ભાર વિનાના ભણતર બાદ હવે ‘ભય વિનાનું ક્યારે ?’ વીરપુરનું જલારામજી વિદ્યાલય અતિ જર્જરિત અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય

વિદ્યાર્થીઓને કોરોના કરતા શાળાની છત પડવાનો ડર વધુ સતાવે છે

સરકારે ‘ભાર વિનાના ભણતર’ પર તો ભાર મુક્યો છે અને પગલાઓ લીધા છે પણ ‘ભય વિનાનું ભણતર ક્યારે ?’ તેવી રાહ વિરપુરની જલારામજી વિદ્યાલયના  વિદ્યાર્થીઓ જોઈ રહ્યાં છે. શાળાનું બિલ્ડીંગ અતિ જર્જરીત હાલતમાં હોય વિદ્યાર્થીઓને કોરોના કરતા શાળાની છત પડવાનો ડર સતાવે છે. આ અંગે સરપંચ સહિત મુખ્યમંત્રીને અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં હજુ સુધી પગલા લેવાયા નથી.

કોરોના મહામારીને લઈને છેલ્લા ૧૦ મહિનાથી સ્કૂલ-કોલેજો બંધ કરવામાં આવી હતી. ગઇકાલે સોમવારથી રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સ્કૂલ ખોલવામાં આવી છે. પરંતુ વીરપુર (જલારામ) ગામે આવેલી જલારામજી વિદ્યાલય જર્જરિત હાલતમાં હોવાથી ધો.૧૦ના વિદ્યાર્થીઓને ભણવામાં કોરોનાની નહીં પણ સ્કૂલ પડી જવાનો ડર સતાવી રહ્યો છે. શાળાના વર્ગખંડની છતમાંથી અનેકવાર ચાલુ વર્ગે મોટા મોટા પોપડા પડ્યાના બનાવ બન્યા છે. પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ વિદ્યાર્થીને ઈજા પહોંચી નથી.

સ્કૂલના આચાર્ય દ્વારા સાવચેતીના પગલારૂપે જર્જરિત વર્ગોમાં તાળા મારી દેવામાં આવ્યા છે. આ સ્કૂલમાં ધોરણ ૯ અને ૧૦નો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ઓછામાં ઓછા એક ધોરણ માટે બે વર્ગો તો જોઈએ જ. દસ વર્ગખંડ અભ્યાસ માટે, બે વર્ગખંડ કોમ્પ્યુટર ક્લાસ માટે અને એક લાયબ્રેરી માટે રાખવામાં આવ્યાં છે. જેની સામે શાળાની કમનસીબી એ છે કે હવે માત્ર એક જ વર્ગ ખંડ જ બેસવા લાયક રહ્યો છે. તેમાંય સ્કૂલનું બિલ્ડીંગ પડવાના ભય હેઠળ વિદ્યાર્થીઓને ભણવાનું. એટલે કે સરકાર ભાર વગરનું ભણતરના બંણગા ફૂંકે છે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે અહીં તો ભય હેઠળ ભણતર ચાલે છે.

જલારામજી વિદ્યાલયને રિપેરિંગની સરપંચથી મુખ્યમંત્રી સુધી શાળાના આચાર્ય વીડી નૈયાએ કરી છે. પરંતુ તેઓને રિપેરિંગના ઠાલા આશ્વાસનો જ મળ્યા છે. આ સ્કૂલ રિપેરિંગના બદલે જર્જરિત સ્કૂલમાં દસ માસ બાદ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. શાળામાં એક પણ મોટો વર્ગખંડ કે હોલ સલામત ન હોય માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભયના માહોલ વચ્ચે ભણતર શરૂ કર્યુ છે. કોરોના મહામારીને લઈને માત્ર ધોરણ ૧૦ વર્ગો ચાલુ કરવામાં આવ્યા છે. જો ભવિષ્યના સમયમાં વધુ ધોરણના વર્ગો ચાલુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ના છૂટકે સ્કૂલના ખુલ્લા ગ્રાઉન્ડમાં બેસીને અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થશે. વીરપુરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સરપંચ પણ આ સ્કૂલને સરકાર દ્વારા ફરીથી નવી બનાવી આપે તેવી માગ કરી રહ્યા છે.

Loading...