Abtak Media Google News

૩૫ લાખ દેવાદાર ખેડૂતોનું દેવુ માફ કરવા ગુજરાતની તિજોરી પર ૮૨૦૦૦ કરોડનો બોજો પડી શકે

પાટીદાર અનામત આંદોલન સમીતી (પાસ)ના નેતા હાર્દિક પટેલ તેમજ કોંગ્રેસ અત્યારે ખેડૂતોનું ઋણ માફ કરાવવા મામલે સરકાર પર દબાણ લાવી રહ્યાં છે. પરંતુ રાજયમાં દેવાદાર ખેડૂતોનું દેવુ માફ કરવાથી સરકારી તિજોરી પર ૮૨૦૦૦ કરોડનો બોજો પડી શકે છે. વર્ષ ૨૦૧૮-૧૯નું રૂપિયા ૧.૮૩ લાખ કરોડના બજેટમાંથી ૪૫ ટકા બજેટ વિખેરાઈ શકે છે.

ગુજરાતમાં ખેતીની લોનનું આઉટ સ્ટેન્ડિંગ રૂ.૪૫૬૦૭ કરોડનું છે. આ આંકડો માફ કરવાથી સરકારના આર્થિક માળખા ઉપર મસમોટી અસર પડી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ખેડૂતોના દેવા માફીથી ગુજરાત સરકારની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે. સૂત્રોના મત મુજબ સરકાર પાસે આવકના જે સ્ત્રોત છે તે મુજબ આવડુ મોટુ દેવુ માફ થઈ શકે તેમ નથી.

સ્ટેટ લેવલની બેન્કર કમીટીના આંકડાનુસાર હાલ ગુજરાતમાં ૩૫ લાખ એગ્રીકલ્ચર લોન એકાઉન્ટ હોલ્ડર છે. જેમણે બેંકો પાસેથી રૂ.૮૨૦૭૫ કરોડ રૂપિયા ધિરાણ પેટે લીધા છે. જો આ તમામનું દેવુ માફ કરવામાં આવે તો તે ૨૦૧૮-૧૯ના બજેટના ૪૫ ટકા જેટલું થાય છે.

રાજયના નાણા મંત્રાલયના ટોચના અધિકારીના જણાવ્યા મુજબ રાજયની હાલની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીએ તો દેવા માફીનો બોજ અત્યારે ઉઠાવી શકાય તેવી સ્થિતિ નથી. આજની પરિસ્થિતિએ તો ખેતીની લોનનો આંકડો તોતીંગ છે. જેના ૧૦ ટકા (૮૦૦૦ કરોડ) માફ કરવામાં આવે તો પણ સરકારી તિજોરીને માઠી અસર પહોંચી શકે.

સરકાર ખેડૂતોની દેવા માફીના સ્થાને ખેડૂતોની આવકમાં વધારો કરવાના પ્રોત્સાહક પગલા લઈ રહી છે. ખેડૂતોની આવક વધશે તો આપો આપ જ દેવા ભરાઈ જશે. સરકાર કે અન્ય કોઈની સહાયની જરૂર ખેડૂતોને રહેશે નહીં. દેવા માફી આપવાથી લોકો પર કર બોજ નાખવો પડે જે અત્યારના જીએસટીમાં શકય નથી. ઉપરાંત દેવામાં ડુબેલા ખેડૂતને ઉગારવા વધુ ધીરાણ આપવું પડે જે ફિસકલ રિસ્પોન્સીબીલીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એકટ હેઠળ સરકાર આપી શકે નહીં. જેથી દેવા માફી સરકાર માટે અશકય બાબત સમાન ગણી શકાય.

અહીં ઉલ્લેખનીય છે કે, ખેતી માટેની લોનનું આઉટ સ્ટેન્ડિંગ ૪૫૬૦૭ કરોડનું છે. જયારે ગ્રોસ એનપીએ રકમ ૧૪૭૮ કરોડની છે. એનપીએ આઉટ સ્ટેન્ડિંગની ટકાવારી ૩.૨૪ પહોંચી ગઈ છે. આવી જ રીતે એગ્રીટર્મ લોનનું આઉટ સ્ટેન્ડીંગ ૩૬૪૬૮ કરોડ જેટલું થાય છે. ગ્રોસ એનપીએની રકમ ૨૭૯૨ કરોડ જેટલી છે. એનપીએ આઉટ સ્ટેન્ડિંગ ૭૬૬ ટકાએ પહોંચી ચૂકયું છે. આ તમામનો સરવાળો કરતા કૃષિ ક્ષેત્રે લીધેલા ધીરાણનું ટોટલ આઉટ સ્ટેન્ડિંગ ૮૨૦૭૫ કરોડ જેટલો તોતીંગ છે. જયારે એનપીએ રકમ પણ ૪૨૭૦ કરોડે પહોંચી ગઈ છે. એનપીએ આઉટ સ્ટેન્ડિંગની ટકાવારી ૫.૨૦ સુધીની છે. સરકાર માટે આ આંકડા માફ કરવા મુશ્કેલ છે.

અહીં ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ અને પંજાબ સહિતના કેટલાક રાજયોની સરકારે ખેડૂતોની દેવા માફીનું એલાન કર્યું હતું. જેના પરિણામે ગુજરાતમાં પણ દેવા માફી માટે પ્રયાસો થયા છે પરંતુ મધ્યપ્રદેશ અને પંજાબ સહિતના રાજયોની સરખામણીએ ગુજરાતની વાત અલગ છે. ગુજરાતના ખેડૂતોના ધિરાણ મોટી સંખ્યામાં છે. જયારે અન્ય રાજયોમાં લોનની રકમ નાની છે. પરિણામે ખેડૂતોનું દેવુ માફ કરવુ રાજય સરકાર માટે આર્થિક આફત સમાન ગણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.