Abtak Media Google News

Table of Contents

ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝની અંતિમ મેચમાં ભારતની જીત: નવોદિત ખેલાડીઓએ રંગ રાખ્યો

ગાવસ્કર બોર્ડર સીરીઝમાં કાંગારૂને પછાડી ભારતના નવોદિતોએ ઇતિહાસ રચ્યો

ઓસ્ટ્રેલીયા સામેની ચાર ટેસ્ટની સીરીઝની અંતિમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના નવોદિત ખેલાડીઓએ રંગ રાખતા સીરીઝમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. નવોદીતોએ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ઘુંટણીયે વાળી દેતા ભારતીય ટીમનો ટેસ્ટ મેચ સીરિઝમાં ભવ્ય વિજય થયો હતો. ટેસ્ટ સીરિઝમાં જીત મેળવ્યા બાદ જાણે વર્લ્ડકપ જીત્યો હોય તેવો માહોલ સર્જાઇ ગયો હતો. ભારતે સીરિઝ જીતી ટેસ્ટ વર્લ્ડકપ કબજે કરી લીધો હોય તેવો ઉત્સાહ ખેલાડીઓમાં અને સમગ્ર દેશમાં જોવા મળ્યો હતો.

આજે રમતની શરૂઆતથી જ ખેલાડીઓની પકડ મજબૂત જોવા મળી હતી. પરિણામે અંતિમ ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી છે. બીજી તરફ સીરીઝ અંકે કરવામાં પણ ભારત સફળ રહ્યું છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ભારતના પીઢ ખેલાડીઓને ઇજાગ્રસ્ત કરીને ઘર ભેગા કરી દીધા હતા અને કેપ્ટન કોહલી પેટરનિટી લીવ પર ઉતરી જતા ટીમની જવાબદારી અજિંક્યા રહાણેને સોંપવાની હતી. રહાણેને કેપ્ટન તરીકે અનેક પડકારોનો સામનો કરવાનો હતો. એક તરફ ઓસ્ટ્રેલિયાના પીઢ, આક્રમક અને અનુભવી ખેલાડીઓ જ્યારે બીજી બાજુ રહાણેએ ફક્ત નવા ખેડલાડીઓને સાથે રાખીને જંગ લડવાનો હતો. પરંતુ રહાણેએ હાર માની નહીં અને નવોદિતોની લડાયક ટીમ તૈયાર કરી હતી અને મેંચ પણ જીતી બતાવી છે. રહાણેએ ખેલદિલીનો અભિગમ તો દાખવ્યો જ સાથોસાથ જીતનું લક્ષ્ય પણ રાખ્યું હતું. રહાણેએ નવી ટીમને તૈયાર તો કરી જ સાથે ચેલેન્જ લેવા માટે પણ તૈયાર કરી અને કેપ્ટનના એક આહવાન પર નવોદિતોની ટીમે ચેલેન્જ લીધી અને પરિણામ એટલે ચોથો ટેસ્ટ મેચ. ચોથા ટેસ્ટ મેચ દરમિયાન મેચ એટલો રસપ્રદ બન્યો કે સમગ્ર દેશના લોકોએ એક વાર તો ચોક્કસ વિચાર્યું હશે કે પીઢ ખેલાડીઓની ટીમને હંફાવી દે તેવી નવી ટીમ ઇન્ડિયા તૈયાર થઈ રહી છે. ’અબતક’ દ્વારા ચોથા ટેસ્ટ મેચ અગાઉ અહેવાલ તૈયાર કરાયો હતો કે, ભારતને ગુમાવવાનું ઓછું પણ નવોદિતો માટે ઉજળી તક તે વાત આજે સ્પષ્ટ થઈ હતી. નવા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતા ચોક્કસ એક સમય માટે સૌને ભય હતો કે, પીઢ ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમ ચોથો ટેસ્ટ મેચ કેવી રીતે રમશે ? પણ નવોદિતોની ટીમે ફક્ત મેચ રમ્યો નથી ટીમે ઓસ્ટ્રેલિયા માનસિક રીતે તોડી પણ પાડ્યા છે.

5 2

યુવા ખેલાડીઓએ ક્ષમતા પ્રમાણે રમી ભારતની જીતને શાનદાર બનાવી દીધી

ઓસ્ટ્રેલિયન બોલરો ભારતીય ટીમના નવોદિતો સામે ગોઠણીયે આવી ગયા હોય તે રીતે માનસિક પડી ભાંગ્યા હતા. પરિણામે એટેકમાં માનનારી ઓસ્ટ્રેલિયન ટીમ ડિફેન્સમાં રમવા મજબૂર બની ગઈ હતી. ઓસ્ટ્રેલિયન બોલરોની બોલિંગ પર જો નજર કરવામાં આવે તો આ બાબત પણ સ્પષ્ટ થશે. ઓસ્ટ્રેલિયન બોલરોએ વિકેટ લેવા માટે સ્ટમ્પ પર બોલ ફેંકવાના બદલે મોટા ભાગે બાઉન્સર બોલ્સ નાખ્યા હતા જે સંકેત છે કે, ઓસ્ટ્રેલિયન બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ રહેતા ભારતીય બેટ્સમેનોને ઇજાગ્રસ્ત કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમનું માનસિક રીતે પડી ભાંગવું જ ભારતીય ટીમની સાચી જીત છે અને ત્યારે ચોક્કસ ટીમ ઇન્ડિયા માટે કહી શકાય કે, ’હાર કે જિતને વાલે કો હી બાજીગર કહતે હૈ’.

3 4

ટીમ ઇન્ડિયાના અનુભવી ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતા પ્રથમ તબક્કે ભારતીય ટીમની ટેસ્ટ સિરીઝમાં હારની શક્યતાઓ સેવાઈ રહી હતી પરંતુ ટીમનું સુકાની રહાણેએ સાંભળી લેતા ટીમને લડાયક યુવા ખેલાડીઓ મળ્યા છે. હાલની ભારતીય ટીમની જો વાત કરવામાં આવે તો ટીમને શુભમ ગિલના સ્વરૂપમાં વીરેન્દ્ર સહેવાગ મળ્યો છે. જે આકરા સમયમાં અટેકે અને ડિફેન્સ બંને પ્રજારે ઓપનિંગ કરવા સક્ષમ છે. શુભમન ગિલે અંતિમ ટેસ્ટની બીજી ઇનિંગમાં જ્યારે પીઢ ખેલાડી રોહિત શર્માએ ફક્ત ૭ રનમાં વિકેટ ગુમાવી ત્યારે કમાન સાંભળીને ૯૧ રનની અકલ્પનિય પારી રમીને ટીમને મજબૂત શરૂઆત આપી ઓસ્ટ્રેલિયા પર દબાવ ઉભું કર્યું હતું. જે રીતે વર્ષ ૧૯૮૬-૮૭માં નવી ટીમ ઇન્ડિયા બની રહી હતી ત્યારે શરૂઆતના બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન ભેગા થઈ જતા ત્યારે કપિલદેવ સાતમા અથવા આઠમા ક્રમાંકે આવીને ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવતો હતો. તે સમયમાં ટીમનવા મિડલ ઓર્ડરમાં મજબૂત બેટ્સમેન કપિલદેવ મળ્યો હતો અને આજે ટીમ ઇન્ડિયાને કપિલદેવના સ્વરુપમાં શાર્દુલ ઠાકુર મળ્યો છે. ઉપરાંત મજબૂત મિડલ ઓર્ડર માટે વોશિંગટન સુંદરમ પણ મળ્યો છે જે ગમે તે સંજોગમાં દબાણમાં આવ્યા વિના ટીમને જીત અપાવી શકવા સક્ષમ છે. વાત જો બોલિંગ લાઇનની કરવામાં આવે તો મોહંમદ સીરાજના સ્વરુપમાં ટીમને નવો શ્રીનાથ મળ્યો છે જે એક સમયમાં ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર હતો. સીરાજની બોલિંગ સામે જાણે કાંગારુના બેટ્સમેનો ઘૂંટણીયે આવી ગયા હતા.

ભારતે પ્રથમ ટેસ્ટમાં ૩૬ રનમાં ઓલ આઉટ થઈ ફિનિક્સ પક્ષીની જેમ જીત મેળવી

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ૫ કરોડનું બોનસ કર્યું જાહેર

ટીમને જો આ નવા અને યુવાન લડાયક ખેલાડીઓ મળ્યા છે તો તેનો શ્રેય આઈપીએલને જાય છે. આઈપીએલને કારણે દેશના ખૂણેખૂણામાંથી ટીમને યુવા પ્રતિભાઓ મળી છે અને આજે આ યુવા પ્રતિભાઓ જાણે કમાલ કરી રહ્યા છે. હાલ વિરોધી ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પણ ભારતની નવોદિતોની ટીમની પ્રસંશા અને ઓસ્ટ્રેલિયન ટીમની નિંદા કરી રહ્યા છે. પોન્ટિંગએ કહ્યું છે કે, ભારતના ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતા અમને ચોક્કસ એવું લાગ્યું હતું કે, અંતિમ મેચ ભારત માટે ખૂબ આકરો સાબિત થશે પરંતુ પરિસ્થિતિ હાલ વિપરીત છે. મેચ આકરો ચોક્કસ છે પરંતુ ઓસ્ટ્રેલિયા માટે છે.

1 4

૧૧ પ્લેયર્સ ઇજાગ્રસ્ત છતાં ઓસ્ટ્રેલિયામાં ભારતનો ત્રિરંગો લહેરાયો

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સિરિઝના અંતિમ મેચ પૂર્વે ભારતના ૧૧ જેટલા પીઢ ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતા મચ રમવા સક્ષમ ન હતા ત્યારે ટીમનું સુકાનીપદ રહાણેને સોંપવામાં આવ્યું હતું અને રહાણેએ તેના નેતૃત્વના ગુણ સાબિત કર્યા હતા. રહાણેએ પોતે તો ચેલેન્જ લીધી જ હતી સાથોસાથ ટીમ પાસે પણ ચેલેન્જ એક્સપટેડ કરી હતી. નવોદિતોએ આફતને અવસરમાં પલટવાની તક ઝડપી લીધી હતી. પીઢ ખેલાડીઓની ગેરહાજરીમાં પણ યુવા ખેલાડીઓએ કોઈ પણ દબાણ વિના રમીને ઓસ્ટ્રેલિયા પર દબાણ ઉભું કર્યું હતું પરિણામે ઓસ્ટ્રેલિયન બોલરો પોતાની માનસિક સંતુલા ગુમાવી દીધી હોય તેવી રીતે બાઉન્સર બોલિંગ કરી હતી. યુવા ખેલાડીઓએ ગાબામાં ઓસ્ટ્રેલિયન પ્લેયર્સના ગાભા કાઢી જીત મેળવી હતી.

અનુભવી ટીમની પેસ બેટિંગનો પાવર ડાઉન

ઓસ્ટ્રેલિયન ટીમ અનુભવી ખેલાડીઓથી ભરપૂર છે. ટીમમાં ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન, પેટ કમિન્સ, ટીમ પેન સહિતના અનુભવી ખેલાડીઓની સામે નવોદિતોની ટીમ જંગ લડી રહી હતી. પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા ૩૫૦+ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ પહાડ જેવો લક્ષ્યાંક ખડકીને ભારતના ખેલાડીઓને ચુનૌતી આપી હતી. બીજી ઇનિંગમાં પણ ઓસીએ ૩૩૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ ટીમ ઇન્ડિયાના રાઇઝિંગ સ્ટાર્સએ આ લક્ષ્યાંક પણ ચેઝ કરી લીધો હતો. એટેક ગેમમાં માનતી ટીમ ડિફેન્સ રમવા મજબૂર બની હોય તેવા દ્રશ્યો પણ મેચ દરમિયાન જોવા મળ્યા હતા. પહાડ જેવો લક્ષ્ય ખડકી પેસ બેટિંગનો પાવર બતાવનાર ઓસ્ટ્રેલિયાનો પાવર નવોદિતોએ પાવર ડાઉન કરી દીધો હતો.

પંતે વિકેટ કીપર તરીકે ૨૭ ઇનિંગમાં ૧ હજાર રન પુરા કરી મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ તોડયો

ભારતના રાઇઝિંગ સ્ટાર્સ પૈકી એક રિષભ પંત દિન પ્રતિદિન ધોનીની જગ્યા લઈ રહ્યો છે. વિકેટ કિપર તરીકે તો પંત તેના કૌશલ્યનું પ્રદર્શન કરી જ રહ્યો છે સાથોસાથ બેટ્સમેન તરીકેનું પ્રદર્શન પણ શ્રેષ્ઠ બની રહ્યું છે. રિષભ પંતે વિકેટકીપર તરીકે ૨૭ ઇનિંગમાં ૧ હજાર રન પુરા કર્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ પંતે તોડ્યો છે. ધોનીએ ૩૨ ઇનિંગમાં ૧ હજાર રન પૂર્ણ કર્યા હતા ત્યારે પંતે ધોનીનો રેકોર્ડ તોડ્યો છે.

ભારત પાંચમી વખત પહેલી ટેસ્ટ હાર્યા પછી સીરીઝ જીત્યું

૨-૧    vs      ઇંગ્લેન્ડ, ૧૯૭૨

૨-૧    vs      ઓસ્ટ્રેલિયા, ૨૦૦૦/૦૧

૨-૧    vs      શ્રીલંકા, ૨૦૧૫

૨-૧    vs      ઓસ્ટ્રેલિયા, ૨૦૧૬/૧૭

૨-૧    vs      ઓસ્ટ્રેલિયા, ૨૦૨૦/૨૧

ચેતેશ્ર્વર પૂજારાએ સૌથી ધીમી ફિફટીનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો

૧૧ દિવસ પૂર્વે જ સિડની ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાએ પોતાના ટેસ્ટ કરિયરરનો સૌથી ધીમો અર્ધશતક લગાવ્યો હતો ત્યારે તેણે પોતાની પ્રથમ ઇનિંગમાં ૧૭૦ બોલમાં ફિફટી નોંધાવી હતી જ્યારે બીજી ઇનિંગમાં ૧૭૪ બોલમાં અર્ધશતક લગાવ્યું હતું. ત્યારે આજે બ્રિસબેનમાં પૂજારાએ ૧૯૬ બોલમાં પોતાની ફિફટી પુરી કરી પોતાનો જ ધીમી ફિફટીનો રેકોર્ડ તોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પૂજારાએ વર્તમાન સિરીઝમાં કુલ ૨૭૧ બનાવ્યા હતા.

પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ભારતે પાછળ વળીને જોયું નહીં

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ ફક્ત ૩૬ રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી જેના કારણે ટીમ ઇન્ડિયાની ભારે આલોચના થઈ હતી પરંતુ ક્યારેય ટીમ ઇન્ડિયાએ પાછળ વળીને જોયું નથી. પ્રથમ ટેસ્ટમાં હાર બાદ બીજો ટેસ્ટ ભારતે સફળતાપૂર્વક જીતી પાર પાડ્યું હતું. ત્રીજા ટેસ્ટમાં પણ ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ડ્રો કરી દીધો હતો. ત્રીજા ટેસ્ટ દરમિયાન તો અપેક્ષા જ ન હતી કે ટીમ મેચ બચાવી શકશે તેમ છતાં ટીમ ઇન્ડિયાના રાઇઝિંગ સ્ટાર્સે મેચ બચાવી લીધો હતો અને અંતે ચોથા મેચમાં ટીમ ઇન્ડિયાએ પરચો બતાવી સિરીઝ કબ્જે કરી હતી.

ઓસ્ટ્રેલિયાના ગાબામાં ભારતના નવોદિતોનું ગાબડું

ઓસ્ટ્રેલિયાના ઘર આંગણે રમાઈ રહેલી સીરીઝનો અંતિમ મેચ બ્રિસબેનના ધ ગાબાની પિચ પર રમાયો હતો. ગાબાની પિચ પર ભારતનો ઐતિહાસિક વિજય થયો છે. અગાઉ ગાબાની પિચ પર ભારતને ૬ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મેચ ડ્રો થયો હતો પરંતુ આજના મેચમાં ભારતના નવોદિતોએ જાણે ગાબામાં ગાબડું પાડ્યું હોય તેવી રીતે ઓસ્ટ્રેલિયાને કારમો પરાજય આપ્યો હતો. ગાબાની પિચ પર હાલ સુધી ભારતને વિજય મળ્યો ન હતો ત્યારે યુવા પ્રતિભાઓએ ગાબામાં ગાબડું પાડીને જીત હાંસલ કરી હતી.

ગિલ ચોથી ઇનિંગ્સમાં ફિફટી મારનાર સૌથી યુવા ભારતીય ઓપનર બન્યો

૨૧ વર્ષીય શુભમન ગિલ ચોથી ઇનિંગ્સમાં ફિફટી મારનાર સૌથી યુવા ભારતીય ઓપનર બન્યો છે. અગાઉ આ રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે હતો. ગાવસ્કરે ૨૧ વર્ષ ૨૪૩ દિવસની વયે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ૧૯૭૦/૭૧ માં પોર્ટ ઓફ સ્પેન ખાતે ૬૭* રન કર્યા હતા.

બ્રિસ્બેનમાં ૨૫૦થી વધુનો ટાર્ગેટ ક્યારેય ચેઝ થયો નથી

બ્રિસ્બેન ખાતે હજી સુધી ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં ૨૫૦+  રનનો ટાર્ગેટ ચેઝ થયો નથી. અહીં સૌથી સફળ રનચેઝ ૨૩૬ રનનો છે. ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર ૧૯૫૧માં વેસ્ટ ઇન્ડીઝને ૩ વિકેટે હરાવી આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. જે બાદ પ્રથમ વાર ઓસ્ટ્રેલિયાએ આપેલા ૩૩૬ રનના ટાર્ગેટને ત્રણ વિકેટે યુવા ખેલાડીઓ ચેઝ કરવામાં સફળ રહ્યા છે. ભારતની આ જીત ઐતિહાસિક જીત બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.