Abtak Media Google News

જામનગરના વોર્ડ નં. ૧ ના ભાજપના મહિલા કોર્પોરેટર હુસેનાબેન સંઘારે રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી જામનગરના ત્રણ મહત્ત્વના બારમાસી બંદરો, બેડીબંદર, નવા બંદર અને રોઝી બંદરને ચાલુ કરવા રજૂઆત કરી છે.

જામનગરનું બેડીબંદર છેલ્લા ઘણાં સમયથી સંપૂર્ણ બંધ હાલતમાં છે. અહિં કોઈપણ જાતની આવક-જાવક ચાલુ નથી. નવા બંદર અને રોઝી બંદર ઉપર કોલસાની તેમજ બોક્સાઈટની આવક-જાવક ચાલુ છે. એક સમયે આ બેડીબંદર, નવા બંદર અને રોઝી બંદરમાં ચોખા, ઘઉં, ખજૂર, ખાતર, રેપસીડ, મગફળી તેલ વિગેરે જેવી આવક-જાવક સતત ચાલુ હતી. એક જ સમયે બેડી બંદર, નવા બંદરરોઝી બંદર ઉપર પચીસેક જેવી સ્ટીમરો માલના આવક-જાવક માટે લાંગરેલ રહેતી અને અનેક શિપીંગ કંપનીઓ, ટ્રાન્સપોૃટ કંપનીઓ, લેબર કોન્ટ્રાક્ટરો, સર્વેયર કંપનીઓ, લેબોરેટરી કરતી કંપનીઓ વિગેરે દ્વારા લાખો લોકો રોજગારી મેળવતા હતાં.

જો બેડી બંદર, નવા બંદર અને રોઝી બંદર ઉપર ફરીથી માલની આયાત-નિકાસ ચાલુ કરવામાં આવે તો લાખો લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળી રહે તેમ છે. હાલના કોરોના મહામારીના સમયમાં અનેક લોકો બેરોજગાર બનેલ છે અને સરકાર રોજગારી આપવા માટે અનેક પ્રકારની યોજનાઓ અને રાહત પેકેજો જાહેર કરે છે. આમ એક સમયના સમૃદ્ધ અને આયાત-નિકાસ કેન્દ્ર સમાન જામનગરના ઉપરોક્ત બંદરો બારમાસી બંદરો છે એટલે કે બારે માસ આ બંદરો ઉપર આયાત-નિકાસ થઈ શકે તેમ છે. ત્યારે આ બંદરોના વિકાસ માટે યોગ્ય પ્રયત્ન થવો જરૃરી છે.

જામનગરના સચાણા બંદર શીપ બ્રેકીંગ યાર્ડ માટે વિક્સાવવાની મંજુરી આપવામાં આવી છે. શીપ બ્રેકીંગ યાર્ડ વિક્સાવવા માટે પણ ઉપરોક્ત બંદરોની પસંદગી થઈ શકે છે. કારણ કે શહેરની નજીક હોવાથી આસાનીથી લેબર અને અન્ય આવશ્યક સુવિધાઓ સહેલાઈથી મળી શકે તેમજ શહેરના બેરોજગાર યુવાનોને આ વ્યવસાયમાં રોજગારી મળી રહે. આમ હાલના સમયમાં અનેક રીતે રાજ્યમાં રોજગારી વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે આ બંદરોનો જો યોગ્ય દિશામાં વિકાસ કરવામાં આવે તો અનેક લોકોને રોજગારી મળી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.