જૈન સમાજની લાગણી અને માંગણીનો વિજય: શેત્રુંજય પવર્તારોહણ સ્પર્ધા રદ્

મુખ્યમંત્રીનાં સંવેદનશીલ નિર્ણયથી જૈન સમાજમાં ખુશી: આ પ્રકારની સ્પર્ધાથી શેત્રુંજય ગિરીરાજનાં દરેક વંદનીય પગથિયાની આઘ્યાત્મિકતાને ઠેસ પહોંચશે તેવું જણાતા જૈન સમાજનાં ચારેય ફિરકાઓની ઉગ્ર રજુઆતથી લેવાયો નિર્ણય

જૈનોનાં પવિત્ર શેત્રુંજય પર્વત પર ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પર્વતારોહણ સ્પર્ધા યોજવામાં આવે છે. આ અંગે જૈનોનાં પવિત્ર સ્થળ પાલિતાણા ખાતે શેત્રુંજય પર્વત પર સ્પર્ધા યોજાવાથી તેની પવિત્રતા અને આઘ્યામિકતા જોખમાશે તેમ લાગતા જૈન સમાજે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ બાદ ગુજરાત સરકારે શેત્રુંજય પર્વત પરનો પર્વતારોહણ કાર્યક્રમ રદ કરતા જૈન સમાજમાં આનંદની લાગણી ફેલાઈ છે. ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનાં વિભાગ દ્વારા આ વર્ષે પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર પર્વતારોહણનો કાર્યક્રમ યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત બાદ ધીમે-ધીમે જૈન સમાજમાં વિરોધનો સુર ઉઠયો હતો. આ વિરોધ એટલે સુધી થયો કે આ પવિત્ર શેત્રુંજય પર્વત પર પર્વતારોહણને તાત્કાલિક અટકાવી દેવા વિનંતીભર્યો પત્ર તેમજ સોશિયલ મિડીયામાં પણ વિરોધ અંગેનો મેસેજ વાયરલ થયો હતો. આ ઉપરાંત જૈન સમાજનાં અગ્રણીઓ તેમજ સંઘોએ ઉચ્ચ કક્ષા સુધી રજુઆતો કરી હતી.

 

સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા મેસેજમાં એમ જણાવાયું હતું કે, આ સ્પર્ધાથી જૈનોનાં પવિત્ર પર્વત શેત્રુંજયની ગરિમા જોખમાશે. આ તીર્થસ્થાન કોઈ સ્પર્ધા કે સાધના માટે નથી. આ જાહેરાતથી પર્વતની પવિત્રતા પુરેપુરી જોખમમાં હોવાનું જણાતા સમસ્ત જૈન સમાજમાંથી ચારેકોરથી વિરોધ ઉઠયો હતો. આ મહાતીર્થનાં એક-એક પગથિયા પવિત્રતા ધરાવે છે. તેમજ એટલા જ વંદનીય પણ છે. જો આ પર્વત પર ચડવા-ઉતરવાની સ્પર્ધાઓ શ‚ થાય તો આ તીર્થ મનોરંજન અને સ્પર્ધાનું સ્થળ બની જાય જેથી તેની આઘ્યાત્મિકતા, ધાર્મિકતા નષ્ટ થાય. આવું થાય તે પહેલા જ આ જાહેરાતને પાછી ખેંચવા જૈન સમાજે એકી સાથે અવાજ ઉઠાવતા ગુજરાત સરકારે આ સ્પર્ધા રદ કરવાનો નિર્ણય લીધો છે. જો આ તીર્થ-સ્થાનક હરવા-ફરવાનું સ્થળ બને તો ત્યાં દરેક સમાજ આવે, ગમે તે આરોગે તે વ્યાજબી ન ગણાય. જો એક વર્ષ માટે પણ આ પર્વતારોહણ સ્પર્ધા યોજાત તો દર વર્ષે અહીં સ્પર્ધાનો સીલસીલો ચાલુ રહેત તેવું લાંબુ વિચારી જૈન સમાજનાં ચારેય ફિરકાએ યોગ્ય નિર્ણય લઈ આ સ્પર્ધા રદ કરવાનું નિરધારી ઉગ્ર રજુઆતો કરતા ઈ-મેઈલ મુખ્યમંત્રી તેમજ રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગનાં પ્રધાનને પત્ર લખી વિરોધ દર્શાવી આ જાહેરાત રદ કરવા રજુઆત કરેલ. જેથી મુખ્યમંત્રી જૈન સમાજની લાગણી અને માંગણીને ધ્યાને રાખી પર્વતારોહણ સ્પર્ધા રદ કરવાની જાહેરાત કરતા સમગ્ર જૈન સમાજમાં આનંદની લાગણી ફેલાઈ છે અને જૈન સમાજે મુખ્યમંત્રીનો આભાર પણ માની રહ્યો છે. આ પ્રકારની સ્પર્ધા રદ થતા હવે તીર્થની ગરિમા જળવાશે.

 

 

Loading...