Abtak Media Google News

સસ્તા અનાજના દુકાનદારોને વિતરણ માટે ત્રણ વિકલ્પ અપાયા: પરવાનેદારો રાજી-રાજી

રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંકઅપ કરાવવાની મુદતમાં વધારો કરી જાહેર વિતરણ વ્યવસ્થામાં સસ્તા અનાજના પરવાનેદારોને ત્રણ પઘ્ધતિથી વિતરણ કરવાની છુટછાટ આપતા સસ્તા અનાજના દુકાનદારોમાં રાહતની લાગણી ફેલાઈ છે તો સામાપક્ષે રેશનકાર્ડ ધારકોની મુશ્કેલીમાં પણ ઘટાડો થયો છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાને આધારકાર્ડ આધારીત બનાવવા રેશનકાર્ડ ધારકોનું આધારકાર્ડ સાથે લીંક અપ કરવા નકકી કર્યુ હતું. જે અન્વયે ૩૦ માર્ચ સુધીમાં તમામ રેશનકાર્ડ ધારકોને આધારકાર્ડના પુરાવા આપી આધારકાર્ડના આધારે અનાજ, કેરોસીન આપવા નકકી કર્યું હતું. જેને પગલે રેશનકાર્ડ ધારકો અને સસ્તા અનાજના વેપારીઓમાં દેકારો બોલી ગયો હતો. બીજી તરફ આધારકાર્ડ આધારીત જાહેર વિતરણ વ્યવસ્થામાં ટેકનિકલ ખામીને કારણે રેશનકાર્ડ ધારકના અંગુઠાની છાપ મેળવવામાં પણ ખાસ્સો સમય વ્યથિત થતો હોય આ મામલે રાજયભરમાંથી ફરિયાદો આવતા હાલ પુરતુ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંકઅપ કરવાની મુદતમાં ત્રણ માસનો વધારો કર્યો છે.

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી કચેરીના સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્રસચિવ અંકિતા મેડમ દ્વારા આ મામલે બેઠક યોજી તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને ૩૦ જુન સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ કરી જાહેર વિતરણ વ્યવસ્થામાં મેન્યુઅલી વિતરણ તેમજ જુની પઘ્ધતિ મુજબ વિતરણ વ્યવસ્થાને ચાલુ રાખવા છુટછાટ આપી હતી.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની આ છુટને કારણે હાલ તુર્ત તો ફરજીયાત આધારકાર્ડ આધારે જ અનાજ-કેરોસીન વિતરણ કરવાના નિયમમાં ઢીલ મળતા સસ્તા અનાજના વેપારીઓ ગેલમાં આવી ગયા છે અને ત્રણ મહિનાનું જીવનદાન મળી ગયું હોવાનું જણાવી આ મુદતમાં હજી પણ વધારો થશે તેવો આશાવાદ વ્યકત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.