જામનગર:જોડીયાના બોડકા ગામે મનરેગામાં ગેરરીતી આચરનાર ૩ ઈસમોને ફરજ મોકુફ કર્યા

91

 જોડીયાના બોડકા ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડુ ઉતારવાના કામમાં હાજરી પત્રક (મસ્ટર)માં ખોટી હાજરીઓ પુરાવીને ગેરરીતી આચરીને રૂ.૫૯૫૨૪/-ની ઉચાપત થયા અંગે જોડીયાના તત્કાલીન TDO અને પ્રોબેશ્નર નાયબ કલેક્ટર પ્રશાંત મંગુડાએ સમગ્ર તપાસ કરેલ અને આ તપાસનો અહેવાલ જીલ્લા વિકાસ  અધિકારી પ્રશસ્તિ પારીકને રજૂ કરતા, તાત્કાલીક ધોરણે આ ગેરરીતીમાં સંડોવાયેલા ત્રણ ઈસમોને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે.

બોડકા ગામે મેટ તરીકે કામગીરી કરતા સોલંકી સંજયભાઈ વિનુભાઈએ તેમના (૧) ભાભી ભાવનાબેન નરેશભાઈ સોલંકી, આશા વર્કર, PHC-પીઠડ (૨) પત્નિ વર્ષાબેન સંજયભાઈ સોલંકી, આંગણવાડી હેલ્પર- બોડકા (કોડ નં.૬૩) પાસે બોડકા ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડુ ઉતારવાના કામમાં ખોટી હાજરી પુરીને ગેરરીતી આચરેલ હતી. સરકારની વિવિધ કચેરીમાં માનદ વેતન ઉપર કામ કરતા હોવા છતા મનરેગાના કામમાં ખોટી હાજરી પુરીને, આ ઈસમોએ મહેનતાણા પેટે મેળવેલા રૂ.૫૯૫૨૪/-ના સરકારી નાણાની ઉચાપત કરેલ હતી.

આ વિગતો ધ્યાને લઈ (૧) બોડકા ગામે મેટ તરીકે હાજરી પુરનાર સોલંકી સંજયભાઈ વિનુભાઈ (૨) PHC-પીઠડમાં આશા વર્કર તરીકે કામ કરતા ભાવનાબેન નરેશભાઈ સોલંકી અને (૩) બોડકા ગામેઆંગણવાડી હેલ્પર તરીકે કામ કરતા વર્ષાબેન સંજયભાઈ સોલંકીને તાત્કાલીક અસરથી તેમની ફરજોમાંથી ફરજ મોકૂફ કરવાનો હુકમ કરવા માટે ડી.ડી.ઓ.એ લગત વિભાગોને સુચના આપતા આ ઈસમોને તેઓની ફરજમાંથી છુટા કરવામાં આવેલ છે. તેમજ ઉચાપત થયેલ રકમ રૂ.૫૯૫૨૪/- પુન: સરકારી તિજોરીમાં જમા કરાવેલ છે.

જીલ્લા વિકાસ અધિકારીએ ત્વરીત નિર્ણય અને આકરા પગલાથી સરકારી નાણાની ઉચાપત કરનારા અને ગેરરીતી કરનારાઓને અટકાવવા માટે દ્રષ્ટાંત આપેલ છે તેમ જિલ્લા વિકાસ અધિકારી જામનગરની એક યાદીમાં જણાવયું છે.

Loading...