Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત જૈનશાળાના આધુનિક સ્વરૂપ સમા લુક એન લર્ન જૈન જ્ઞાનધામે બાળકોનું જીવન બદલ્યું છે

ગહન ચિંતન અને મનન દ્વારા આત્મજ્ઞાનની ઊંચાઈઓને સર કરનારા ચાઈલ્ડ સાઈકોલોજીને બખુબી સમજનારા બાળકોના પ્યારા રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મ.સા.ની દીર્ધ દ્રષ્ટિએ ભાવિના એક સંસ્કારી અને સ્વસ્થ જૈન સમાજના નિમાર્ણ અર્થે જૈનશાળાના આધુનિક સ્વરૂપ સમુ સ્થપાએલું એક મેગા મિશન છે લુક એન લર્ન જૈન જ્ઞાનધામ.

1200 થી વધારે શાસન પ્રેમી ભાઈ-બહેનો 13000 થી વધારે બાળકોને દેશ-વિદેશના સેન્ટર્સમાં જ્યાં સંસ્કારોથી સિંચિત કરી રહ્યાં છે તેવા લુક એન લર્ન જૈનજ્ઞાનધામને ન માત્ર ભારતભરના જૈન સમાજ અને સંઘો તરફથી પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ વિદેશમાં પણ અનેક ક્ષેત્રોમાં લુક એન લર્ન સફળતાની આગેકૂચ કરી રહ્યાં છે.

Namramuni
Namramuni

આજના હાઈ ફાઈ યુગના મોડર્ન બાળકોને મોડર્ન સ્ટાઈલથી મોડર્ન ટેકનોલોજીના માધ્યમે બાળકોને ગમતી શૈલીમાં ડાન્સ, ડ્રામા, પીક્ચર્સ, પ્રોજેક્ટસ, મોડેલ્સ, એનીમેશન ફિલ્મસ, ગેમ્સ,ફલેક્સ, બેનર્સ, લાઈવ શો તેમજ ઓડિયો-વિડિયોના માધ્યમે ધર્મના પાયાના સિદ્ધાંતો સાચી સમજ અને સંસ્કારો આપીને ન માત્ર તેમના જીવનનું ઘડતર કરવામાં આવે છે પરંતુ તેની સાથે ભવિષ્યના એક સંસ્કારી અને સ્વસ્થ જૈન સમાજનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

માત્ર માહિતિ નહીં, માત્ર ગોખણીયા શબ્દો નહીં, પરંતુ ગમ્મત સાથે જ્ઞાન, શિસ્ત સાથે સંસ્કાર અને વિનય સાથે વ્યવહારનું શિક્ષણ આપી, દરેક સિદ્ધાંતને લોજીકલી સમજાવી બાળકોની જિજ્ઞાસા વૃત્તિનું સમાધાન આપતાં આપતાં તેમની આત્મધરામાં ભાવિના ભગવાનપણાના બીજનું આરોપણ અહીં રમતાં રમાડતાં કરવામાં આવી રહ્યું છે જેના પરિણામ સ્વરૂપ સેંકડો બાળકો માતા-પિતા અને વડિલો પ્રત્યે અત્યંત વિનયવાન બની રહ્યાં છે, સેંકડો બાળકો કંદમૂળ, હોટેલ્સ કે લારી ગલ્લાના ખોરાકને ત્યજી રહ્યાં છે, સેંકડો બાળકો આક્રમકતાથી અહિંસકતામાં પરિવર્તિત થઈ રહ્યાં છે, સેંકડો બાળકો વિનયવાન બનવાના કારણે સ્કુલનું સારું રિઞલ્ટ લાવતાં થઈ રહ્યાં છે, અનેક અનેક બાળકો દુર્ગુણોથી દૂર થઈને ગુણવાન બની રહ્યાં છે.

રાજકોટના શ્રી નેન્સીબેન શાહ લુક એન લર્ન પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં કહે છે કે, છેલ્લાં એક વર્ષથી લુક એન લર્નમાં જોડાએલી એમની પુત્રી રિવા ન માત્ર વડીલો પ્રત્યે વિનયી અને વિવેકી બની છે પરંતુ જમતાં પહેલાં વ્હોરાવવાની રાહ જોતાં જોતાં પધારેલાં સંત-સતીજીઓને ભાવથી વહોરાવે પણ છે અને જન્મ દિવસ જેવા પ્રસંગોએ જરૂરિયાતમંદોને દાન આપતી પણ થઈ ગઈ છે.

શ્રી મીરાબેન મોદી  લુક એન લર્ન તેમજ પ્રેરણાદાતા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કહે છે કે ધાર્મિક અને વૈજ્ઞાનિક લોજીક સાથે ફટાકડા ન ફોડવાની, હોળી ન રમવાની કે પતંગ ન ચગાવવા જેવી વાતો શીખવતું  લુક એન લર્ન માત્ર ધર્મ નથી શીખવતું પરંતુ ત્યાં બાળકોના આત્મામાં ગુણોનું પણ સિંચન કરવામાં આવી રહ્યું છે. આપણે કદાચ પરમાત્મા સમાન ન બની શકીએ પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીના પગલે પગલે ચાલવાનો એક પ્રયાસ તે લુક એન લર્ન છે. પૂજ્ય ગુરુદેવશ્રી અને દીદીઓ પોતાના મહત્વના સમયનો ફાળો બાળકો માટે આપી રહ્યાં છે તે બદલ તેમનો દિલથી આભાર છે.

શ્રી ભૌમિકભાઈ વોરાને પણ લુક એન લર્ન આજના બાળકો માટે અત્યંત ઉપયોગી લાગી રહ્યું છે કે જ્યાં આજના બાળકો નમસ્કાર મંત્ર કે સામાયિકથી પણ અજાણ હોય છે ત્યાં પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા અને દીદીઓની અથાગ મહેનત દ્વારા બાળકો ગમ્મત સાથે જ્ઞાન પામી રહ્યાં છે.

શ્રી હેતવીબેન ધોળડીયા લુક એન લર્ન ને એક ઝવેરીની ઉપમા આપતાં કહે છે કે, કાળા પથ્થરોની વચ્ચે ખીણમાં પડેલાં હિરાને કાઢીને એને પોલીશ કરવાની જેમ કાળજી અને ચીવટથી માનવતાના પાઠ ભણાવીને, પાયાના સંસ્કારોનું સિંચન કરતાં કરતાં  લુક એન લર્ન બાળકોને કાળા પથ્થરમાંથી હીરા બનાવી રહ્યું છે. આજના આ ટેકનીકલ યુગમાં લુક એન લર્નના માધ્યમે બાળકોને પૂજ્ય ગુરુદેવશ્રી જેવાં ગુરુની પ્રાપ્તિ થવી તે લુક એન લર્નના બાળકોનું સૌભાગ્ય છે. બાળકોને ભણાવતાં શ્રી રિદ્ધિદીદી લાઠીયા લુક એન લર્નને જીવનનું અભિન્ન અંગ જણાવતાં કહે છે કે, શ્રેષ્ઠ રીતે તૈયાર કરવામાં આપેલાં સિલેબસ દ્વારા લુક એન લર્નમાં બાળકોને ભણાવતાં ભણાવતાં મારા જીવનને પણ એક સાચી દિશા અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ થઈ ગઈ. મારા પોંઈન્ટ ઓફ વ્યુને રજુ કરવાની ક્ષમતા સાથે સહજતાથી સમજાઈ ગયું કે સાચી ખુશી બહારમાં કોઈ વસ્તુ કે વ્યક્તિમાં નહીં પણ આપણી સ્વયંની અંદરમાં જ સમાએલી છે.

લુક એન લર્નના માર્ગદર્શન અને પૂજ્ય ગુરુદેવશ્રીના આશિર્વાદથી સ્વયંના આત્મવિશ્વાસનો અનુભવ કરી રહેલાં શ્રી શીતલદીદી ધોળકીયા જણાવે છે કે એક કુંભારની જેમ લુક એન લર્ન ભીની માટે જેવા બાળકોને મેનર્સ, એથીક્સ અને મોરલ વેલ્યુસના ચાકડે ચગવી એક સુંદર આકાર આપી રહ્યું છે.

નાનાકડો સૌજ્ય શાહ પણ કહે છે કે લુક એન લર્ન મારા માટે માત્ર જ્ઞાન ધામ નથી પરંતુ એક સંસ્કારધામ છે જ્યાં હું ધર્મની સાથે સાથે વિનય અને દાન જેવી વાતોનું મહત્વ શીખી રહ્યો છું. અહીંયા ગમ્મત સાથે જ્ઞાન આપતાં આપતાં મહાવીર જયંતિ, પર્યુષણ પર્વ અને આયંબિલ ઓળીને સેલીબ્રટ કરીને ભગવાન વિષેની ઉંડાણથી સમજ આપવામાં આવી રહી છે.

લુક એન લર્નના દીદી અને પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે આભાર માનતાં નાનકડી વિરતી મહેતા કહે છે કે, છેલ્લાં સાત વર્ષથી લુક એન લર્ને મારી લાઈફ ચેન્જ કરી દીધી છે. અહીંયા ગેમ્સ અને સ્ટોરી સાથે દાન, શીલ, તપ અને ભાવનું શ્રેષ્ઠ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. શું સાચ્ચું અને શું ખોટું એ મને લુક એન લર્નમાં જોઈન થવાથી સમજમાં આવી રહ્યું છે જે બદલ હું પૂજ્ય ગુરુદેવશ્રી અને બધાં દીદીઓનો આભાર માનું છું.

બાળ માનસ રૂપી કોરા કેનવાસ પર લુક એન લર્ન જૈન જ્ઞાન ધામ રૂપી ચિત્રકાર સદગુણો અને સંસ્કારોની સુંદર આકારણી સર્જી સિંચન દ્વારા એના ભાવિને ભવ્ય બનાવવા માટે લુક એન લર્નમાં જોડાવા માટેની પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહબે પ્રેરણા આપેલ છે.

રાજકોટમાં અનેક અનેક સ્થાને ચાલતી જૈન પાઠશાલા લુક એન લર્નમાં જોડાવા વિનંતિ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.