Abtak Media Google News

એક ચીની કહેવતમાં એવું દર્શાવાયું છે કે, ‘તમારા હૃદયમાં એક છમલીલું વૃક્ષ સાચવી રાખજો, કદાચ કોઈ ગાયું પંખી ઉડી આવે અને હજારો વૃક્ષો ઉગાડવાનું તમારા કાનમાં કહી જાય !… ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનાં વાવેતરને ધરમકરમ તરીકે વર્ણવાયાં છે, અને એમ કહેવાયું છે કે, આધ્યાત્મિક માણસ વૃક્ષ જેવો આધ્યાત્મિક અને લીલો હોય છે. જે માણસ શુષ્ક હોય તે ધર્મગૂરૂ હોઈ શકે, સાધુ ન હોઈ શકે.. વૃક્ષોને આપણે સંસ્કૃતિ-પુરૂષોના પ્રતિનિધિઓ કહી શકીએ અને કૃષ્ણના વંશજો તરીકે ઓળખાવી શકીએ. કહે છે કે વૃક્ષો કાને સાંભળી શકે છે.

વૃક્ષોમાં માનવજીવનની ચેતનાનો સળવળાટ થતો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં એમ કહેવાયું છેકે, વૃક્ષો તો માનવજાતનાં ઉમદા મિત્રો છે..

વૃક્ષો ગૌમાતાની જેમ મનુષ્યોને કાંઈકને કાંઈક મહત્વનું આપ્યા કરે છે.. બદલામાં કાંઈ લેતા નથી.

પક્ષીઓ પણ વૃક્ષોનાં ઋણી રહ્યા છે.

કવિ કાગે તેમના એક કવિતામાં વૃક્ષો અને પંખીઓની મૈત્રીનો મહિમા આ રીતે ગાયો છે

‘વડલો કહે વનરાઈઓ સળગી,

મેલી દયોને જૂના માળા

ઉડી જાય પંખીઓ પાંખોવાળા..

વડલાને સળગેલી વડલાની વનરાઈઓની જવાળાઓ વડલાની ડાળો ઉપર માળા બાંધીને લાંબા વખતથી નિરાંતે માળામાં રહેતા પંખીઓ આગમાં ભૂંજાઈ જવાની ચિંતા છે.

બીજી બાજુ, પંખીડાઓને વડલો ખાખ થઈ જવાનો અજંપો છે. એ બધા એક સામટા વડલાને કહે કે, તમારી હૂંફમાં અને રક્ષણમાં અમે હમણા સુધી જીવ્યા છીએ, હવે તને મૂકીને અમે કેમ જતા રહીએ?

‘કાગ’ની ભાષામાં પંખીઓ કહે છે: ‘હવે તો સાથે તરશું કે સાથે મરશું, સાથે ભરશું ઉચાળાં’

વૃક્ષોની મૈત્રી અતૂટ હોય છે.

આખી વસુંધરા વૃક્ષોનાં વિવિધ પ્રકારનાં પ્રદાનને ટેકે રહેતી આવી છે.

આપણી સંસ્કૃતિનું એમાં પ્રતિબિમ્બ પડે છે !

ભારતીય સંસ્કૃતિ એટલે શું ? મોટા મોટા વિદ્વાનોને આ પ્રશ્ર્ન પૂછશો તો પણ સંતોષકારક ઉત્તર મળશે નહિ કારણ કે તેનો નિશ્ર્ચિત અથૅ કરવો કઠીન છે. નિશ્ર્ચિત વેશભૂષા નિશ્ર્ચિત ભાષા, નિશ્ર્ચિત વિધિવિધાનો, નિશ્ર્ચિત આચારો કે નિશ્ર્ચિત જીવન મૂલ્યો આ બધાનું સંયુકત રૂપ સંસ્કૃતિ (ભારતીય સંસ્કૃતિ) હોય તો આપણે સ્વીકારવું જોઈએ કે વગર પ્રચારે વિશ્ર્વભરમાં પશ્ર્ચિમી સંસ્કૃતિ પ્રસરી રહી છે. પ્રયત્ન કરીને પણ ધોતિયું, ડગલો, પાઘડી વગેરે પોશાકને આપણે આપણી નવી પેઢીમાં ઉતારી શકતા નથી. તો વિશ્ર્વની પ્રજા ધોતિયું પહેરતી થાય તેવી તો કોઈ શકયતા જ નથી. ભાષાની દ્રષ્ટિએ અંગ્રેજીની બોલબાલા ભારતમાં જ વધુ થઈ રહી છે. કોઈ અંગ્રેજી પ્રચારકો દ્વારા નહિ સ્વયં આપણા દ્વારા જ ઈગ્લીશ મીડીયમ સ્કુલોમાં ભણવું એ ગૌરવની વાત થઈ છે. આપણા જ કુમળા બાળકો ઈગ્લીશ સ્કુલોમાં ભણીને ‘મને ગુજરાતી નથી આવડતું’ એવું કહેવામાં મોટાઈ અનુભવે છે. તેમનાં માતાપિતા પણ આવું જ ગૌરવ અનુભવે છે. જો આપણા દેશમાં જ આપણી માતૃભાષાની આવી દશા હોય તો પરદેશમાં તેનો વ્યાપ તથા પ્રભાવ વધે કે વધશે તેવી આશા રાખવી એ કલ્પના છે.

આ દોટ આપણા દેશની પ્રજાને બેહદ ભારે પડે તેમ છે. આપણા રાજસત્તા અને ધર્મસત્તા આ દોટને રોકી શકશે એવો વિશ્ર્વાસ ખોટો પડે તો તેમ છે: કોરોનાના કાળમુખા ધપપછાડાને ખીલે બાંધીદે, એવો માઈનો પૂત આપણા દેશમાં હજુ સુધી તો કોઈ નજરે પડતો નથી! જુલ્મી કંસને પરાજિત કરીને તેને ભોંય ભેગો કરનાર શ્રી કૃષ્ણ જયારે જયારે આપણા દેશની સંસ્કૃતિ છિન્નભિન્ન થવાના આરે પહોચી અને ધર્મ ઉપર અધર્મની ધૃષ્ટતા વધતી ગઈ તે વખતે પરમેશ્ર્વર એની વ્હારે ચડયા છે. એ શુભચિહન છે!

આપણી સંસ્કૃતિનો આત્મા અને ધર્મનો પ્રાણ શ્રી કૃષ્ણ જ હોવાનું પ્રતીત થયું છે.

જન્માષ્ટમી આવી રહી છે. ગોકુલ આઠમ હજાર વર્ષો પછીયે ન સાંપડે એવા મહામાનવ કે માનવેશ્ર્વરને એમની ચિરંજીવ સ્મૃતિ રૂપે લાવવાની જ છે.

આમ વૃક્ષો ભારતીય સંસ્કૃતિમાં સારી પેઠે ઓતપ્રોત છે.

જે સમયે આપણો દેશ અને આપણી માનવજાત વૃક્ષો પરમેશ્ર્વરને નિહાળતા થઈ જશે તે સમયે ભારત સુવર્ણયુગમાં પ્રવેશવાનું હકકદાર બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.