Abtak Media Google News

અલગ અલગ ચાર્જીસમાં ૩૦ થી ૪૦૦ ટકા વધારો સુચાવાયો

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૮-૧૯નું વાર્ષિક બજેટ આજે સ્ટેનડીંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. તળિયાઝાટક તિજોરીને સક્ષમ બનાવવા માટે સંભાવનાઓ મુજબનું કર વધારાવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પ્રોપર્ટી ટેક્સથી માંડીને ભૂગર્ભ ગટર ચાર્જિસમાં તોતિંગ વધારો સુચવવામાં આવ્યો છે. ૩૦%થી માંડીને ૪૦૦% સુધીનો સેવાઓમાં કર વધારો દર્શાવાતા શહેરીજનો પર તોતિંગ આર્થિક ભારણ પડશે. જો કે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરાયેલ આ બજેટ જનરલ બોર્ડમાંથી પસાર થતાં સુચિત કરવેરાના માળખામાં ઘટાડો થઇ જશે એવી પણ જાણકારોએ સંભાવના વ્યક્ત કરી છે.

જામનગર મહાનગરપાલિકાની ૩૪ કિલોમીટર વાળી હદ ૧૨૮ કિલોમીટર થઇ જતાં મહાનગરપાલિકા આ વિસ્તારોને સુવિધા આપવામાં સતત પ્રયત્નશીલ છે ત્યારે ચાલુ વર્ષે મહાનગરપાલિકાની તિજોરી તળિયાજાટક થઇ થઇ હતી અને તંત્ર નાદારી તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજપત્રને આજે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. અગાઉથી વ્યક્ત કરવામાં આવેલી ધારણા મુજબ ચાલુ વર્ષે વોટરચાર્જિસથી માંડીને મિલકત વેરામાં તોતિંગ વધારો સુચવાયો છે. વધારાના કરની વાત કરવામાં આવે તો લઘુતમ મિલકતવેરામાં જુદા-જુદા પ્રમાણની મિલકતોમાં ૫૦%નો વધારો કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ સરચાર્જ (શિક્ષણ ઉપકર)માં પણ વિવિધ માળખા મુજબ ૨૫-૩૫ અને ૪૫ ટકાનો વધારો સુચવાયો છે.

જ્યારે ભૂગર્ભ ગટર નેટવર્કના કામ પૂર્ણ થઇ ગયા બાદ લઘુતમ નક્કી કરાયેલ દર રૂા.૨૪ની જગ્યાએ ૪૦૦ અને બિનરહેણાંક વિસ્તારમાં રૂા.૮૦૦ જેટલો અતિ તોતિંગ વધારો સુચવવામાં આવ્યો છે. જ્યારે ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જમાં રહેણાંક વિસ્તારમાં લેવામાં આવતા રૂા.૭૦૦ની જગ્યાએ ૧૦૦૦ અને નોનરેસિડેન્ટ વિસ્તારમાં વાર્ષિક રૂા.૧૨૦૦ના દરની જગ્યાએ રૂા.૧૫૦૦ વધારો સુચવાયો છે. વોટરચાર્જિસની વાત કરવામાં આવે તો, મીટર વગરના કેનક્શનો માટે હાલ રૂા.૯૦૦ની જગ્યાએ ૧૨૦૦, સ્લમ વિસ્તારમાં રૂા.૪૦૦ની જગ્યાએ ૬૦૦ રૂપિયાનો વેરો સુચવવામાં આવ્યો છે. બીજી તરફ કારખાના લાયસન્સ ફી માં પણ ૨૦%નો વધારો નક્કી કરાયો છે, તો સોલિડવેસ્ટ કલેક્શનના રહેણાંક વિસ્તારના રૂા.૧૦ની જગ્યાએ રૂા.૫૦ પ્રતિમાસ, બિનરહેણાંક વિસ્તારમાં પણ આ જ કરમાળખું તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં રૂા.૨૦ની જગ્યાએ રૂા.૧૦૦ વેરો નક્કી કરાયો છે.

અંદાજપત્રમાં રજૂ કરાયેલા જુદા-જુદા આવકના સોર્સ પૈકી રૂા.૬૬૬.૪૮ કરોડની સામે બંધપુરાંત એટલે કે, રૂા.૫૧.૪૩ કરોડનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. જેમાં મહેસુલી આવક રૂા.૨૫૦.૭૩ કરોડ અને મહેસુલી સિલક રૂા.૭૭૫ ઉમેરતા આ આંકડો રૂા.૨૫૮.૪૮ કરોડ થશે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે. રૂા.૨૪૫.૭૩ કરોડના અંદાજીત ખર્ચની સામે રૂા.૧૨.૭૫ કરોડની મહેસુલી બંધપુરાંત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.