કેટલાક ભાજપના સમર્થનમાં રહેલા સંગ સમર્થિત પક્ષો પણ જાણે કે મધ્યવર્તી સ્થિતિમાં વંડી ઉપર બેઠા હોય તે રીતે ચૂંટણી પ્રચાર દરમિયાન અનેકવાર ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત ઈમેજને આડઅસર થાય તેવા દ્વીઅર્થી શબ્દોમાં નિવેદનો કરતા થઈ ગયા હતા ૨૦૧૯ની ચૂંટણીમાં પરિણામ કંઈક અલગ આવે તેવા વરતારા વચ્ચે ભાજપ અને એનડીએ માટે પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ઊભી થયેલી એન્ટિ ઈન્કમબેન્સી પરિસ્થિતિ અને જીએસટી નોટબંધી કહેવાથી બેકારી અને ભ્રષ્ટાચારના વિપક્ષના આક્ષેપોના વમળમાં ભાજપ અને એનડીએનું મોટાપાયે ધોવાણ થશે તેવા માહોલમાં શરૂ થયેલા ચૂંટણીના પ્રથમ તબક્કાથી સાતમા તબક્કા સુધી મતદારોએ સ્વયંભૂ રીતે ઉનાળાના આકરા તાપની વિષમ પરિસ્થિતિ છતાં જોશભેર મતદાન કરીને લોકતાંત્રિક શક્તિને વધુ બળવત્તર બનાવી હતી.

મતદાનની ઊંચી ટકાવારી પણ રાજકીય પંડિતો ભાજપ માટે સંદેશની સ્થિતિ તરીકે વર્ણવતા હતા. ગત લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી કરતાં આવખતે ઘણી શક્તિઓ ભાજપ અને નરેન્દ્ર મોદી સામે કામે લાગી હોય તેમ ચર્ચાતું હતું બીજી તરફ ભાજપના મુખ્ય હરીફ અને સરકારના પાંચ વર્ષના ગાળા દરમિયાન રહેલી વહીવટી ભૂલચૂક ને રાજકીય મુદ્દા બનાવીને કોઈપણ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા રીન્યુ કરવા માટે રોકવા માટે પ્રયત્નો જ નહીં પરંતુ જબર જન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં મમતા બેનર્જી માયાવતી અખિલેશ યાદવ અને કેટલાક હોડી પર બેઠેલા રાજકીય નેતાઓ પણ ભાજપ સામે અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સામે કોઇ કસર બાકી ન રહે તે માટે ખૂબ જ મહેનત માં લાગી ગયા હતા. કોંગ્રેસે રાહુલ ગાંધીની અધૂરપને પૂરી કરવા માટે છેલ્લી ઘડીએ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતાર્યા કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખેડૂત લક્ષી યોજના અને ખાસ કરીને ખેડૂતોને વર્ષે ૬ હજાર રૂપિયા રોકડ સહાયની જાહેરાત સામે રાહુલ ગાંધીએ દેશના અતિ ગરીબ પરિવારોને વર્ષે ૭૨ હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી ત્યારે રાહુલ ગાંધીની આ જાહેરાતને ભાજપ સામે માસ્ટર સ્ટોક તરીકે ગણાવાઇ હતી મોંઘવારી બેકારી અને આર્થિક સંકડામણના આ સમયમાં ઘરબેઠે કાંઈ પણ જાતની મહેનત કર્યા વગર ખાતામાં સીધા ૭૨ હજાર રૃપિયા જેવી માતબર રકમ આવી જાય તે કોને ન ગમે? રાહુલ ગાંધીની આ જાહેરાત ચૂંટણી માટે ગેમ ચેન્જર બને તેવું ચર્ચામાં આવ્યું હતું.

અલબત્ત ગઈકાલે પરિણામો જાહેર થતાં જ લોકતંત્રનું જે ચિત્ર સ્પષ્ટ થયું છે તેમાં દેશભરના મતદારોએ માત્ર ને માત્ર દેશના સુરક્ષિત ભવિષ્ય અને નરેન્દ્ર મોદીના વિકાસ વિઝનને પોતાના ગણીને મતદાન કર્યું હોવાનું બહાર આવ્યું છે ગુજરાત સહિત દેશના એવા ઘણા રાજ્યો છે કે જ્યાં અનેક સ્થાનિક પરીબળોના અતિ પ્રભાવી સમીકરણો છતાં મતદારો એક માત્ર નરેન્દ્ર મોદીને ધ્યાને રાખીને જ ભાજપ તરફી મતદાન કર્યું હોય તેવું પરિણામ આવ્યું છે નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કરેલા પ્રથમ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે દેશવાસીઓએ આ ફકીર ની જોલી ભરી દીધી છે હવે મારી જવાબદારીઓ વધી છે અને હું આ જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવીશ તેમણે ત્રણ સંકલ્પ લીધા હતા જેમાં જણાવ્યું હતું કે હું કોઈપણ પ્રકારના અનિષ્ટ કોઈ કામ નહીં કરું, મારા માટે કંઈ નહીં કરું, અને મારા જીવનના પળે પળ અને શરીર ના કણ કણ ને હું રાષ્ટ્ર સેવામાં જ સમર્પિત કરી દઈશ, નરેન્દ્ર મોદીના આ ત્રણ સંકલ્પ ની સિદ્ધિ સિવાય દેશવાસીઓને બીજું શું ખપે? ગઇ કાલે જાહેર થયેલા પરિણામમાં દેશવાસીઓએ નાતજાત ધર્મ અને પક્ષના ભેદભાવ ભૂલીને એકમાત્ર નરેન્દ્ર ભાઈ મોદીના વિઝન વિકાસને ધ્યાને લઇને મતદાન કર્યું હોવાનું સ્પષ્ટ થયું છે.

નરેન્દ્રભાઈ મોદીએ પણ ગઇકાલના વિજયને ભારતના એ લોકોનો વિજય ગણાવ્યો હતો કે જે દાયકાઓથી પોતાની બહેન-દીકરીઓને ખુલ્લામાં શૌચક્રિયા જવા માટે મજબૂર થતા હતા અને હવે તેમને ઈજ્જત ઘર મળ્યું છે, વિજય ને એવા ગરીબ દર્દીઓનો વિજય ગણાવ્યો હતો કે જે ભૂતકાળમાં યોગ્ય નાણાકીય વ્યવસ્થાના અભાવે મૃત્યુ સુધી સરી પડતા હતા અને હવે સરકારની સહાયથી પૂરેપૂરી સારવાર કરાવી શકે છે, ગઈકાલનો વિજય એવા લોકોનો વિજય છે કે જે પોતાના શોમાં માટે જીવી શકે છે અને દેશની સુરક્ષા માટે પણ નિશ્ચિંત બન્યા છે.

વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ઉજળી તકો ઊભી કરનાર અને સપના જોનારાઓ નો વિજય ગણાવ્યો હતો, વડાપ્રધાને જણાવ્યું હતું કે હવે દેશમાંથી સેક્યુલર વાદને જાકારો મળી ચૂક્યો છે અને દેશમાં બે જ જાત રહી છે એક ગરીબ અને એક એવા લોકો જે ગરીબો ને ગરીબી રેખાથી ઉપર લાવીને સમૃદ્ધ બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે મારી ભાજપની સરકાર આ બન્ને જાતને મદદરૂપ થવાનો સંકલ્પ લઈને આવી છે મારે ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે અને ગરીબોને અમીર બનાવવા માટેના પ્રયત્નો કરનારાઓને મદદ કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પોને પણ મતદારોએ સહર્ષ આવકારીને રોકડી નાણાકીય સહાય અને તમામ પ્રકારના રાજકીય પ્રલોભનો ને ધ્યાને લીધા વગર જ વિકાસના વિઝન ધરાવતા ફકીર નરેન્દ્ર મોદીને દેશના સુકાની બનાવવાના એક માત્ર મુદ્રાલેખ સાથે જ મતદાન કર્યા હોવાનું થયું છે હવે દેશના આ ફકીરની જવાબદારી છે કે દેશના કરોડો લોકોના વિશ્વાસ ને કેવી રીતે ન્યાય આપવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.