ભારત એસસીઓ દેશોને વસુદેવ કુટુંબકમ્ના પાઠ ભણાવશે

સંસ્કૃતિ, શાંતિ,  સુરક્ષા,  વેપાર અને અર્થતંત્ર સહિતના મુદ્દે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગનાઈઝેશનના સભ્યોની સમીટ મળશે

સંસ્કૃતિ, શાંતિ, સુરક્ષા, વેપાર અને અર્થતંત્રમાં ભારત દ્વારા સદીઓથી ચાલતી આવતી વસુદેવ કુટુંમ્બકમ્ની ભાવનાના પાઠ હવે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગનાઈઝેશનના સભ્ય દેશો ભણવા જઈ રહ્યાં છે. ચાલુ વર્ષે એસસીઓના ૧૫ વર્ષ પુરા થશે. જેના અનુસંધાને યોજાનારી સમીટમાં આ વર્ષે ભારત પ્રતિનિધિત્વ કરશે. જેમાં પારદર્શકતા, કાયદા અને સમાનતાની ચર્ચા પણ થશે.

ભારત આદિકાળથી વસુદેવ કુટુંમ્બકમ્ની પરંપરામાં માનતું આવ્યું છે. કોઈ એકનો નહીં પરંતુ તમામનો વિકાસ કરવો જરૂરી છે. વૈશ્ર્વિક વસુદેવ કુટુંમ્બકમ્ની ભાવનામાં નબળા અને સબળા તમામનો એક સરખો વિકાસ થાય છે. કોઈ પછાત રહેતુ નથી. આ વિચાર હવે સમગ્ર વિશ્ર્વમાં સ્થાપિત કરવાનું બીડુ ભારતે ઝડપ્યું છે. જેના અનુસંધાને એસસીઓના સભ્યોની સમીટમાં ભારત અને મુદ્દાને ધ્યાને લેશે. ખાસ કરીને પાકિસ્તાનને પણ આ બાબતે સબક શિખવાડવામાં આવશે. પાકિસ્તાન અત્યાર સુધી અશાંતિ રહે તેવા તમામ પ્રયાસો કરી ચૂક્યું છે. જેના માઠા પરિણામો પણ પાકિસ્તાનને ભોગવવા પડ્યા છે.

સામાજીક અને આર્થિક રીતે પાકિસ્તાન પાયમાલ બન્યું છે. આવી સ્થિતિમાં આખુ વિશ્ર્વ ભારતની વિચારસરણી તરફ ધીમીગતિએ મક્કમતાથી આગળ વધ્યું છે.વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વાર્ષિક એસસીઓમાં વડાપ્રધાન મોદીએ ‘હેલ્થ’નો ખ્યાલ આપ્યો હતો. જે મુજબ એચ એટલે હેલ્થકેર, ઈ એટલે ઈકોનોમી, એ એટલે અલ્ટરનેટીવ એનર્જી, એલ એટલે લીટરેચર, ટી એટલે ટેરેરીઝમ મુક્ત સમાજ અને ઈ એટલે એન્વાયરમેન્ટ સહિતના પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. આ તમામ પાસાઓમાં એકબીજા સહભાગી બને તેવો વિચાર વ્યકત કરવામાં આવ્યો હતો. ગત નવેમ્બર મહિનામાં ભારત એસસીઓ કાઉન્સીલની ચેરમેન બને તેવી ધારણા હતી. જો કે, તે સમયે ઉજબેકિસ્તાનને હજુ હોસ્ટીંગ પૂરું થયું નહોતું. ત્યારબાદ હવે ભારતના પ્રતિનિધિત્વ હેઠળ વર્ચ્યુઅલ સમીટ થશે. જેમાં એસસીઓની કામગીરી માટે અલાયદુ બજેટ ફાળવવામાં આવશે. કાયમી સભ્યો ઉપરાંત કજાકિસ્તાન, ચીન, પાકિસ્તાન, રશિયા, તજીકિસ્તાન, ઉજબેકિસ્તાનને પણ આ સમીટમાં ભારતીય સ્ટાર્ટઅપ, ઈનોવેશન, વિજ્ઞાન, ટેકનોલોજી અને પરંપરાગત દવાઓનો વિચાર આપવામાં આવશે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા એસસીઓના સભ્યોના યુવા વૈજ્ઞાનિકો માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારત તરફથી મીજબાની થઈ હતી. આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલા યુવા વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. એસસીઓની સ્ટાર્ટઅપ ફોરમમાં ૪૯ નિષ્ણાંતોએ ઉદ્બોધન કર્યું હતું. ૧૦૨ સ્ટાર્ટઅપ ઉભા થયા હતા અને એસસીઓ દેશોના ૨૬૯૦ લોકો હાજર રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, ભારતના નેતૃત્વમાં યોજાનાર શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગનાઈઝેશનના સભ્ય સુધી વસુદેવ કુટુંમ્બકમ્ની ભાવનાનો ખ્યાલ પહોંચે તે માટે પ્રયાસો થશે. ખાસ કરીને સંસ્કૃતિનું આદાન-પ્રદાન, શાંતિ જાળવવા પ્રયાસો, સરહદી સુરક્ષા, વ્યાપાર વધારવા, પારદર્શકતા સહિતની બાબતોનું આ ફોરમ દરમિયાન ધ્યાન રાખવામાં આવશે.

Loading...