Abtak Media Google News

જામનગર શહેરમાંથી એકત્ર થતાં કચરાનો નિકાલ કરવા સાથે તેમાંથી એનર્જીનું ઉત્પાદન  કરવાના ’વેસ્ટ ટુ એનર્જી’ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રૃપિયા નેવું કરોડના ખર્ચે ગાંધીનગર વિસ્તારમાં ૧૭ એકર જમીન પર વિરાટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

આ પ્રોજેક્ટ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ર૦.૩.૧૬ ના દિને ઓનલાઈન ટેન્ડર બહાર પાડી ’એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ’ માંગવામાં આવેલ હતાં. જે અંતર્ગત બે પાર્ટીઓએ આ પ્રોજેક્ટમાં તેમની ઓફરો મોકલી હતી. આ બન્ને પાર્ટીઓએ પ.પ.૧૬ ના દિને જામનગર મહાનગરપાલિકા સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમાંથી એબેલોન ક્લીન એનર્જી લિમિટેડનું પ્રેઝન્ટેશન અને ઓફર માન્ય રાખવામાં આવ્યું હતું અને ર.૬.૧૬ ના દિને જનરલ બોર્ડના ઠરાવથી તા. ૩.૬.૧૬ ના દિને એબેલોનને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે.

એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને ર૦ વર્ષ સુધીનો કન્સેશન પીરિયડ આપવામાં આવ્યો છે. ગાંધીનગરના સ્મશાન પાછળની ૧૭ એકર જમીન પર આ પ્રોજેક્ટના પ્લાન્ટનું કામકાજ શરૃ થઈ ગયું છે. જેમાં હાલ સાઈટ પર બંકર તથા પ્રિ-પ્રોસેસીંગ યુનિટના બાંધકામની કામગીરી ચાલુ છે.

આ સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવા માટે અહીં બાર હજાર વૃક્ષોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. જેથી ૧૮ મહિનાના સમયગાળામાં આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે ત્યારે આ વૃક્ષો ઉછરીને મોટા થઈ ગયા હતાં અને સમગ્ર પ્લાન્ટનો વિસ્તાર વૃક્ષાદિત બની જશે.

આ પ્લાન્ટમાં દરરોજ અઢીસો ટન કચરાને પ્રોસેસ કરવાની ક્ષમતા હશે. જેમાંથી ૭.પ મેગાવોટ એનર્જીનું ઉત્પાદન થશે. ગુજરાત ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેશન કમિશન દ્વારા ઓર્ડર નં. ૪ (ર૦૧૬) દ્વારા જેનેરિક ટેરીફ નક્કી કરવામાં આવેલ છે. આ ઓર્ડર અંતર્ગત આરડીએફ આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માટેનો જેનેરિફ ટેરીફ ૭.૦૭ નક્કી કરવામાં આવ્યો છે. એબેલોન ક્લીન એનર્જી લિમિટેડ અને જીયુવીએનએલ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ મહત્ત્વાકાંક્ષી અને અતિ ઉપયોગી તેમજ પર્યાવરણનું જતન થાય તેવા પ્લાન્ટની ભેટ આગામી દોઢ વરસમાં જામનગરને મળશે અને આ પ્લાન્ટનું સ્થળ એક જોવાલાયક સ્થળ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.