આ ચોમાસામાં વરસાદી પાણીના ધીંગા સંગ્રહનો શુભારંભ કરીએ અને માનવ -અસ્તિત્વ સામેના કોરોના સહિતના તમામ પડકારોને દેશવટો આપવાની પ્રચંડ શકિત સંપ્રાંત કરી આપે એવું આ વખતનું ચોમાસુ નીવડે એ માટેના પ્રમાણિક તેમજ પવિત્ર પ્રયત્નો કરીએ: આપણા દેશને અને માનવ-સમાજને એની આવશ્યકતા છે

‘પાણી’ અને ‘વાણી’નો સંયમપૂર્વક ઉપયોગ કરવો, એવું આપણા વચનસિધ્ધ સંત મહંતોએ કહ્યું છે. આવી સલાહ તેમણે વર્ષોને વર્ષો પૂર્વે આપી હતી.

‘ખેત, ખાતર, અને પાણી’એ આપણા ખેતી પ્રધાન દેશના પ્રાણ સમા છે.

માનવ સેવા એ જેમ ધર્મનો પ્રાણ છે, તેમ ખેતી અને કૃષિ ઉત્પાદન લક્ષી અર્થતંત્ર આપણા અને આપણી ગૌમાતાઓ સહિતના પશુપાલનનો પ્રાણ છે.

કમનશીબે આપણો દેશ આપણા સંત-મહંતોની શીખામણ અનુસાર ‘પાણી’નો તેમજ ‘વાણી’નો સંયમ પૂર્વક ઉપયોગ કરતો હોવાની હમણા સુધી પ્રતીતિ થતી નથી.

આપણા દેશમાં આ ચોમાસા દરમ્યાન આપણા કૃષિકારોની ધારણા મુજબનો મબલખ પાક થાય, અને ભકતકવિ નરસિંહ મહેતાએ કથેલા ધર્મના પ્રાણ સમા વૈષ્ણવજનો પર પાકે એવી પ્રાર્થના આપણી ધરતીએ અને ધરતીપુત્રોએ કરી છે…

આપણાદેશમાં ચોમાસુ સારૂ જાય તો આખા રાષ્ટ્રનું વર્ષ સુખશાંતિભર્યું નીવડે અને જો ચોમાસુ ખરાબ જાય તો આખું વર્ષ સુખ-શાંતિભર્યું ન નીવડે એવો ઘાટ ઘડાય છે.

ચોમાસુ આવે એટલે મહાકવિ કાલિદાસના નાટક મેઘદૂતની અષાઢસ્ય પ્રથમ દિવસની પંકિત ગુંજતી થઈ જાય છે. જોકે હવે અષાઢના આ દિવસોને થોડા જુદી રીતે લેવાની જરૂર છે. વરસાદી માહોલમાં રોમેન્ટિક થવાની સાથે અને વરસાદનો લુત્ફ ઉઠાવવાની સાથે સાથે વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પણ જવાબદારી લેવી જોઈએ.

ગુજરાતમાં જે રીતે દર વર્ષે જળસંકટ ઘેરાય છે તે જોતા પાણીનો સંગ્રહ કરવો અનિવાર્ય બની ગયો છે. ગુજરાતમાં ચોમાસુ સારૂ જાય કે નબળ પરંતુ ઉનાળો આવતા આવતા તો પાણીની બુમરાણ મચી જતી હોય છે. જોકે હવે આપણે વરસાદ આવે ત્યારે વરસાદી વાતાવરણ માણવાની સાથે સાથે પાણીનો સંગ્રહ કરવાની શરૂઆત પણ કરવી પડશે. આપણે લોકો વરસાદ આવે તે માટે પર્જન્ય યજ્ઞ અને કઈ કેટલુય કરીએ છીએ. પછી વરસાદ આવે ત્યારે વરસાદી ઋતુને માણવા બેસી જઈએ અને ઉનાળો આવતા એજ પાણીનો કકળાટ, કોર્પોરેશન કચેરી સામે મહિલાઓનો માટલા ફોડવાનો કે હવે પાણીના મુદે ચકકાજામ કરવાના સમાચાર તો જાણે સામાન્ય બની ગયા છે.

પાણીની સમસ્યાને ટાળવા માટે પાણીના સંગ્રહ જેવા નકકર પાય એકેય નથી. વરસાદી મોસમનો લાભ લઈને જળસંગ્રહનો હાથવગો ઉપાય અમલમાં મૂકવામાં આવે તો પાણીની બાબતે કોઈના ઉપર કોઈએ પણ આધારિત રહેવું પડે નહી. અથવા તો શેરીઓમાં જયાં સાર્વજનિક નળ હોય ત્યાં તો પાણી મામલે થતા ચમકલા અને બેડાયુધ્ધ લગભગ રોજના થઈ પડયા છે.

વરસાદી પાણી સંગ્રહ બાબતે દીર્ધદ્રષ્ટિ રાખનારા એવા ઘણા નાગરિકો શહેરમાં છે જેઓ પોતાના ઘરમાં કે સંસ્થામાં વરસાદના મૂલ્યવાન પાણીનો સંગ્રહ કરતા હોય છે. વરસાદી પાણીનો ઉપયોગ જમીનનાં પાણીના તળ ઉંચા લાવવા મો પણ થાય છે. અને તેના માટે ખંભાતી કૂવા બનાવવામાં આવે છે.

ચોમાસામાં કઈ કેટલું પાણી નકામુ વેડફાઈ જાય છે. ત્યારે વોટર હાર્વેસ્ટિંગનો વિચાર અને અમલ વરદાનરૂપ બની રહેશે. હવે વરસાદી પાણીનાં સંગ્રહ અંગે નાગરિકોમાં સજાગતા વધી રહી છે. તેના પગલે ગુજરાતમાં હવે ઘણી શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓ, હોટેલ્સ, સોસાયટી અને એપાર્ટમેન્ટ અને રોહાઉસીસમાં વસતા લોકો પોતાના પરિસરમાં ખંભાતી કુવા દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરતા થયા છે. આ ઉપરાંત હવેની રેસિડેન્સિયલ સ્ક્રિમમાં પણ વોટર હાર્વેસ્ટિંગની ખાસ જોગવાઈ કરવામાં આવે છે. જેલોકો પાણીના મૂલ્યને સમજીને આ અમૂલ્ય પાણીનો યથાર્થ ઉપયોગ કરવા લાગ્યા છે. તે પ્રશંસાને પાત્ર છે જ. આપણે એવો ચોકકસ પ્રયાસ કરી શકીએ કે જયારે પોતાના શહેર કે ગામમાં મેઘમહેર થઈ રહી હોય ત્યારે ત્યારે શહેરીજનો પાણી સંગ્રહ માટે એટલા જાગૃત થાય કે ભવિષ્યમાં પાણી માટે વલખા ન મારવા પડે.

આપણા દેશની વર્તમાન સ્થિતિ નિહાળતાં એવું ચિત્ર ઉપસે છેકે, આ વખતનું ચોમાસુ વિવિધ રીતે અસાધારણ નીવડવાનો સંભવ છે. એના ઉપર આપણા દેશની અસહ્ય ગરીબીનું અવલંબન જ નહિ, પરંતુ આ દેશનાં રાજકીય પ્રવાહોનું અને આર્થિક પ્રવાહોનું પણ અવલંબન રહેશે.

કોરોનાનો રાક્ષસ માણસ ગંધાય, માણસ ખાઉંના પોકારો કરતો ઠેકડા ઠેકડ કરે છે. રિઝર્વ બેંકનાં પૂર્વ ગવર્નર શ્રી રઘુરામ રાજને રાજકીય લેખાજોખાંને બાજુએ મૂકીને અને કોરોનાની ઉપાધીને કોરાણે રાખીને દેશના કથળતા અર્થતંત્રને ઠીકઠાકરી લેવાની તાકીદ કરી છે.

આપણા દેશની સમસ્યાઓ ચોમાસા બાદ કેવી રહેવાની છે. તેનો જાયજો લઈને ઘટતા પગલાં લેવા પડે તેમ છે.

હાલતૂર્ત તો એટલું જ કહીએ કે, આ ચોમાસાના વરસાદનો ગુરૂતમ સંગ્રહ કરવાનો આરંભ કરી દઈએ અને શુભશુકન કરીએ…

આપણા દેશ વિષે શાંત લાગણીમાં સર્વાંગી સમીક્ષા કર્યા વિના ચાલે તેમ નથી.

Loading...