Abtak Media Google News

ચીનના અલીબાબા ગ્રુપના 54 વર્ષીય એક્ઝિક્યૂટિવ ચેરમેન જેક માએ સોમવારે પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી. ડેનિયલ ઝેંગ (46) 10 સપ્ટેમ્બર, 2019ના રોજ ચેરમેન પદનો કાર્યભાર સંભાળશે. ત્યાં સુધી જેક મા તેમને સાથે લઈને કામ કરતા રહેશે, જેથી જ્યારે ઝેંગ જવાબદારી સંભાળે તો તેમને કોઇ મુશ્કેલી ના આવે. જેક મા 2020માં ગ્રુપની એન્યુઅલ શેરહોલ્ડર મીટિંગ સુધી બોર્ડમાં રહેશે.

જેક માએ કહ્યું, “અલીબાબાની કમાન ડેનિયલ અને તેમની ટીમને સોંપવી એ યોગ્ય સમયે કરેલો યોગ્ય નિર્ણય છે, કારણકે તેમની સાથે કામ કરીને મેં જાણ્યું કે તેઓ જવાબદારી લેવા માટે તૈયાર છે. સીઈઓનું પદ સંભાળ્યા પછી તેમણે શાનદાર પ્રદર્શન કર્યું.”

સોમવારે માને 54 વર્ષ થઈ ગયા. પોતાના 55મા જન્મદિવસ (10 સપ્ટેમ્બર, 2019) પર તેઓ રિટાયર થઈ જશે. તે દિવસે અલીબાબા ગ્રુપની 20મી એનિવર્સરી પણ છે. જેક માએ સીઈઓનું પદ 2013માં જ છોડી દીધું હતું. કારોબારી જવાબદારીઓમાંથી મુક્ત થયા પછી જેક શિક્ષક અને સમાજસેવકની ભૂમિકામાં જોવા મળશે.અલીબાબા કંપની બનાવતા પહેલા તેઓ ઇંગ્લિશ ટીચર હતા. તેમણે શુક્રવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ટીચિંગ કરવું એ સીઈઓ બનવા કરતા વધારે સારું છે. તેઓ આ કામ વધુ સારી રીતે કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.