Abtak Media Google News

એક પહેલ ઉપર ગ્રુપના સેવાભાવીઓએ અનુદાનની સરવાણી વહાવી: ભૂખથી કણસતી ગાયોની જઠરાગ્ની ઠારવાના પ્રેરણાદાયી આહવાનની ચોમેર પ્રશંસા

ન્યારા નજીક પડાવ નાખનાર કચ્છી હીજરતીઓની ૨૨૦૦થી વધુ ગાયોને ઘાસચારો વિતરણ કરવાનાં સેવાકાર્યમાં જોડાવા લોકોને જાહેર અપીલ

રાજકોટના ન્યારા નજીક કચ્છનાં માલધારીઓએ ૨૨૦૦થી વધુ ગાયો સાથે પડાવ નાખ્યો છે. આ ગાયો ભૂખથી કણસી રહી હોવાનું જાણવા મળતા જૈનમ ગ્રુપે દર રવિવારે બે ટ્રક જેટલો ઘાસચારો વિતરણ કરવાનું આયોજન કર્યું છે. જૈનમ ગ્રુપની આ પ્રેરણાદાયી પહેલની ચોમેર પ્રશંસા થઈ રહી છે.

કચ્છમાં ઓછો વરસાદ થયો હોવાથી જળસંકટ ઘેરૂ બન્યું છે. ત્યારે પશુપાલન કરતા માલધારીઓએ પોતાના પશુ સાથે રાજકોટ ખાતે હિજરત કરી હતી. રાજકોટમાં પોતાને તેમજ પશુઓને પૂરતુ અન્ન મળી રહેશે તેવી અપેક્ષા સાથે રાજકોટના આશરે આવેલા માલધારીઓને શરૂઆતનાં દિવસોમાં ભારે નિરાશા મળી હતી. ઘણી સેવાભાવી સંસ્થાઓ તેમજ વ્યકિતઓ દ્વારા પોતાની યથાશકિત પ્રમાણે અહી ગાયો માટે ઘાસચારો આપવામાં આવતો હતો.

પરંતુ ૨૨૦૦થી વધુ ગાયો હોવાથી અનુદાનમાં મળેલો ઘાસચારો પૂરતો થતો ન હતો. આ સમગ્ર ઘટનાની જાણ જૈનમ ગ્રુપને થતા તેઓએ આ કચ્છની ગાયોની વ્હારે જવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યુ છે.

જૈનમગ્રુપ નવરાત્રીનાં જાજરમાન આયોજન માટે પ્રખ્યાત છે. નવરાત્રીમાં મળેલા રોકડ પ્રોત્સાહનમાં જૈનમ ગ્રુપે ૧૦ ગણી રકમ ઉમેરીને કચ્છની ગાયો માટે ઘાસચારો ખરીદવાનું આયોજન કર્યું હતુ. પરંતુ અનુદાનની એક પહેલથી સેવાભાવી સભ્યોએ અનુદાનની સરવાણી વહાવી હતી અને જરૂર પડયે તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી બતાવી હતી. જેથી જૈનમ ગ્રુપે દર રવિવારે આ ગાયોને બે ટ્રક ઘાસ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે મુજબ આવતીકાલે સવારે જૈનમ ગ્રુપના સભ્યો ન્યારા નજીક માલધારીઓના મુકામે રૂબરૂ જઈને બે ટ્રક ઘાસચારાનું વિતરણ કરશે. આ સેવા કાર્યમાં જોડાવા જૈનમ ગ્રુપે લોકોને જાહેર અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.